ખાંડની નિકાસ 70 લાખ ટનને પાર કરી જવાની ઉદ્યોગને આશા

નવી દિલ્હી, તા. 14 સપ્ટે.
ખાંડની નિકાસ વર્તમાન મોસમમાં (અૉક્ટોબર 2020- સપ્ટેમ્બર 2021) 70 લાખ ટનને વટાવી જવાની ખાંડ ઉદ્યોગને આશા છે.
આ મોસમના પ્રથમ 11 મહિનામાં (અૉક્ટોબર-અૉગસ્ટ) ખાંડની નિકાસ 66.7 લાખ ટન પર પહોંચી ચૂકી હતી, જે ગઈ મોસમના એ જ સમયના 55.7 લાખ ટન કરતાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ મજબૂત થઈ ગયા છે તે જોતાં આવતા મહિનાથી શરૂ થતી 2021-22ની મોસમમાં 60 લાખ ટન ખાંડ નિકાસ થવાની ધારણા ઈન્ડિયન સુગર મિલ્સ ઍસોસિયેશને (ઈસ્મા) વ્યક્ત કરી છે.
વિશ્વમાં ખાંડના અગ્રણી ઉત્પાદક દેશો બ્રાઝિલમાં આવતા વર્ષે ઉત્પાદન ઘટવાની સંભાવના જોવાતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ વધીને 20 સેન્ટ પ્રતિપાઉન્ડ (454 ગ્રામ) થઈ ગયા છે, જે ચાર 
વર્ષમાં સૌથી ઉંચા ભાવ છે, એમ ઈસ્માએ જણાવ્યું છે.
``આનો અર્થ એ કે ભારતની ખાંડ મિલોને બેએક મહિના પછી જાન્યુઆરી 2022 સુધી અને ત્યારપછી બ્રાઝિલનો પાક બજારમાં આવે તે પહેલાં એપ્રિલ 2022 સુધી પોતાનો વધારાનો માલ નિકાસ કરવાની તક મળશે,'' એમ ઈસ્માએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
ભારતીય ખાંડ ઉદ્યોગ આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવશે અને આવતી મોસમમાં 60 લાખ ટન જેટલી નિકાસ કરશે એવી અપેક્ષા છે, એમ તેણે ઉમેર્યું હતું.
ઘણી મિલોએ આગામી મોસમમાં નિકાસ માટેના ફોરવર્ડ સોદા ર્ક્યા છે, એમ તેણે કહ્યું હતું.
ઈસ્માએ કહ્યું હતું કે બ્રાઝિલમાં સૂકા હવામાનને પગલે શેરડીનો પાક ઓછો આવવાના અહેવાલોને કારણે ખાંડના ભાવ ઉંચા મથાળે જળવાઈ રહેવાની શક્યતા છે. બ્રાઝિલમાં આ વર્ષે (એપ્રિલ-માર્ચ) પહેલાં બરફ પડયો અને પછી દુકાળ પડવાથી હવામાન સૂકું થઈ ગયું છે. બ્રાઝિલમાં 90 વર્ષમાં સૌથી આકરો દુકાળ પડયો હોવાથી તેનું ખાંડનું ઉત્પાદન ઘટવાની સંભાવના છે.
``આને કારણે ઈન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઈઝેશન (આઈએસઓ) સહિતની અનેક સંસ્થાઓએ 2021-22ની મોસમમાં 40-50 લાખ ટનની ખાધ રહેવાનો અંદાજ વ્યક્ત ર્ક્યો છે,'' એમ ઈસ્માએ જણાવ્યું હતું.
આગામી મોસમમાં થાઈલેન્ડનું ખાંડનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં વધુ થવાનો સંભવ છે, પરંતુ આ વધેલું ઉત્પાદન પણ 140-145 લાખ ટનના સામાન્ય ઉત્પાદનથી ઓછું, 110-115 લાખ ટન જેટલું જ હશે, એમ ઈસ્માએ જણાવ્યું હતું.
આ મોસમમાં અૉગસ્ટ સુધીમાં 66.7 લાખ ટન ખાંડ નિકાસ કરાઈ હતી, જેમાંથી 62.2 લાખ ટન અન્ન મંત્રાલયે ફાળવેલા ક્વોટા પ્રમાણે અને બાકીની ઓજીએલ હેઠળ કરાઈ હતી. નિકાસમાં 34.2 લાખ ટન કાચી ખાંડ, 25.6 લાખ ટન સફેદ ખાંડ અને 1.88 લાખ ટન રિફાઈન્ડ ખાંડનો સમાવેશ થાય છે.
6 સપ્ટેમ્બરે 2.29 લાખ ટન ખાંડને દેશનાં વિવિધ બંદરોએ પરદેશ ચડવાની રાહ જોવી પડી હતી. મોસમ પૂરી થવાને હજી 20 દિવસ બાકી હોવાથી કુલ નિકાસ 70 લાખ ટનને પાર કરી જવાની શક્યતા છે, એમ ઈસ્માએ જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer