લોખંડના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો

ધીમી માગ અને નાણાભીડને લીધે ભાવ ઉપર સતત દબાણ 
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 14 સપ્ટે.  
લૉકડાઉન દરમિયાન તમામ પ્રકારના લોખંડ પ્રોડક્ટના ભાવમાં ઐતિહાસિક વધારો જોવાયા પછી હવે આશ્ચર્યજનક રીતે મોટો ઘટાડો શરૂ થયો છે. અનેક પ્રોજેક્ટો અધૂરા હોવા સાથે હવે છેલ્લા દોઢ મહિનાથી વાહનોના વેચાણ-ઉત્પાદનમાં ઘટાડો શરૂ થયો છે. તેને લીધે અનેક પ્રકારના પૂર્જા, એક્સેસરીઝ અને પતરાની પ્રોડક્ટોની માગ અને ઉત્પાદન ઘટતાં જાય છે. મુંબઈ બજારના લોખંડના અગ્રણી સપ્લાયરોની નાણાછીડ વધી છે અને લોખંડ બજારમાં 80 ટકા કામકાજ હવે માત્ર રોકડેથી શરૂ થતાં ધંધાના વોલ્યુમ પર ગંભીર વિપરીત અસર થઈ છે.  
ઉપરોક્ત તમામ પરિબળોના કારણે સ્થાનિક જથ્થાબંધ બજારમાં લોખંડની એચઆર શીટ્સ અને સીઆર કોઇલ્ડના ભાવ ટોચના સ્તરેથી ગણતા રૂા. 11,000 સુધીનો નોંધપાત્ર ઘટાડો થઈ ચૂક્યો છે. એચઆર શીટ્સના એક અગ્રણી સ્ટોકિસ્ટે જણાવ્યું હતું કે આજે લોખંડના જથ્થાબંધ વેપારના કેન્દ્ર કાલમ્બોલી ખાતે જથ્થાબંધ (ટ્રક લોડ) માલનો ઉઠાવ 60 ટકા ઘટી ગયો છે. સેમી હોલસેલમાં પણ મોટા સપ્લાયરો રોકડેથી માલ આપી રહ્યા છે, જે અગાઉ શક્ય નહોતું.  
મુંબઈમાં કર્ણાક બંદરમાં લગભગ બંધ જેવી સ્થિતિ હોઈ હવે માત્ર કાલમ્બોલીથી જ મોટા ભાગનું લોખંડ સપ્લાય થઈ રહ્યું છે. કેટલાક અહેવાલો અનુસાર રાલિંગના લોન્ગના માલોની ડિલીવરી મિલો સીધી જ આપી રહી છે જેથી સ્ટોકનો ભરાવો ટાળી શકાય.  
બીમાના પ્રમુખ અનિશ વળીયાએ જણાવ્યું કે લૉકડાઉનના અંત પછી લોખંડ બજારની તેજીનો પણ અંત આવ્યાનું ચિત્ર ઉપસ્યું છે. સપ્ટેમ્બરમાં પણ લોખંડનો ઉપાડ ધીમો ચાલી રહ્યો છે. સ્ટોકિસ્ટ-સપ્લાયરો નાણાભીડ અને નીરસ માગથી પરેશાન છે.   

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer