ભારત, અમેરિકા, આર્જેન્ટિનામાં મકાઈનું ઉત્પાદન વિપુલ થશે

મકાઈમાં મંદીના વાયરા 
ચીને પશુઆહારની મકાઇ માગનો અંદાજ ઘટાડીને 1870 લાખ ટનનો મૂક્યો 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 14 સપ્ટે. 
અમેરિકન કૃષિમંત્રાલયે શુક્રવારે વર્લ્ડ એગ્રિકલ્ચરલ સપ્લાય એન્ડ ડિમાન્ડ અંદાજો મંદી તરફી આપ્યા અને મકાઇ બજારે તેનાથી વિપરીત હકારાત્મક પ્રત્યાઘાત આપ્યો. મકાઇ સપ્લાઈ મોટી રહેવાની આગાહી અમેરિકએ આ અગાઉ જ આપી હતી, તેના આધારે જ ભાવ 6 મેના 7.75 ડોલર પ્રતિ બુશેલ (25.216 કિલો) ઊંચાઈએથી અત્યાર સુધીમાં 20 ટકા ઘટયાં છે. શિકાગો ડિસેમ્બર મકાઇ વાયદો શુક્રવારે એક તબક્કે 4.97 ડોલર, જાન્યુઆરી બોટમે બેસી ગયો હતો. જો કે પાછળથી ભાવ વધીને 5.16 ડોલર થવા છતાં ભાવ સતત બીજા સપ્તાહે 2.3 ટકાનો સાપ્તાહિક ઘટાડો દાખવી સાડાસાત મહિનાના તળિયે ગયો હતો. 
અમેરિકન કૃષિમંત્રાલયે વર્ષાન્ત સ્ટોકનો આંકડો ઓગસ્ટ અંદાજ 1.11 અબજ બુશેલ કરતાં 6 ટકા વધુ 1.18 અબજ બુશેલ મૂકીને એવું કારણ આપ્યું હતું કે મકાઇ માર્કાટિંગ વર્ષ 2020-21માં ઇથેનોલ બનાવવામાં 400 લાખ બુશેલ મકાઇ વપરાશ અને નિકાસ પણ 300 લાખ બુશેલ ઘટશે. આમ છતાં આ અનુમાનોને આધારે અમેરિકન કૃષિમંત્રાલયે 2020-21 વર્ષની ભાવ સરેરાશ 2019 કરતાં 25 ટકા વધારીને 4.45 ડોલર મૂકી હતી. 
યુએસડીએ એ સ્ટોક ટુ યુસેઝ રેશિયો 2019 કરતાં અડધો 7.9 ટકા મૂક્યો હતો, આ રેશિયો 2012 પછીનો સૌથી ઓછો છે. મકાઇ વાવેતર ઓગસ્ટ અંદાજ 927 લાખ એકરથી વધારીને 933 લાખ એકર મૂકવા સાથે એકર દીઠ મકાઇ યિલ્ડ અનુમાન, વેપારી અનુમાન પ્રતિ એકર સરેરાશ 175.8 બુશેલથી વધારીને 176.3 બુશેલ મૂક્યો હતો. ઓગસ્ટમાં આ અંદાજ 174.5 બુશેલ હતો. ઉત્પાદન અનુમાન એક મહિનામાં 14.750 અબજ બુશેલથી વધારીને 14.996 બુશેલ કરવામાં આવ્યો હતો. 
ઓગસ્ટ સુધીના યુએસડીએ અહેવાલ તેજી તરફી હતા પણ હવે ભાવ નીચે જવાનું દબાણ વધશે. ઈદા વાવાઝોડું આવ્યું એ પહેલા સીબીઓટી ડિસેમ્બર મકાઇ વાયદો 27 ઓગસ્ટે 5.53 ડોલરની ઊંચાઈએ મુકાયો હતો. ઓગસ્ટમાં વેપારી અંદાજ કરતાં પણ યીલ્ડ અનુમાન નીચા મૂકીને તેજી ભડકાવી હતી. કમનસીબે તેજીનો આંતરપ્રવાહ બહુ લાંબો ચાલ્યો ના હતો. 
ચીનમાં પશુના ભાવ નીચે રહેવાને લીધે, 2020-21માં પશુ આહારની મકાઇ માંગ વધુ ઘટવાના અંદાજો મુકાવા લાગ્યા છે અને વિશ્વ વેપાર પર પણ તેની અસર પડી છે. ચીનના કૃષિમંત્રાલયે પશુઆહાર માટેની મકાઇ માંગનો અંદાજ, ઓગસ્ટ કરતાં 30 લાખ ટન ઘટાડીને 1870 લાખ ટન મૂક્યો છે. અલબત્ત, ઔધ્યોગિક વપરાશ માટે મકાઇ માંગ 800 લાખ ટન મૂકી છે. 
ચીનએ અમેરિકન મકાઇ આયાતમાં વધારો કરવા સાથે 2020-21માં મકાઇ આયાત અનુમાન 40 લાખ ટન વધારીને 260 લાખ ટન મૂક્યો છે. બ્રાઝીલના મકાઇ ઉત્પાદનમાં 10 લાખ ટન ઘટાડો કરીને નવો અંદાજ 860 લાખ ટન મૂક્યો છે. વેપારીઓના ઉત્પાદન અનુમાન કરતાં પણ આ અંદાજ નીચા મૂકવામાં આવતા બજારમાં આશ્ચર્ય સર્જાયું છે. જોકે આર્જેન્ટિનામાં મકાઇ ઉત્પાદન 15 લાખ ટન વધવાના અહેવાલો સાથે બ્રાઝીલનો ઘટાડો સરભર થઈ જશે. 
ભારતમાં 2015-16માં મકાઇ ઉત્પાદન 225 લાખ ટન આવ્યા પછી સ્થિર અને સતત ઉત્પાદન વૃધ્ધિ સાથે, 2020-21 (ઓકટોબરથી સપ્ટેમ્બર)માં આ આંકડો 302 લાખ ટનની ઊંચાઈએ પહોંચશે. અલબત્ત, ભારતમાં ભાવની વ્યાપક ઉથલપાથલ રહી છે, ભારતમાં મકાઈનો મહત્તમ વપરાશ પોલ્ટ્રી અને સ્ટાર્ચ અને ડેરિવેટિવઝ ઉત્પાદન માટે થાય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer