મિશ્ર વૈશ્વિક પરિબળો વચ્ચે સેન્સેક્ષ-નિફ્ટીમાં આંશિક વધારો

ઝી ગ્રુપના શૅર્સમાં ઉછાળો
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 14 સપ્ટે.
મિશ્ર વૈશ્વિક પરિબળોના કારણે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો ખૂલ્યા બાદ સત્રના અંતે આંશિક વધારે બંધ રહ્યા હતા. ટીસીએસ, કૉટક મહિન્દ્ર બૅન્ક, લાર્સન એન્ડ ટુબ્રો અને એચસીએલ ટેકમાં લેવાલીના લીધે સેન્સેક્ષ 69 પોઈન્ટ્સ (0.12 ટકા) વધીને 58,247.09ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈમાં નિફ્ટી50 સૂચકાંક 25 પોઈન્ટ્સ (0.14 ટકા) વધીને 17,380ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ 0.5 ટકા ઘટીને 13.58ના સ્તરે બંધ રહ્યો હતો.
વ્યાપક બજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1.09 ટકા વધ્યો હતો, જ્યારે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.63 ટકા વધારે બંધ રહ્યો હતો.
નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં ફાઈ. સર્વિસ 0.13 ટકા, એફએમસીજી 0.30 ટકા અને મેટલ સૂચકાંક 0.50 ટકા ઘટયા હતા. જ્યારે નિફ્ટી બૅન્ક સૂચકાંક 0.39 ટકા, અૉટો 0.88 ટકા, આઈટી 0.86 ટકા, મીડિયા 14.40 ટકા, ફાર્મા 0.24 ટકા, પ્રાઈવેટ બૅન્ક સૂચકાંક 1.03 ટકા, પીએસયુ બૅન્ક 0.18 ટકા અને રિયલ્ટી સૂચકાંક 0.42 ટકા વધારે બંધ રહ્યા હતા.
આજે ઝી એન્ટરટેઈનમેન્ટનો શૅરમાં સૌથી વધુ 39.99 ટકાનો ઉછાળો થયો હતો, જ્યારે ગ્રુપની અન્ય કંપનીઓ- ઝી લર્નનો શૅર 20 ટકા અને ઝી મીડિયાનો શૅર પાંચ ટકા વધ્યો હતો. ઝી એન્ટરટેઈનમેન્ટના શૅરધારકોએ આજની એજીએમમાં બોર્ડમાં સુધારણા કરવાના હોવાથી એસ્સેલ ગ્રુપ કંપનીઓના શૅર્સમાં પણ ઉછાળો આવ્યો હતો.
જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું કે, તેજીથી શરૂઆત થઈ હોવા છતાં વૈશ્વિક મિશ્ર પરિબળોને લીધે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો આંશિક વધારે બંધ રહ્યા હતા.  યુએસ કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ પહેલા વૈશ્વિક શૅરબજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યુ હતું.
વૈશ્વિક બજારો
ગઈ કાલે અમેરિકામાં નાસ્દાક સૂચકાંક 0.07 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. યુરોપમાં લંડનનો એફટીએસઈ 0.28 ટકા અને ફ્રાન્સનો સીએસી 0.44 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે જર્મનીનો ડીએએક્સ 0.11 ટકા વધારે ટ્રેડ થઈ રહ્યો હતો. 
એશિયામાં એસજીએક્સ નિફ્ટી 0.09 ટકા, જપાનનો નિક્કી 0.73 ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.67 ટકા અને જાકાર્તા કોમ્પોસિટ 0.67 ટકા વધ્યા હતા. બીજા બાજુ શાંઘાઈ કોમ્પોસિટ 1.42 ટકા, હોંગ કોંગનો હેન્ગ સેન્ગ 1.21 ટકા અને તાઈવાન 0.07 ટકા ઘટયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer