ગુજરાતની નવી સરકારના પ્રધાનોની શપથવિધિ કાલે

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 14 સપ્ટે.
ગુજરાતના નવનિયુક્ત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળની શપથવિધિ 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાશે. રૂપાણી સરકારના તમામ પ્રધાનોનાં રાજીનામાં બાદ નવી સરકારમાં 19 પ્રધાનોની શપથવિધિ થવાની શક્યતા છે.  
મુખ્ય પ્રધાનની શપથવિધિ બાદ અમિત શાહે દિલ્હી જતાં પહેલાં અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસમાં ભૂપેન્દ્ર પટેલ સાથે નવા પ્રધાનમંડળની રચના અંગે બેઠક કરી હતી. સોમવારે મોડી રાત સુધીમાં પ્રધાનોનાં નામ જાહેર થશે અને ગુરુવારના રોજ શપથવિધિ યોજાશે.  આનંદીબેન પટેલ શનિવારે ઉત્તર પ્રદેશથી ગુજરાત આવવાનાં છે. નોંધનીય છે કે મુખ્ય પ્રધાનના કાર્યાલયમાં ક્યા સચિવોને રાખવા તે અંગેનો નિર્ણય આનંદીબેન પટેલ આવ્યાં બાદ લેવામાં આવે તેવી સંભાવના છે.   રૂપાણી સરકારના 22 પ્રધાનોના કદને ઘટાડી 19 પ્રધાનો શપથ લે તેવી શક્યતા રહી છે.  રૂપાણી સરકારના 11 કૅબિનેટ પ્રધાનોમાંથી માત્ર દિલીપ ઠાકોર, જયેશ રાદડિયા સહિત સૌરભ પટેલને રિપિટ કરવામાં આવે તેવી શક્યતાછે. જ્યારે રાજ્યકક્ષાના 11માંથી 7ની બાદબાકી કરીને માત્ર 4 પ્રધાનોને સ્થાન આપવામાં આવી શકે છે. 
અમદાવાદના અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલ અથવા વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલને પ્રદીપાસિંહ જાડેજાને બદલે રાજયકક્ષાના ગૃહપ્રધાન બનાવવામાં આવે તેવી શક્યતા છે. ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં બે મહિલાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે. 
નવા પ્રધાનોમાં સૌથી વધુ 65 વર્ષથી નીચેની ઉંમરના ધારાસભ્યોને પ્રધાનપદ આપવામાં આવે તેવી શક્યતા છે. પૂર્વ કૅબિનેટ પ્રધાન સૌરભ પટેલને નાણાં ખાતું સોંપાય તેવું બની શકે. 
નવું પ્રધાનમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ પ્રધાનમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે. ભાજપની સરકાર સામે શાસક વિરોધી લહેર છે, તેને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ પ્રધાન બની જાય એવા હશે. જ્ઞાતિવાદનું જોર દેખાશે.  
ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાંથી દિલીપ ઠાકોર, અમદાવાદમાંથી જગદીશ પટેલ, વિસનગરમાંથી ઋષિકેશ પટેલ, ડીસામાંથી શશિકાંત પંડ્યા અને પ્રાંતિજમાંથી ગજેન્દ્રાસિંહ ચૌહાણનો સમાવેશ થાય તેવી શક્યતા છે. મધ્ય ગુજરાતમાંથી વડોદરાના રાવપુરાના રાજેન્દ્ર ત્રિવેદી, હાલોલમાંથી જયદ્રથાસિંહ પરમાર, દેવગઢ બારિયામાંથી બચુભાઇ ખાબડ, ખંભાતમાંથી મયૂર રાવલ, નડિયાદમાંથી પંકજ દેસાઇનો સમાવેશ થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં ભુજમાંથી ડૉ. નિમાબેન આચાર્ય, ભાવનગરમાંથી જીતુભાઇ વાઘાણી, જેતપુરમાંથી જયેશ રાદડિયા, બોટાદના સૌરભ પટેલ, ભાવનગર જિલ્લામાંથી પરષોત્તમ સોલંકી, જામનગર જિલ્લામાંથી હકુભા જાડેજા ઉપરાંત જૂનાગઢ જિલ્લામાંથી જવાહર ચાવડાની પસંદગી થાય તેવી ધારણા છે. દક્ષિણ ગુજરાતમાંથી ભરૂચના દુષ્યંત પટેલ, બારડોલીના ઇશ્વર પરમાર, સુરતમાંથી હર્ષ સંઘવી, ડાંગમાંથી વિજય પટેલની પસંદગી થાય તેવી શક્યતા છે. જ્યારે પૂર્વ કૅબિનેટ પ્રધાન ગણપત વસાવાને અધ્યક્ષપદનું સ્થાન સોંપાય તેવી સંભાવના છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer