બંદરની નજીક મેગા ટેક્સ્ટાઇલ પાર્ક્સને અગ્રતાના ધોરણે મંજૂરી અપાશે

નવી દિલ્હી, તા. 14 સપ્ટે.
વિશાળ ટેક્સ્ટાઇલ પાર્ક મુખ્યત્વે ભારતનાં મોટાં બંદરોની નજીક સ્થાપવામાં આવશે અને તેનો લાભ વિશાળ સમુદ્રતટ ધરાવતા ગુજરાત, તામિલનાડુ, કર્ણાટક જેવાં રાજ્યોને વધારે થશે, એમ ટેક્સ્ટાઇલ સચિવ યુપી સિંહે જણાવ્યું છે.
સૂચિત વિશાળ ટેક્સ્ટાઇલ પાર્ક્સમાં ટેક્સ્ટાઇલ અને ગાર્મેન્ટ કંપનીઓ માટે આવશ્યક તમામ મૂળભૂત સુવિધાઓ પહેલેથી જ તૈયાર રહેશે અને રોકાણકારો 60 ટકા અને 100 ટકા પ્રોજેક્ટ પૂરા કરે તે પછી તેમને જાહેર કરાયેલા વિવિધ લાભ કેન્દ્ર સરકાર આપશે.
મેગા ટેક્સ્ટાઇલ પાર્કના રોકાણકારોને માળખાકીય સુવિધાઓની જાળવણી કરવાની રહેશે અને તેમને 25થી 30 વર્ષના સમયગાળા માટે સંચાલનની જવાબદારી સોંપવામાં આવશે. ત્યાં ટેક્સ્ટાઇલ અને ગાર્મેન્ટ્સના એકમો સ્થાપનાર માલિકો પાસેથી ફી વસૂલ કરી શકશે.
આ વિશાળ પાર્કમાં નાની કંપનીઓ અને ફૅશન ડિઝાઇનરો પણ તૈયાર ઉપલબ્ધ સુવિધાના કારણે શૉપ ખોલી શકશે.
આ મેગા પાર્ક્સમાં વિદેશી ગ્રાહકો માટે વિશાળ શ્રેણીમાં ઉત્પાદનો ઉપલબ્ધ થવાથી તેઓ મોટા અૉર્ડર મેળવી શકશે, એમ સિંહે જણાવ્યું છે.
પહેલા તબક્કામાં સાત મેગા પાર્કનું નિર્માણ થશે. જોકે, મોટી સંખ્યામાં રાજ્યો જમીન અૉફર કરવા આગળ આવશે તો અમે અમુક ધોરણો નક્કી કરી તે મુજબ `ચેલેન્જ મેથડ' અપનાવીશું.
મેગા ટેક્સ્ટાઇલ પાર્કની પસંદગી માટેના ધોરણોમાં બંદર નજીકની જમીન, કાચા માલની ઉપલબ્ધતા અને પરિવહનના માધ્યમોનો સમાવેશ અન્ય બાબતો સાથે કરવામાં આવ્યો છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, મધ્યપ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોએ `િમત્રા'-મેગા ટેક્સ્ટાઇલ પાર્ક સ્થાપવા માટે રસ દર્શાવ્યો છે. મળેલા બહોળા પ્રતિસાદથી અમને આનંદ થયો છે પરંતુ મેગા ટેક્સ્ટાઇલ પાર્કની મંજૂરી `ચેલેન્જ મેથડ'ના ધોરણે જ આપવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ચેલેન્જ મેથડ હેઠળ રાજ્યોની દરખાસ્તોને એક બીજા સામે સ્પર્ધાત્મક ધોરણે રજૂ કરવામાં આવશે અને જે રાજ્યોને સૌથી વધુ પોઇન્ટ્સ મળશે તેમને મેગા ટેક્સ્ટાઇલ પાર્કની ફાળવણી કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer