સુરત માગે મેગા ટેક્સ્ટાઇલ પાર્ક

સુરત માગે મેગા ટેક્સ્ટાઇલ પાર્ક
ટેક્સ્ટાઈલ સચિવ : પીએલઆઇ સ્કીમ અને મેગા ટેકસ્ટાઇલ પાર્ક સુરતના કાપડ ઉદ્યોગમાં નવી તક સર્જશે
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત તા. 14 સપ્ટે.
સુરત મેગા ટેક્સટાઇલ પાર્ક માટે મજબૂત દાવેદાર છે. પીએલઆઇ યોજના અને મેગા ટેક્સટાઇલ પાર્ક સુરત કાપડઉદ્યોગ માટે વિશાળ તક ઉભી કરશે તેમ વીવનીટ પ્રદર્શન કાર્યક્રમ માટે આવેલા ટેક્સટાઇલ સચિવ ઉપેન્દ્ર પ્રસાદે કહ્યું હતુ. એનાથી ઉદ્યોગકારોને આશા બંધાઇ છે. 
સિંઘે જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકોને પીએલઆઇ સ્કીમનો વધુમાં વધુ લાભ લેવા જોઇએ. મેગા ટેકસટાઇલ પાર્ક એ રાજ્ય માટે ચેલેન્જ મેથડ છે અને તેના માટે એક હજાર જમીનની જરૂરિયાત છે. ગુજરાતમાં મેગા ટેકસટાઇલ પાર્ક માટે સુરતમાં તેની સંભાવના દેખાઇ રહી છે. સરકાર દ્વારા ટેકસટાઇલ મશીનરીને ઉત્તેજન આપવા પણ પ્રયાસ કરવામાં આવી રહયો છે. અન્ય દેશો સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે ભારતના ઉદ્યોગકારોને નુકસાન નહીં થાય તે બાબતની સરકાર દ્વારા સંપૂર્ણ કાળજી રાખવામાં આવશે. આ જ કારણે લંબાઇ રહ્યું છે.  
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ભારતમાં પ્રથમ વખત ફેબ્રિક માટેનું એકઝીબીશન યોજાયું હતુ. ટેકસટાઇલ ક્ષેત્રના કુલ ઉત્પાદનમાં 65 ટકા જેટલું યોગદાન વિવર્સ અને નીટર્સ આપે છે. સુરત, ભારતનું 6પ ટકા મેન મેઇડ ફાયબરનું ઉત્પાદન કરે છે તથા ભારતમાં બીજા નંબરનું સૌથી મોટું ડેનીમ અને લેનીન કાપડ બનાવવાનું કલસ્ટર છે. સુરતના વિવર્સ વિશ્વની પ્રખ્યાત બ્રાન્ડ જેવી કે ઝારા, એચએનએમ, માર્ક એન્ડ સ્પેન્સરને ફેબ્રિક સપ્લાય પૂરો પાડે છે. તેમજ સુરતનો કાપડઉદ્યોગ વિસ્કોસ, ફિલામેન્ટ, ટવીસ્ટેડ ફેબ્રિકમાં આખા વિશ્વમાં સૌથી મોટું ઉત્પાદન ધરાવે છે. શહેરમાં વાર્ષિક 14600 મિલિયન મીટર કાપડ બને છે તથા ઉદ્યોગ 80 હજાર કરોડનું ટર્નઓવર ધરાવે છે. 
એટફસ સ્કીમ હેઠળ સ્થપાયેલા શટરલેસ લૂમ્સ વિશે જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં 50 હજાર જેટલા મશીન લગાવવામાં આવ્યા છે, જે પુરા ભારતના 50 ટકા જેટલા છે. એટફસની અંદર હાલમાં વાવિંગ અને નાટિંગ સેકટરને માત્ર 6 ટકા જેટલું યોગદાન મળેલું છે. સરકાર નવું એટફસ લાવવા જઇ રહી છે ત્યારે તેમાં વિવર્સ અને નીટર્સનો ભાગ વધુ રહે તે માગ છે. 
નિકાસ અંગે કહ્યું કે,  ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એમએમએફ ટેકસટાઇલ ક્ષેત્રે 169.13 ટકાનો ઉછાળો આવ્યો છે તથા નેચરલ ફાયબર ટેકસટાઇલનો 143 ટકાનો ઉછાળો આવ્યો છે.          
એમએસએમઇ કમિશનર રણજીથ કુમારે ઉદ્યોગકારોને જણાવ્યું હતું કે, એમએસએમઇનું બજેટ ડબલ થઇ ગયું છે અને સરકાર દ્વારા દર વર્ષે સબસિડી પણ વધારવામાં આવી રહી છે. સરકાર, ઉદ્યોગકારોને મદદરૂપ થાય તે માટેના દરેક પ્રયાસ કરી રહી છે.  
ઇન્ડોનેશિયા 57 ટકા ટેકસટાઇલ મશીનરી ભારતમાંથી ઇમ્પોર્ટ કરે છે. ભારત અને ઇન્ડોનેશિયા દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવાની દિશામાં પ્રયાસ થઇ રહ્યો છે. જેથી ગ્લોબલ માર્કેટમાં કવોલિટી પ્રોડકટને પ્રમોટ કરવા માટે સફળતા મળી શકે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer