નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસેથી વેપાર-ઉદ્યોગને ઘણી આશા-અપેક્ષા

નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસેથી વેપાર-ઉદ્યોગને ઘણી આશા-અપેક્ષા
સૌરાષ્ટ્રના ચાલુ પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરાય તેવી અપેક્ષા
વ્યાપાર ટીમ
અમદાવાદ, રાજકોટ, સુરત, તા. 14 સપ્ટે.
ગુજરાતના 17મા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા છે. તેમની સામે રાજકીય, આર્થિકથી લઇને પ્રજાકીય એમ અનેક પડકારો ઊભા છે. ઘાટલોડીયાના ધારાસભ્ય હોવાની રીતે તેમણે અત્યાર સુધીમાં દરેક જવાબદારી નિભાવી છે.  હવે ફક્ત એક જ વોર્ડ નહી પરંતુ સમગ્ર ગુજરાત એમનું કાર્યક્ષેત્ર બન્યું છે. ત્યારે વેપારીઓ, મહાજન સંસ્થા અને અગ્રણીઓને તેમની પાસે ઘણી અપેક્ષા છે. 
ગુજરાત સિવીલ એન્જિનીયર્સ એન્ડ આર્કિટેક્ટ એસોસિયેશન (જીસીયા)ના પ્રમુખ ડૉ. વત્સલ પટેલે જણાવ્યુ કે જ્યારે સિવીલ એન્જિનીયરના હાથમાં રાજ્યનું સૂકાન આવે ત્યારે વિકાસ સિવાય બીજી કોઇ વાત ન હોય. ખાસ કરીને બાંધકામ ઉદ્યોગ ગુજરાતની જીડીપીની કરોડરજ્જુ છે. ગુજરાતની જીડીપી એક વર્ષમાં વધશે જ. ભૂપેન્દ્રભાઇનો સ્વભાવ છે. તેમનામાં દરેક સાથે લઇને ચાલવાની ભાવના છે અને આધ્યાત્મિક વ્યક્તિ છે. આ બે ગુણ એવા છે કે જે ગુજરાતને નવી ઊંચાઇએ લઇ જશે.  
ગુજરાત સિવીલ એન્જિનીયર્સ એન્ડ આર્કિટેક્ટ એસોસિયેશન (જીસીયા)ના ઉપ પ્રમુખ બકુલ દેસાઇએ જણાવ્યુ હતુ કે ભૂપેન્દ્રભાઇ પટેલ મૂળભૂત રીતે તો સિવીલ એન્જિનીયર છે, તેમજ જીસીયાના સભ્ય પણ છે. તે કોર્પોરેશનમાં સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)ના પણ ચેરમેન રહ્યા હોવાથી શહરી વિકાસનો સારો એવો અનુભવ ધરાવે છે. આમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામને વેગ મળશે અને તેમના વિઝનનો ફાયદો મળશે.  
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સિનીયર વાઇસ પ્રેસિડન્ટ હેમંત શાહે જણાવ્યુ હતુ કે સ્થાનિક વ્યક્તિ છે, તેઓએ ઔડા અને કોર્પોરેશનમાં સારુ કામ કર્યુ છે. તેઓ સરળ અને સંપર્ક કરી શકાય તેવું વ્યક્તિત્વ ધરાવે છે. તેમના થકી ઉદ્યોગ વ્યવસાયોને વેગ મળશે.  
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડન્ટ પથિક પટવારીએ જણાવ્યુ હતુ કે સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન અને ઔડાના ચેરમેન તરીકે તેમનું નેતૃત્ત્વ જોયેલું છે અને તે જ રીતે ગુજરાત રાજ્યને નવી દિશા આપે તેમજ વેપાર અને ઉદ્યોગને જે અટકેલા પ્રશ્નો છે અને જેના કારણે આપણે ઇઝ ઓફ ડુંઇગમાં પણ ઝંપલાવી શકતા નથી તેવા પ્રશ્નો ઉકેલશે અને ફરીથી આપણે ઇઝ ઓફ ડુઇંગમાં પ્રથમ ક્રમે આવે તેવી આશા સેવીએ છીએ.  
મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યુ હતુ કે 2022ની ચૂંટણીનેને ધ્યાને રાખીને ભારતીય જનતા પાર્ટીની દીર્ધદ્રષ્ટિના લીધે એક કુશળ, પ્રમાણિક અને નિષ્ઠાવાન કાર્યકરને હાઇકમાન્ડે ગુજરાતના મુખ્યપ્રધાન બનાવ્યા છે. હવે તેમની પાસે અપેક્ષા વધી છે.  
જ્વેલર્સ એસોસિયેશન અમદાવાદના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતુ કે નવા મુખ્યપ્રધાન પાસેથી અમારા પડતર પ્રશ્નો છે તેનો જલ્દીથી ઉકેલ આવે તેવી અપેક્ષા છે. તેઓ ત્વરીતતાથી નિર્ણય કરનારા છે તેનો લાભ રાજ્યને મળશે અમે તેમને અભિનંદન પાઠવીએ છીએ. 
ગુજરાત ટ્રેડર્સ એસોસિયેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યુ હતુ કે ભૂપેન્દ્રભાઇ સરળ વ્યક્તિ છે. વેપારી વર્ગ સાથે ઘરોબો ધરાવે છે. ઘણા સમયથી અમારી પડતર અને આનંદીબેને જેનો સ્વીકાર કર્યો હતો તેવી ગુજરાત રિટેલ પોલિસીનો અભ્યાસ કરીને તેમજ અમારો સંપર્ક કરીને તાત્કાલિક જાહેરાત કરશે તેવી અપેક્ષા છે. ઉપરાંત કોરોના કાળમાં જે નાના મોટા ક્ષુલ્લક કેસ થયા છે તેમાંથી મુક્ત કરવા જોઇએ તેવી અમારી લાગણી છે.  
ઇન્ડિયન ડ્રગ્સ મેન્યુફેક્ચરીંગ એસોસિયેશન (આઇડીએમએ)ના સિનીયર નેશનલ ઉપ પ્રમુખ વિરંચી શાહે જણાવ્યુ હતુ કે ભૂપેન્દ્રભાઇ પટેલનું નવા મુખ્યપ્રધાન તરીકે સ્વાગત કરીએ છીએ. હાલમાં જે રાજ્ય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે અગ્રેસર છે તેમાં તેમનો ટેકો મળશે અને આપણે વિકાસ કરી શકીશું તેવી આશા છે.  
ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના સેક્રેટરી અજીત શાહે જણાવ્યુ હતુ કે નવા મુખ્યપ્રધાન ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા છે. ખાસ કરીને કોરોના બાદ વિશ્વના ઉદ્યોગો ભારતમાં આવી રહ્યા છે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તેમની સરકાર ટેકો હશે અને આપણા એમએસએમઇ એમએનસી બને તેવા પ્રયત્નો કરશે તેવી અપેક્ષા છે.  
રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના પ્રમુખ પરેશ વાસાણી કહે છે, લઘુ ઉદ્યોગો ગુજરાતનો પાયો છે ત્યારે તેમને પ્રોત્સાહન મળે એ અત્યંત જરુરી છે. રાજકોટ અને આસપાસના વિસ્તારોની કરોડરજ્જુ લઘુ ઉદ્યોગો છે તેમના માટે હવે વિકાસ આગળ ધપાવાય તેવી અપેક્ષા છે. અગાઉના મુખ્યમંત્રી વિજય રુપાણીએ શરું કરેલા મોટાં પ્રોજેક્ટો સમયસર અને ઝડપથી પૂરાં કરવામાં આવે તે જરુરી છે. જોકે નવા મુખ્યમંત્રી સામે પડકારો પણ ઘણા છે એટલે વિકાસ અને રાજનીતિ બન્નેને સાંકળવાની છે. 
ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખ વોરા કહે છે, નવા મુખ્યમંત્રી સામે હવે સૌથી મોટી ઇવેન્ટ વાયબ્રન્ટ ગુજરાતની આવી રહી છે. તેને અનુલક્ષીને ખાસ્સું કાર્ય કરવાનું છે. ગયા વર્ષે વાઇબ્રન્ટ થઇ નથી એટલે આ વર્ષે વધારે ઉત્સાહ ઉદ્યોગોમાં છે, હવે મુખ્યમંત્રી કઇ દિશામાં વાયબ્રન્ટ લઇ જાય છે તે મહત્વનું છે. તેમણે કહ્યું કે, સરકારે અગાઉ જાહેર કરેલા પ્રોજેક્ટ ચાલુ છે તેને ઝડપથી પૂરાં કરવાનો પડકાર છે. કારણકે એક સવા વર્ષમાં ચૂંટણી આવી રહી છે. વાઇબ્રન્ટને અનુલક્ષીને ટૂંક સમયમાં દુબઇ ખાતે ઉદ્યોગકારોનું એક પ્રતિનિધિ  મંડળ  જવાનું હતુ હવે ક્યારે જશે અથવા જશે કે નહીં તે નક્કી થતું નથી. 
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવ કહે છેકે, સૌરાષ્ટ્રને અમદાવાદથી જોડતો સિક્સ લેન હાઇવે પ્રોજેક્ટ ઝડપભેર પૂરો કરાય તેવી અપેક્ષા રાખી શકાય. એ ઉપરાંત રાજકોટને કન્વેન્શન સેન્ટર અપાવવા માટે આપણી સક્રિય ભૂમિકા રહી છે તે નવા મુખ્યમંત્રી મંજૂર કરાવે તેવી આશા છે. સૌરાષ્ટ્રના વણઉકેલાયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવું હવે જરુરી બનશે. 
દક્ષિણ ગુજરાત ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતી કહે છે, સુરતના કાપડ અને હીરાઉદ્યોગને પ્રોત્સાહન મળે તે હેતુથી સરકાર અલગથી પોલીસી બનાવે તેવી માગ અમારી નવા મુખ્યપ્રધાન સમક્ષ રહેશે. અગાઉ પણ અનેક માગો અને રજૂઆતો સરકારમાં પેન્ડીંગ છે. જેમ કે સુરતમાં ટેક્સટાઇલ યુનિવર્સિટીની સ્થાપના કરવી. કેન્દ્ર સરકાર ટૂંકમાં મેગા ટેક્સટાઇલ પાર્કની જાહેરાત કરશે ત્યારે અમારી અપેક્ષા રાજય સરકાર પાસે રહેશે કે સરકાર સુરતને પ્રમોટ કરે જેથી સુરતને મેગા ટેક્સટાઇલ પાર્ક મળે અને શહેર-રાજ્યનો વિકાસ ઝડપી બને. નવા મુખ્યપ્રધાન અને તેની ટીમ સમક્ષ અમારા પડતરોની રજૂઆતો માટે ઝડપથી ગાંધીનગર મુલાકાતે જઇશું.  
ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલના કહેવા પ્રમાણે નવા મુખ્યપ્રધાન પદે ભુપેન્દ્ર પટેલ આરૂઢ થયા બાદ કાપડના વેપારીઓની અનેક આશાઓ વધી છે. અમારી પડતર માગણીઓ નવા મુખ્યપ્રધાન અને તેની ટીમ સ્વીકારશે તેવી આશા છે. વર્ષો જૂની સીટ(સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની રચના માટેની માગણી છે. અનેક એવા લેભાગુ તત્વો બજારમાં ઉઠમણા કરે છે જેના કારણે અનેક કાપડના વેપારીઓના નાણા ફસાય છે. આ સંજોગોમાં સ્પેશ્યલ ટીમની રચના કરાઇ હોય તો સમગ્ર મામલે ઝડપથી ઉકેલો આવી શકે. આ માટે અમે અગાઉ પણ સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છીએ. કોરોનામાં અનેક વેપારીઓના નાણા ફસાયા છે. સુરતના કાપડઉદ્યોગને પ્રોત્સાહન પુરુ પાડે તેવી યોજનાઓ સરકાર લાવે તેવી માગ અમારી નવા મુખ્યપ્રધાન અને તેની ટીમ પાસે છે.   
જીજેઇપીસીના ગુજરાત રીજનના ચેરમેન દિનેશ નાવડિયા કહે છેકે,નવા મુખ્યપ્રધાન પાસે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને ઘણી આશા-અપેક્ષા છે. હજુ તો તેમની ટીમ બની નથી બનશે એટલે અમે તેમની શુભેચ્છા મુલાકાતે પહોંચીશું અને પડતર પ્રશ્નોની વિગતે રજૂઆત કરીશું. જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રને રાજ્ય સરકાર સ્પેશ્યલ પોલીસી સાથે પ્રોત્સાહન આપે તો સુરત અને રાજ્યનો વિકાસ ઝડપી બનશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer