ફોર્ડનો સાણંદ પ્લાન્ટ બંધ થતાં 1000થી વધુ કર્મચારી બેરોજગાર બનશે

ફોર્ડનો સાણંદ પ્લાન્ટ બંધ થતાં 1000થી વધુ કર્મચારી બેરોજગાર બનશે
રાજ્યના ડીલરો પાસે રૂ. 50થી 60 કરોડનો સ્ટોક પડ્યો છે  
પરાશર દવે 
અમદાવાદ, તા. 14 સપ્ટે.
અમેરિકન કાર કંપની ફોર્ડને ભારતમાં જંગી નુકસાની થવાથી કંપનીએ ગુજરાતના સાણંદમાં આવેલા પ્લાન્ટમાં કારનું ઉત્પાદન બંધ કરી દીધું છે. ત્યારે તેની પાછોતરી અસર ઘેરી પડી રહી છે. જેમાં રોકાણથી લઇને રોજગારી સુધીના પ્રશ્નો વિકટ બનશે તેવું જણાઇ રહ્યુ છે. ફોર્ડ મોટર ઇન્ડિયાએ ગુજરાતમાં સાણંદ ખાતે હજુ 2015માં પોતાનો પ્લાન્ટ શરૂ કર્યો હતો. છ વર્ષમાં જ કામગીરી સમેટવાનો વખત આવી ગયો છે.  
ગુજરાતમાં ફોર્ડના આશરે 22 જેટલા ડીલરો છે અને રૂ. 200 કરોડથી વધુનું તેમણે રોકાણ કર્યુ છે. કુલ 1000 વધુ કર્મચારીઓ ધરાવે છે. દરેક ડીલરો પાસે રૂ. 50થી 60 કરોડનો કુલ સ્ટોક પડ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ્સ ડીલર્સ એસોસિયેશન (ફાડા)ના ગુજરાત ચેપ્ટરના પ્રણવ શાહે ભારપૂર્વક જણાવ્યું કે સૌથી મોટો પડકાર કસ્ટમર સર્વિસનો આવશે કેમ કે ડીલર વાયેબિલીટી જ નહી આવે તો તે લોકો કેવી રીતે કાર ચાલુ રાખી શકશે? કેમ કે એક ગાડી વેચે 15 વર્ષ સુધી સર્વિસ આપવી પડે છે. સર્વિસ આપવા માટે હાલમાં કંપનીની વ્યૂહરચના શું છે તેનો હજુ ખ્યાલ આવતો નથી. 
કંપની એમ કહે છે કે હાલમાં ચાલુ મોડેલ બંધ કરીને આયાત કરશે. સમગ્ર સેગમેન્ટેશન પણ બદલાઇ જશે. આમ ડીલરો ફક્ત સર્વિસ માટે જ ડીલરશિપ ચાલુ રાખશે કે કેમ તે પ્રશ્ન છે. નવી ગાડી વેચાય તો સર્વિસમાં આવશે નહી અને જૂની ગાડીના સમયગાળાનો ધીમે ધીમે અંત આવતો જશે. એટલું જ નહી ચાલુ મહિના સુધી વેચાણ ચાલુ રાખ્યુ છે એટલે હવેના 15 વર્ષ સુધી સર્વિસ કોણ આપશે? કંપનીએ બંધ કરવાની જાહેરાત કરી છે ત્યારે ગાડી લેવા કોઇ તૈયાર જ થશે નહી. આમ જે સ્ટોક પડ્યો છે તેનું શુ્ થશે?  આનાથી ફોર્ડના ગુજરાતમાં વેચાણ પણ ઘટી જશે. ઉપરાંત ધીમે દીમે ભવિષ્યમાં ગાડીના પાર્ટનો પણ પ્રશ્ન આવશે.  
તેમણે જણાવ્યું હતું કે અમે ફ્રેંચાઇઝ એક્ટ બાબતે અમે માર્ગ અને પરિવહન મંત્રાલય, નાણાં મંત્રાલયને લેખિતમાં રજૂઆત કરી છે. કેમ કે હાલમાં વિશ્વમાં દરેક દેશમાં આ કાયદો અસ્તિત્વમાં છે. હવે જ્યારે ઇલેક્ટ્રિક વ્હિકલ્સ આવી રહ્યા છે ત્યારે ઘણી કંપનીઓ ભારતમાં આવશે. તેમાં વધુ રોકાણની જરૂર નહી હોવાથી તેના ઉત્પાદકો પણ વધુ હશે. હજુ તો ઇવીનું ફક્ત 2 ટકા વેચાણ છે ત્યારે પાંચથી છ કંપનીઓ બંધ પણ થઇ ગઇ છે. તેના પણ નાના ડીલરોનો ધક્કો પહોંચ્યો છે. આમ આ પ્રક્રિયા સતત રહેશે તેથી સરકારે કોઇ પણ કંપની બંધ થાય તો ડીલર પાસેથી એનઓસી લે ત્યાર બાદ સરકારે તેને બંધ કરવાની મંજૂરી આપવી જોઇએ. અથવા તો નુકસાન સરભર કરી આપવું જોઇએ. આ બાબતે અમે કંપનીને પણ પત્ર લખ્યો છે. પરંતુ કંપની તરફથી અમારી સાથે કોઇ વાત કરવા આવ્યુ નથી.  
એક ડીલરે નામ નહી આપવાની શરતે જણાવ્યું હતુ કે જો કંપની સરભર ન કરેતો મોટો પ્રશ્ન શો-રુમનું ભાડુ, માણસોનું ભવિષ્ય વગેરે પ્રશ્નો ઊભા થશે. કંપનીએ એટલી ખાતરી આપી છે કે તેઓ ટેકો આપશે. આમ હજુ ત્રણ ચાર વર્ષ સુધી વાંધો આવશે નહી. આનાથી ડીલરની શાખને પણ થોડા ઘણા અંશે ધક્કો પહોંચશે. એક ગાડી હોય કે પાંચ ગાડી હોય ખર્ચો તો સમાન જ હશે. વધુમાં સેલ્સના માણસોની રોજગારી પર વિપરીત અસર પડશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer