નેચરલ ગૅસના સ્થાનિક ભાવ અૉક્ટોબરથી વધવાની ધારણા

નેચરલ ગૅસના સ્થાનિક ભાવ અૉક્ટોબરથી વધવાની ધારણા
નવી દિલ્હી, તા. 14 સપ્ટે.
નેચરલ ગૅસના સ્થાનિક ભાવમાં આવતા મહિને વધારો થવાનો સંભવ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ અને નેચરલ ગૅસના ભાવ વધી રહ્યા હોવાથી સ્થાનિક બજારમાં અૉક્ટોબર-માર્ચ સમયગાળા માટે નેચરલ ગૅસનો ભાવ હાલના 1.79 ડૉલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (એમબીટીયુ)થી વધીને 3.15 ડૉલર થવાની ધારણા નિરીક્ષકો રાખે છે.
ગયે વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકારે અૉક્ટોબર 2020-માર્ચ 2021 સમયગાળા માટે ગૅસનો સ્થાનિક ભાવ ઘટાડીને 1.79 ડૉલર બાંધ્યો હતો જે ત્યાર સુધીમાં સૌથી નીચો ભાવ હતો. એપ્રિલ-સપ્ટેમ્બર માટે પણ એ જ ભાવ જાળવી રખાયો હતો. ભારતનાં મોટા ભાગનાં ગૅસ ક્ષેત્રોનો પડતર ખર્ચ 3.2થી 3.5 ડૉલર છે. તેની તુલનામાં આ ભાવ ઘણો ઓછો હોવાથી ઓએનજીસી અને ઓઈલ ઈન્ડિયા જેવી સ્થાનિક કંપનીઓની કમાણી પર માઠી અસર પડી હતી. ગૅસના સ્થાનિક ભાવ અમેરિકા, બ્રિટન, કૅનેડા અને રશિયાના ભાવને આધારે ઠરાવાય છે.
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના એનાલિસ્ટો માને છે કે એપ્રિલ-સપ્ટેમ્બર 2022 માટે નેચરલ ગૅસનો ભાવ વધારીને 5.93 ડૉલર અને અૉક્ટોબર-2022- માર્ચ 2023 માટે 7.65 ડૉલર ઠરાવાશે. એશિયામાં જોરદાર સ્થાનિક માગને કારણે પ્રવાહિત ગૅસ (એલએમજી)ના ભાવ ઘણાં વર્ષની ઉનાળાની ઉંચાઈને આંબી ગયા છે. અમેરિકામાં સંગીન નિકાસ અને ગરમીના મોજાને પગલે હેન્રી હબમાં નેચરલ ગૅસના ભાવ એપ્રિલના 2.4 ડૉલરથી વધતાં વધતાં અૉગસ્ટમાં 4.2 ડૉલર થઈ ગયા હતા. ``આંતરરાષ્ટ્રીય મથકોએ ભાવ વધી જવાથી નેચરલ ગૅસના ભાવ હવે પછીના અર્ધવાર્ષિક ફેરફારમાં લગભગ બમણા થઈ જશે,'' એમ રેટિંગ એજન્સી ઈક્રાએ તાજેતરમાં કહ્યું હતું.
ઓએનજીસીની મેનેજમેન્ટે જૂનમાં કહ્યું હતું કે નેચરલ ગૅસના આંતરરાષ્ટ્રીય ભાવ વધી રહ્યા હોવાથી સ્થાનિક ભાવમાં 50-60 ટકા વધારો થવાની કંપનીને આશા છે.
નેચરલ ગૅસનું સ્થાનિક ઉત્પાદન જુલાઈ મહિનામાં વર્ષાનુવર્ષ 18.4 ટકા વધીને 289.2 કરોડ ધનમીટર થયું હતું, જે મુખ્યત્વે પૂર્વીય સમુદ્ર કિનારે ખૂબ ઊંડા સમુદ્રમાં કૃષ્ણા-ગોદાવરી તટ પ્રદેશમાં આવેલા રિલાયન્સ-બીપીના કેજી-ડી6 ગેસક્ષેત્રના ઉત્પાદનમાં થયેલા વધારાને આભારી છે. આ ગૅસક્ષેત્રનું ઉત્પાદન ગયે વર્ષે 2020-21માં 8.1 ટકા ઘટીને 2867.06 કરોડ ઘનમીટર થઈ ગયું હતું. કૃષ્ણા-ગોદાવરી તટપ્રદેશ જેવા અતિ ઊંડા સમુદ્રમાંથી કઢાતા તેલ માટે 3.62 ડૉલર જેવો ઉંચો ભાવ ઠરાવાયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer