સ્ટેનલેસ સ્ટીલનાં વાસણ-કટલરીની નિકાસમાં અવરોધ

સ્ટેનલેસ સ્ટીલનાં વાસણ-કટલરીની નિકાસમાં અવરોધ
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 14 સપ્ટે.  
ડૉલર અને યુરો સહિતનાં વિદેશી ચલણો સામે રૂપિયાના મૂલ્યમાં ઝડપી ચડઉતર થવાથી વાસણ-કટલરીની નિકાસના માર્જીનમાં અનિશ્ચિતતા વધી હોવાનું નિકાસકાર સૂત્રોએ જણાવ્યું હતું. તાજેતરમાં ડૉલરના મૂલ્યમાં ઝડપી ઘટાડાથી નિકાસકારોની કમાણી ઘટવાના પગલે અનેક નિકાસકારો નવા ઓર્ડરો સ્વીકારવા બાબતે અસમંજસ અનુભવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.  
બીજી બાજુ જહાજી નૂરભાડામાં જંગી વધારો અને ઘરઆંગણે સ્ટેન્લેસ્સ સ્ટીલના પાટા-પટ્ટી અને અન્ય કટલરી મટીરીયલ્સના ભાવમાં વધારાને લીધે યુરોપ, લેટિન અમેરિકા અને આફ્રિકાના દેશોના નિકાસ ઓર્ડરોમાં સ્પર્ધાત્મકતા ઘટી હોવાથી નવા ઓર્ડરોમાં 30થી 40 ટકાનો ઘટાડો થયો હોવાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું. જો કે મધ્યપૂર્વ તરફ જતી નિકાસ માટે નૂરભાડાં વધારાની સમસ્યા નહીં હોવાથી અખાતી દેશોના ઓર્ડરો પર પ્રમાણમાં ઓછી વિપરીત અસર થઈ છે એમ સૂત્રોનું કહેવું છે.   
એક અગ્રણી નિકાસકારે જણાવ્યું હતું કે અમેરિકા-યુરોપના આયાતકારો પાસે ચીન સહિતના વિકલ્પ હોવા ઉપરાંત કોરોના મહામારીને લીધે પણ ભારતના ઓર્ડરો પર વિપરીત અસર થઈ છે. બીજી તરફ યુરોપ અને લેટિન અમેરિકા માટેના માલને નૂરભાડાં ઉપરાંત સ્થાનિક વાસણ-કટલરીનો તૈયાર માલ મોંઘો પડતો હોવાથી પણ હવે ત્યાંના આયાતકારો માત્ર વિશિષ્ટ જરૂર પૂરતી પ્રોડક્ટના જ ઓર્ડર આપે છે. સ્થાનિકમાં વાસણ-કટલરીના પાટા-પટ્ટી-શીટ્સના ભાવ છેલ્લા એકાદ વર્ષ દરમિયાન 40થી 50 ટકા વધ્યા હોવાથી પડતર ઊંચી ગઈ છે અને ચીન સામે ભાવ સ્પર્ધાત્મકતાને નકારાત્મક અસર થઈ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer