કોફીમાં તેજીને અનુસરવામાં વધતું જતું જોખમ

કોફીમાં તેજીને અનુસરવામાં વધતું જતું જોખમ
ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ તા. 14 સપ્ટે.
કૉફીએ આ વર્ષે અત્યાર સુધીમાં 52 ટકા જેવું વળતર આપ્યું છે, જે ચીજવસ્તુઓમાં કદાચ સૌથી વધુ છે. પરંતુ હવે અરેબિકા કોફીમાં છેલ્લા પાંચમાંથી ચાર મહિનાની એકધારી તેજી પછી ભાવ વધુ પડતા ઊંચા થઇ ગયા છે. નવા રોકાણકારોએ પ્રીમિયમ કોફી દાણાની મોંઘી જાતોમાં જોખમ લેવાથી દૂર રહેવું જોઈએ. આપણા ભોજનમાં કોફી અને ખાંડ મહત્વનું સ્થાન ધરાવે છે, આ બંને નરમ ચીજોએ આ વર્ષે સૌથી ઊંચા ભાવ પ્રાપ્ત કર્યા છે. વિશ્વને કાચી ખેતપેદાશો, ખાસ કરીને અરેબિકા કોફી પૂરી પાડવામાં મોખરે છે.  
મંગળવારે ડિસેમ્બર અરેબિકા કોફી અમેરિકન વાયદો 1.84 ડોલર પ્રતિ પાઉન્ડ (454 ગ્રામ) બોલાયો હતો, જુલાઇ 2021માં ભાવ સાત વર્ષની ઊંચાઈએ 2.15 ડોલર મૂકાયા હતા. ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સ્ચેન્જ (આઇસીઇ) ઉપર લંડન નવેમ્બર કોફી વાયદો પણ જૂન 2021માં 2.1520 ડોલર ક્વોટ થયો હતો, જે ઓકટોબર 2014 પછીની નવી ઊંચાઈ હતી. કોફીનો વેપાર 2006થી 2019 સુધી લગભગ 1 ડોલર પ્રતિ પાઉન્ડ કરતાં નીચા ભાવે ચાલતો હતો. ડેટા કહે છે કે ડિસેમ્બર 2008માં 1.0170 ડોલરના તળિયેથી શરૂ થયેલી તેજી મે 2011 સુધીમાં 300 ટકાના ઉછાળે 3.0625 ડોલરે પહોંચી ગઈ. અત્યારે બ્રાઝિલમાં કમોસમી બરફના કરા પડી રહ્યા છે. ગયા મહિને પાકને ભારે નુકશાન થયું હતું.      
બ્રાઝિલની આવી સ્થિતિને કારણે જુલાઇ અને ઓગસ્ટમાં કોફી વાયદામાં નવાનાવા ઊંચા ભાવ જોવા મળ્યા હતા. રોસ્ટેડ કોફી ઉત્પાદકોએ પ્રીમિયમવાળી અરેબિકા કોફીમાં પ્રમાણમાં સસ્તી રોબસ્ટા કોફીનું મિશ્રણ કરવા માગ વધારી દીધી. અમેરિકામાં ઈડા વાવાઝોડાએ ખાનાખરાબી કરતાં પુરવઠાની સાંકળ ખોરવાઈ ગઈ. તેના માથે બ્રાઝિલમાં કમોસમી બરફના કરાનો વરસાદ થયો. પરિણામે વિશ્વના આ મોટા સપ્લાયર દેશમાંથી આવકો ઘટી અને માસ દર માસ કોફીના ભાવ વધતા ગયા. 
બ્રાઝીલના મેટો ગ્રોસો, પરાના અને સાઓ-પાઓલો પ્રાંતોમાં બરફવર્ષાએ ગત સાપ્તાહાંતે પોરો ખાધો. પણ સૌથી મોટા ઉત્પાદક પ્રાંત મિનાસમાં પરિસ્થિતિ અલગ હતી. રોબસ્ટા કોફીના સૌથી મોટા ઉત્પાદક દેશ વિયેટનામમાં માલવાહક જહાજોની ઉપલબ્ધિ ઘટતાં ગુરુવારે આઇસીઇ લંડન રોબસ્ટા  કોફી નવેમ્બર વાયદો ચાર વર્ષની નવી ઊંચાઇએ ટન દીઠ 2130 ડોલર બોલાયો. કોફીના ખેલાડીઓ કહે છે કે વિયેટનામમાં કોરોના વાયરસે ઉપાડો લીધો હોવાથી અને સરકારી વ્યવસ્થા મહામારી વિરોધી રસી આપવામાં વ્યસ્ત હોવાથી નવેમ્બર આસપાસ લણણીના સમયે ઝાડ પરથી કોફી ઉતારવાની પ્રક્રિયા ધીમી પડી જવાનું જોખમ ઊભું થયું છે. સાથે જહાજી બજારમાં માલવાહક જહાજો નહીં મળતાં બજારમાં ચિંતા વધી ગઇ છે. 
2020ના પ્રથમ અર્ધવાર્ષિકમાં કોમોડિટી બજાર ભાવનું તળિયું બનાવીને તેજીની સાયકલમાં પ્રવેશી હતી ત્યારે જ કોફીએ તેજીની આગેવાની લઈ લીધી હતી. એક કોમોડિટીમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળે ત્યાં બીજી કોમોડિટીએ નવા ઊંચા ભાવ બનાવવાની સ્પર્ધા આરંભી દીધી હતી. આટલું અધૂરું હોય તેમ વૈશ્વિક સરકારોએ રાહત પેકેજોની લહાણી શરૂ કરીને નાણાકીય ચક્રને અસ્તવ્યસ્ત કરી નાખતાં ફુગાવાએ માઝા મૂકી, જેણે ભાવને ઊંચે જવા નવો જુસ્સો પૂરો પાડ્યો. આખરે કહેવાનો મતલબ એ છે કે જીવન આવશ્યક તમામ ચીજોની તેજીની સાયકલને વધુ તેજ દોડાવવા તમામ સ્તરેથી પ્રાણવાયુ મળ્યો અને બજારમાં હજુ પણ તેજીનો ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer