છૂટક વિક્રેતાઓએ ખાદ્યતેલના ભાવ નજરમાં આવે એ રીતે દર્શાવવા પડશે

છૂટક વિક્રેતાઓએ ખાદ્યતેલના ભાવ નજરમાં આવે એ રીતે દર્શાવવા પડશે
પીટીઆઈ 
નવી દિલ્હી, તા. 14 સપ્ટે. 
આ મહિનાને અંતે મંડીઓમાં નવા ખરીફ પાકની આવકને પગલે ખાદ્ય તેલોના ભાવ ઘટવાની ધારણાની સાથે સાથે તાજેતરમાં કેન્દ્ર સરકારે આયાત ડ્યુટીમાં તત્કાળ અસરથી ઘટાડો જાહેર કરતાં તહેવારોની સિઝનમાં લોકોને રાહત મળશે તેવું અનુમાન છે.  
દરમ્યાન કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે ખાદ્ય તેલોના પ્રત્યક્ષ - છૂટક વિક્રેતાઓ ખાદ્ય તેલોની તમામ બ્રાન્ડ્સના ભાવ સ્પષ્ટ અને મોટા અક્ષરે એટલે કે ઊડીને આંખે વળગે તે રીતે દર્શાવે અને રાજ્ય સરકાર પોતે જથ્થાબંધ વેપારીઓ, મિલર્સ અને રિફાઈનર્સ જો માલનો સંગ્રહ કરતા હોય તો તેમની સામે કડક પગલાં લે.  
કેન્દ્રિય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ રાજ્યોના પ્રતિનિધિઓ અને ઉદ્યોગના હિતધારકો સાથેની બેઠક બાદ વેપારીઓ ઉપર જ્થાત્મક નિયંત્રણ લાદવાની તેમજ ખાદ્ય તેલોની મહત્તમ વેચાણ કિંમત નક્કી કરવાની સંભાવના ફગાવી દીધી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે શ્રેષ્ઠ સ્પર્ધાત્મક વાતાવરણમાં બજાર જ કિંમત નક્કી કરશે. 
પાંડેએ જણાવ્યું કે સરકારનું ધ્યાન હાલમાં સમગ્ર સપ્લાય ચેઇનમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા ઉપર કેન્દ્રિત છે. રાજ્યોને તાકીદ કરવામાં આવી છે કે છૂટક વિક્રેતાઓ તમામ બ્રાન્ડના ખાદ્યતેલોના ભાવ દુકાનમાં ઊડીને આંખે વળગે એ રીતે વ્યવસ્થિત ડિસ્પ્લે કરે. કેટલાંક રાજ્યોએ રિટેલર્સને આ બાબતે સૂચના આપી દીધી છે કે તેમણે ફક્ત કયા ભાવે કયું તેલ મળે છે, તે જ જણાવવાનું છે. એ પછી ગ્રાહકની પસંદગી ઉપર આધારિત છે કે તે કયું તેલ ખરીદે છે. ગ્રાહક સસ્તું તેલ પસંદ કરશે અને બ્રાન્ડ્સ ઉપર ભાવ ઘટાડવાનું દબાણ આવશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer