મહારાષ્ટ્રમાં બે લાખ હેક્ટર જમીન વરસાદમાં ધોવાઈ ગઈ

મહારાષ્ટ્રમાં બે લાખ હેક્ટર જમીન વરસાદમાં ધોવાઈ ગઈ
સાત લાખ ખેડૂતોના વીમા માટે દાવા 
ડી. કે. 
મુંબઈ, તા. 14 સપ્ટે. 
ગુજરાત તથા રાજસ્થાનના ખેડૂતો જ્યારે વરસાદની કાગડોળે રાહ જોતા હતા ત્યારે એટલે કે જુલાઇ-21 તથા ઓગસ્ટ-21માં મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખેડૂતો અનરાધાર વરસાદથી તેમના ઊભા વાવેતર બગડવાની ચિંતામાં પરેશાન હતા.અત્યાર સુધીમાં આશરે સાત લાખ ખેડૂતો પોતાના વાવેતરને નુકસાન થયું હોવાની જાણકારી વીમા કંપનીઓને આપી ચુક્યા છે. વીમા કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ આવનારા રિપોર્ટના આધારે ખેડૂતોને ચુકવણાં કરવામાં આવશે. મુખ્યત્વે સોયાબીન, કપાસ, શાકભાજી તથા ડુંગળીના પાકને વધારે નુકસાન થયું હોવાના અહેવાલ છે. આશરે બે લાખ હેક્ટર જમીન ધોવાઇ ગઇ હોવાનું જણાવાયું છે. 
મહારાષ્ટ્રના પૂણે સાંગલી, સાતારા તથા કોલ્હાપુર જેવા વિસ્તારોમાં આ વખતે પણ ચોમાસાની સિઝન દરમિયાન અવિરત વરસાદ વરસતો રહ્યો હતો. તેથી ખેડૂતોનાં વાવેતરને ભારે નુકસાન થયું હતું. જુલાઇ મહિનાના અંતે જ વીમા કંપનીઓને  2,57,000 જેટલા ખેડૂતોના ફોન કોલ આવ્યા હતા. જેમાં ભારે વરસાદના કારણે પાકને નુકસાન થયું હોવાનું જણાવાયું હતું. યાદ રહે કે ખેડૂતોએ ભારે વરસાદના કારણે જો તેમના પાકને નુકસાન થયું હોય તો વરસાદના 72 કલાકમાં વીમા કંપનીના અધિકારીઓને જણાવવાનું હોય છે. આ ઉપરાંત ઓગસ્ટ-21માં પણ કંપનીઓને ખેડૂતોના સતત કોલ આવતા રહ્યા હતા જેથી સપ્ટેમ્બર-21ના પ્રારંભે આ આંકડો 4,15,000ની સંખ્યા વટાવી ગયો હતો. 12મી સપ્ટેમ્બરે આવેલા આંકડા પ્રમાણે સાત લાખથી વધારે ખેડૂતો નુકસાનીનો દાવો કરી ચુક્યા છે. સપ્ટેમ્બર-21માં જે રીતે નુકસાનીના આંકડા વધી રહ્યા છે તે જોતા આ આંકડો હજુ પણ વધવાની શક્યતા છે, કારણકે માત્ર 12 દિવસમાં ત્રણ લાખ દાવા વધ્યા છે. 
મરાઠા વાડા વિસ્તારમામ ગત સપ્તાહે થયેલા અનરાધાર વરસાદનાં કારણે ત્યાં વાવેતર ઉપરાંત ખેડૂતોની જમીનો પણ ધોવાઇ ગઇ હોવાનાં ખેડૂતોએ દાવા કર્યા છે.ઘણા સ્થળોએ તો ઢોરઢાંખર અને તેમના તબેલા પણ ઊડી ગયા હવાની ફરિયાદ થઇ છે. 
મરાઠા વાડા તથા ઉત્તર મહારાષ્ટ્રમાં મહાપૂરના કારણે થયેલી તારાજી બાબતે કેન્દ્ર સરકારનાં સત્તાધીશો સાથે બેઠક યોજીને ચર્ચા કરવામાં આવી છે. ઘણા અતિરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ફનનાં નેટવર્ક ખંડિત થયા હોવાથી આ વિસ્તારના ખેડૂતો માટે તેમના દાવા રજૂ કરવા માટે ઇ-મેલની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે પણ નોંધણી કરવાની પરવાનગી અપાશે. આ ઉપરાંત ખેડૂતો માટે ખાસ મોબાઇલ ઍપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer