ખાદ્યતેલોની આયાત ડ્યૂટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચ્યો નથી

ખાદ્યતેલોની આયાત ડ્યૂટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચ્યો નથી
નવી દિલ્હી, તા. 14 સપ્ટે. 
આયાત ડ્યૂટી ઘટાડ્યા બાદ પણ ખાદ્ય તેલોના છૂટક ભાવમાં વધારો ચાલુ રહ્યો છે, જે દર્શાવે છે કે ડ્યૂટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળવાને બદલે ઈન્ડોનેશિયા અને મલેશિયાના પામ તેલના વિક્રેતાઓને મળી રહ્યો છે. ડ્યૂટી ઘટાડવાને કારણે સરકાર 2022ના નાણાં વર્ષે રૂ. 4600 કરોડની આવક ગુમાવશે તેવો દાવો કરવામાં આવ્યો હોવા છતાં આ સ્થિતિ છે.  
કૃષિ વેરા અને સમાજ કલ્યાણ વેરા સહિત ક્રૂડ (કાચું) પામ તેલ ઉપર લાગુ થતી ડ્યૂટી 5.5 ટકા ઘટાડીને 30મ જૂનની અસરથી 30.5 ટકા કરવામાં આવી હતી અને તે 10મી સપ્ટેમ્બર સુધી લાગુ હતી તેમજ ત્યારબાદ વધુ ઘટાડવામાં આવી હતી. જોકે, સમગ્ર દેશમાં પામ તેલનો સરેરાશ છૂટક ભાવ 30મી જૂનથી 10મી સપ્ટેમ્બર દરમ્યાન ત્રણ ટકા વધીને રૂ. 133.77 પ્રતિ કિલોગ્રામ નોંધાયો હોવાનું ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા જણાવે છે. 
તે જ રીતે, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર તેલના છૂટક ભાવ ઘટાડા બાદ નજીવા પ્રમાણમાં વધ્યા હતા. નવેમ્બર, 2020થી અૉક્ટોબર, 2021ના તેલ વર્ષમાં 31મી જુલાઈ સુધીમાં આયાત કરાયેલા 93.7 લાખ ટન ખાદ્ય તેલોમાં ક્રૂડ (કાચા) તેલોનો હિસ્સો 99.5 ટકા અને રિફાઈન્ડ તેલોનો હિસ્સો 0.5 ટકા હતો.  
ખાદ્ય મંત્રાલયે તાજેતરમાં આપેલા નિવેદન મુજબ, સમગ્ર વર્ષ દરમ્યાન (10 સપ્ટેમ્બર પહેલા) રૂ. 3500 કરોડ જેટલા ડ્યૂટી કાપ થયા હોવાનું અનુમાન છે. તાજેતરમાં આયાત ડ્યૂટીમાં કરાયેલા ઘટાડાને પગલે એક સંપૂર્ણ વર્ષમાં રૂ. 1100 કરોડનો ડ્યૂટી ઘટાડો થશે. ગ્રાહકોને મળતા લાભનું કુલ પ્રત્યક્ષ મૂલ્ય એટલે કે સરકારની આવકમાં ઘટાડો રૂ. 4600 કરોડ છે. 
ઘરઆંગણે તેલની છૂટક કિંમતોમાં વધારો થવાની સાથે આયાત ડ્યૂટીમાં કાપ બાદ ક્રૂડ પામ તેલના આયાત ભાવમાં નજીવો વધારો પણ થયો છે, જે દર્શાવે છે કે બેઝિક કસ્ટમ્સ ડ્યૂટીમાં ઘટાડાનો લાભ સરભર થઈ ગયો છે. ખાદ્ય તેલોની કુલ આયાતમાં પામ તેલોનો હિસ્સો 60 ટકા કરતાં વધુ છે અને તે મુખ્યત્વે ઈન્ડોનેશિયા અને મલેશિયાથી આયાત થાય છે. 
મુંબઈમાં ક્રૂડ પામ તેલનો ખર્ચ, વીમો અને નૂર ભાડું (સીઆઈએફ) 30મી જૂનના રોજ પ્રતિ ટન 1030 ડોલરથી 20.4 ટકા વધીને 9મી સપ્ટેમ્બરે 1240 ડોલર નોંધાયા હતા. બીજી તરફ, આયાતી ક્રૂડ સોયાબીન તેલ અને સનફ્લાવર તેલ એકથી બે ટકા ઘટીને પ્રતિ ટન 1365 નોંધાયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer