સૌરાષ્ટ્રભરમાં ખરીફ સિઝન સુધરી : શિયાળુ પાકને પણ લાભ થશે

સૌરાષ્ટ્રભરમાં ખરીફ સિઝન સુધરી : શિયાળુ પાકને પણ લાભ થશે
કૂવા, ડેમ અને તળાવો લગભગ ભરાઇ ગયાં
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ,તા. 14 સપ્ટે. 
ચોમાસાના આરંભના બે મહિનામાં ખૂબ જ ઓછો અને અનિયમિત વરસાદ થવાથી લગભગ 82 લાખ હેક્ટરમાં થયેલા ખરીફ વાવેતર પર ખતરો ઝળુંબી રહ્યો હતો. પરંતુ ગત રવિ અને સોમવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા તેનાથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેતી પુલકિત થઇ ઉઠીછે. રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં ખૂબ જ વરસાદ પડતા હવે ખરીફ તો ઠીક રવી સીઝન પણ ખૂબ સારી નીવડે તેવી સ્થિતિ થઇ ગઇ છે. ખેડૂતોની ફરિયાદ ડેમો, કૂવામાં પાણી નહીં હોવાની હતી પરંતુ બે જ દિવસમાં કુદરતે મહેર કરી દેતા હવે ચિંતા સાવ દૂર થઇ 
ગઇ છે.  
ઓગસ્ટ મહિના સુધી ચોમાસું નિષ્ફળ રહેતા શિયાળુ તો ઠીક ખરીફ પાકો અંગે પણ ચિંતા હતી પણ કુદરત અકળ હોય છે. સપ્ટેમ્બરમાં મોસમે કરવટ બદલી અને એક જ ઝાટકે ખેતી અને ગામડાંની સિકલ બદલી નાંખી છે. ખરફ પાકો હવે મોટેભાગે તૈયાર છે અને જ્યાં કાપણીના તબક્કે હતા ત્યાં ભારે વરસાદથી થોડું નુક્સાન પણ હશે છતાં એકંદરે ફાયદો થયો છે.  
રાજકોટ અને જામનગર જિલ્લામાં ક્યાંક ક્યાંક ખેતીને નુક્સાની થઇ છે પણ એકંદરે ખેડૂતોના પક્ષમાં કુદરત રહી છે. મગ, અડદ અને તલ જેવા પાકો તૈયાર થઇને કાપણીના તબક્કે હતા તેના પર વરસાદ પડવાથી હવે થોડું નુક્સાન થઇ શકે છે. પરંતુ મુખ્ય ગણાતા કપાસ અને મગફળીના પાકોને ભરપુર ફાયદો મળશે. પિયતની કોઇ ચિંતા રહી નથી. 
ખેડૂતો કહે છે, ખેડૂતોને ખરી કમાણી શિયાળુ પાકો સારાં થાય તો એમાં જ હોય છે. કારણકે ખરીફ પાકોની આવક લોન, બિયારણ, જંતુનાશકો વગેરેનું ખર્ચ ચૂકવવામાં જ વપરાઇ જતી હોય છે. શિયાળુ પાક જો સારાં થાય તો વરસ પણ સુધરી જતું હોય છે. 
આ વર્ષે મૂળ ચિંતા શિયાળુ પાકોની હતી પણ હવે કોઇ સમસ્યા મોટાંભાગના સૌરાષ્ટ્રમાં દેખાતી નથી. સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, અમરેલી પંથકમાં વરસાદ પ્રમાણમાં ઓછો છે પણ હવે ચિંતા ઉપજે એવી સ્થિતિ રહી નથી. ખરીફ પાકો મહિનામાં નીકળવા લાગશે એટલે શિયાળુ પાકોનું વાવેતર શરું થશે, ખેડૂતો એ ઉત્સાહભેર કરશે. 
કપાસ અને મગફળી જેવા પાકોમાં આગોતરા વાવેતર હતા તે હવે આવવાનું શરું થવાનું હતુ પણ હવે એમાં દસ પંદર દિવસનો વિલંબ થઇ શકે છે. ઘણા ખેતરોમાં જિંડવા ખરી ગયા છે પણ હવે નવા જિંડવા આવવાની શરુઆત થશે અને સારાવાના થઇ જશે એવું ખેડૂતો કહી રહ્યા છે. મગફળીનો પાક પણ થોડો મોડો પડશે પણ ઉતારા ચોક્કસપણે સારાં આવશે. ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં બે દિવસ સુધી વરસાદ હતો પણ સાધારણ હતો છતાં પાણીની સમસ્યા ઘણા અંશે હલ થઇ ચૂકી છે. જામનગર જિલ્લામાં ખેતી સિવાય પણ બીજી ઘણી નુક્સાની થઇ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer