તાતા સન્સમાં નેતૃત્વ બદલાઈ રહ્યું છે

તાતા સન્સમાં નેતૃત્વ બદલાઈ રહ્યું છે
સીઈઓનો નવો હોદ્દો ઊભો કરાશે  
એજન્સીસ                     
મુંબઈ, તા. 14 સપ્ટે.
ભારતના સૌથી મોટા ઔદ્યોગિક જૂથની હોલ્ડિંગ કંપની તાતા સન્સની નેતાગીરીના માળખામાં ઐતિહાસિક પરિવર્તન કરવામાં આવે અને ચીફ એક્ઝિક્યુટિવ અૉફિસરનો નવો હોદ્દો ઊભો કરવામાં આવે એવી શક્યતા જાણકાર વર્તુળોએ વ્યક્ત કરી હતી. વિચારાધીન યોજનાનુસાર આ 153 વર્ષ જૂથના બિઝનેસને સીઈઓ માર્ગદર્શન આપશે જ્યારે કંપનીના ચૅરમૅન શૅરહોલ્ડરો વતી સીઈઓ પર દેખરેખ રાખશે. જોકે, આ પરિવર્તન તાતા ટ્રસ્ટના ચૅરમૅન રતન તાતાની મંજૂરીને આધીન રહેશે.    
તાતા સન્સના વર્તમાન ચૅરમૅન નટરાજન ચંદ્રશેખરનની મુદત ફેબ્રુઆરીમાં પૂરી થશે જે લંબાવવામાં આવે એવી શક્યતા છે. તાતા જૂથની અન્ય કંપનીઓ જેમાં તાતા સ્ટીલનો પણ સમાવેશ થાય છે તેના ટોચના અધિકારીઓની સીઈઓ પદ માટે ચકાસણી કરાઈ રહી છે. કોઈ અંતિમ નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી અને યોજનાની વિગતોમાં ફેરફાર થઇ શકે છે.   
તાતા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન રતન તાતા તેમના અનુગામી સાયરસ મિસ્ત્રી સામે કેસ જીત્યા તેના થોડા મહિનાઓમાં આ દરખાસ્ત આવી છે એ નોંધપાત્ર છે. મિસ્ત્રી સામે ગેરવહીવટના આક્ષેપ થયા હતા અને તેમને તેમના પદેથી રુખસદ આપવામાં આવી હતી. રતન તાતાની નેતાગીરી નીચે જૂથે બે દસકા સુધી વિસ્તરણ કર્યું તે પછી હવે જૂથ ત્રિભેટે આવીને ઊભું છે. પરિવર્તનને કારણે હવે જૂથ નવો રસ્તો કંડારી શકે છે. 
1868માં શરૂ થયેલા આ જૂથની હોલ્ડિંગ કંપનીમાં તાતા ટ્રસ્ટ્સ 66 ટકા હિસ્સો ધરાવે છે. તેના ચૅરમૅન પદે રતન તાતાના અનુગામી કોણ હશે એ વિષે કોઈ સ્પષ્ટતા નથી. 
જે વ્યક્તિ સીઈઓના પદે આવે તેણે અનેક પડકારોનો સામનો કરવો પડશે. તાતા સ્ટીલને માથે દસ અબજ ડૉલરનું દેવું છે જ્યારે તાતા મોટર્સે સતત ત્રણ વર્ષ સુધી ખોટ કરી છે. ડિજિટલ વિશ્વમાં મોટે પાયે દાખલ થવાની જૂથની યોજના છે પણ તેમાં હજુ સુધી કોઈ ખાસ પ્રગતિ થઇ જણાતી નથી. જૂથની કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ એશિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપની છે પણ જૂથની ઈ-કૉમર્સ સુપરઍપની યોજના પણ કાગળ પર જ છે. 
તાતા જૂથ એકસોથી વધુ બિઝનેસ ધરાવે છે અને તેની બે ડઝનથી વધુ કંપનીઓ શૅરબજારના લિસ્ટ પર છે. 2020માં જૂથની કંપનીની કુલ આવક 106 અબજ ડૉલર હતી. જૂથના 7,50,000 કર્મચારીઓ કાર, ટ્રક, ચા, મીઠું, રસાયન, ફોર્જ સ્ટીલ વગેરે બનાવે છે, વીમો વેચે છે, સોફ્ટવેર લખે છે, ફોન નેટવર્ક ચલાવે છે અને એ ઉપરાંત ઘણું કરે છે. જૂથમાં જે પરિવર્તન આવશે તેના પર બધાની નજર રહેશે.   

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer