ખરીફ અને રવી પાકના સંયોગો ઊજળા

ખરીફ અને રવી પાકના સંયોગો ઊજળા
ગુજરાતમાં ભારે વરસાદના પગલે
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 14 સપ્ટે. 
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી કુદરત મહેરબાન છે ત્યારે હવામાન વિભાગે વધુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. 15મી સપ્ટેમ્બરના રોજ રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમ ઓડિશા પર સ્થિર છે, પરંતુ તે ગુજરાત તરફ આવશે, જેનાથી સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે, સપ્ટેમ્બરના વરસાદથી ખાધ ખાસ્સી પુરાઇ ગઇ છે. ગુજરાતમાં સરેરાશ 70 ટકા વરસાદ પડી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર એમાં મોખરે છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી નુકસાન કરતા લાભ વધુ થયો છે. પાછોતરા વરસાદથી ખરીફ સાથે રવિ પાકનું ભાવિ પણ ઊજળું બન્યું છે.
15 સપ્ટેમ્બરના રોજ ખેડા, આણંદ, રાજકોટ, જૂનાગઢ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે, એવી આગાહી હવામાન વિભાગે કરી છે. 
રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના લોધિકામાં 516 મી.મી. એટલે કે 21 ઈંચ જેટલો, જૂનાગઢના વિસાવદરમાં 468 મી.મી. એટલે કે 19 ઈંચ જેટલો, કાલાવડમાં 406 મી.મી. એટલે કે 16 ઈંચ જેટલો અને રાજકોટમાં 325 મી.મી. એટલે કે 13 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. મંગળવારે છૂટોછવાયો ભારે હળવો વરસાદ હતો. 
ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 69.24 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 80.50 ટકા થયો છે. અૉગસ્ટના અંત સુધી મોટી ખાધ ધરાવતું સૌરાષ્ટ્ર હવે ગુજરાતમાં આગળ છે. દક્ષિણ ગુજરાતમાં 71.14 ટકા, કચ્છ ઝોનમાં 70.36 ટકા,પૂર્વ-મધ્ય ગુજરાતમાં 57.69 ટકા અને ઉત્તર ગુજરાતમાં 55.13 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer