સોનું ડૉલરની નબળાઇથી 1800ના સ્તર તરફ

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 22 અૉક્ટો. 
ડોલરની નબળાઇને લીધે સોનાનો ભાવ વધવા લાગ્યો છે. સતત બીજા સપ્તાહે સોનું વધવામાં સફળ રહ્યું છે. ન્યૂયોર્કમાં આ લખાય છે ત્યારે સોનાનોભાવ 1795 ડોલરના સ્તરે રનીંગ હતુ. બોન્ડ યીલ્ડ સુધરી રહ્યા છે પણ ડોલરને લીધે સોનું વધતું જાય છે. મધ્યસ્થ બેંકો હવે અર્થતંત્રને ટેકો આપવાનું હળવું કરવા લાગશે એ ગણતરી છે. જોકે વ્યાજદર વધતા નથી એટલે રોકાણકારો ફુગાવા સામે સોનાની ખરીદી હેજરૂપે કરી રહ્યા છે. 
વિષ્લેષકો કહેછેકે સોનાનો ભાવ ધીરે ધીરે વધીને આવતા સપ્તાહે 1800 ડોલરનું સ્તર મેળવી લેશે. આ સપાટીની ઉપર જળવાઇ રહે તો 1815 સુધી વધવાની સંભાવના છે. ફેડ જ્યારે બોન્ડ ટેપરીંગ અને વ્યાજદરના નિર્ણય લેશે ત્યારે સોનું ઘટશે પણ એ પહેલા ભાવ વધશે. જોકે અત્યારે અમેરિકી બોન્ડના મૂલ્યમાં સુધારો થઇ રહ્યો છે તેની અસરથી સોનાની તેજી કાબૂમાં રહી છે. બોન્ડ યીલ્ડ ઘટે એટલે તરત સોનામાં ઉછાળો આવશે. 
વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા આવતી જાય છે અને લોકોનું ખર્ચ તથા આવક વધી રહ્યા છે. કોર્પોરેટ આવક સુધરી રહી છે એ કારણે હવે ફુગાવાનું સર્જન ધારણા કરતા વધારે ઝડપથી થતું જાય છે એમ એક ભારતીય વિષ્લેષકે જણાવ્યું હતુ. એ જોતા ફેડ ઝડપથી હરકતમાં આવશે. 
સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ. 80ના વધારા સાથે રૂ. 49280 અને મુંબઇમાં રૂ. 336ના સુધારામાં રૂ. 47805 હતો. ચાંદી ન્યૂયોર્ક 24.28 ડોલર હતી. રાજકોટમાં એક કિલોએ રૂ. 65600ના સ્તરે સ્થિર હતી. મુંબઇમાં રૂ. 294ના વધારા સાથે રૂ. 65294 હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer