ભારતનો રસીકરણ કાર્યક્રમ વિજ્ઞાનમંડિત : નરેન્દ્ર મોદી

ભારતનો રસીકરણ કાર્યક્રમ વિજ્ઞાનમંડિત : નરેન્દ્ર મોદી
તહેવારોમાં સાવચેતીને વિસારે નહીં પાડવાનો અનુરોધ
પીટીઆઈ      
નવી દિલ્હી, તા. 22 અૉક્ટો.
ભારતે કોરોના રસીના એક અબજ ડૉઝ આપવાના સીમાચિહ્નને પસાર કર્યાના બીજા દિવસે એટલે કે આજે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતનો રસીકરણનો કાર્યક્રમ વિજ્ઞાનજનિત, વિજ્ઞાનચાલિત અને વિજ્ઞાનમંડિત છે. તેમાં વીઆઈપી કલ્ચર પ્રવેશી ન જાય તેની પૂરતી કાળજી રખાઈ છે.
રાષ્ટ્રજોગ પ્રવચનમાં વડા પ્રધાને કહ્યું હતું કે દેશમાં આજે વિશ્વાસનું વાતાવરણ છે. સમાજના અને અર્થવ્યવસ્થાના તમામ સ્તરે આજે `આશાવાદ, આશાવાદ અને આશાવાદ' જોવા મળે છે. તેમણે ઉમેર્યું હતું કે લોકોએ તહેવારોના દિવસમાં સાવચેતી વિસરવી ન જોઈએ અને માસ્ક પહેરવા જેવા કોરોના સંબંધી વર્તણૂક ચાલુ રાખવી જોઈએ.
અર્થશાસ્ત્રના નિષ્ણાતો તેમ જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દેશના અર્થતંત્ર વિશે ભારે આશાવાદી છે. ભારતીય કંપનીઓને વિક્રમ સ્તરનું રોકાણ મળે છે એટલું જ નહીં રોજગારી પણ વધી રહી છે એમ મોદીએ કહ્યું હતું. સ્ટાર્ટઅપ્સમાં વિક્રમ રોકાણ થઈ રહ્યું છે અને એક અબજ ડૉલરથી વધુ બજારમૂલ્ય ધરાવતા સ્ટાર્ટઅપ્સ (યુનિકોર્ન)ની સંખ્યા પણ વધી રહી છે, એમ તેમણે કહ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે એક અબજ માત્ર સંખ્યા નથી, પણ દેશની શક્તિનું પ્રતીક છે, નૂતન ભારતનું ચિત્ર છે. ભારતનો રસીકરણ કાર્યક્રમ વિજ્ઞાનજનિત, વિજ્ઞાનચાલિત અને વિજ્ઞાન આધારિત છે. રસીના સંશોધનથી લઈને રસીકરણ સુધીની પ્રત્યેક પ્રક્રિયા વિજ્ઞાનમંડિત રહી છે. થાળીવાદન અને દીપ પ્રાકટય જેવા કાર્યક્રમોના ટીકાકારોને જવાબ આપતાં વડા પ્રધાને કહ્યું હતું કે આ કાર્યક્રમો લોકોના સહભાગ અને એકતાના પ્રતીક સમાન હતા.
કાર્યક્રમના આરંભે લોકોને મળશે કે નહીં, રોગને અટકાવી શકાય એટલી સંખ્યામાં રસી મૂકી શકાશે કે નહીં એવા સવાલો ઉઠાવાયા હતા. હવે સો કરોડ ડૉઝના વપરાશ પાસેથી આ સવાલોનો જવાબ મળી જવો જોઈએ, એમ મોદીએ કહ્યું હતું.
હવે વિશ્વના દેશો ભારતને કોરોનાથી વધુ સુરક્ષિત સમજશે એમ મોદીએ જણાવ્યું હતું.
મહામારીના પ્રારંભે એવો ભય બતાવાતો હતો કે ભારત જેવા વિકાસશીલ લોકશાહી દેશ માટે કોરોના સામે લડવું ભારે મુશ્કેલ હશે. કોરોના સંબંધી શિસ્તના પાલન વિશે શંકાઓ વ્યક્ત થતી હતી, એમ કહીને મોદીએ ઉમેર્યું કે ભારતે સૌને સાથે રાખીને `બધાને રસી, મફત રસી'ની ઝુંબેશ શરૂ કરી હતી.
દેશ સામે એક જ મંત્ર હતો : જો રોગ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે ભેદભાવ ન કરતો હોય તો રસીકરણમાં પણ કોઈ ભેદભાવ ન કરી શકાય. એટલે જ અમે રસીકરણ અભિયાનને વીઆઈપી કલ્ચરથી મુક્ત રાખવાની વિશેષ કાળજી લીધી હતી, એમ મોદીએ જણાવ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer