ડૉલર-બોન્ડમાં તેજી થતાં સોના-ચાંદીમાં ગાબડાં

અમારા પ્રતિનિધિ તરફથી       
રાજકોટ,તા.23 નવે. 
અમેરિકી ડોલરના મૂલ્યમાં 16 મહિનાનો ટોચનો ભાવ જોવાયો છે અને ટ્રેઝરી યીલ્ડમાં પણ જોરદાર ઉછાળો આવતા સોનામાં ગાબડું પડ્યું હતુ. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ગઇકાલ રાતથી શરું થયેલા કડાકામાં 1800 ડોલરની અંદર ઉતરી જઇને 1796 ડોલરના સ્તરે પહોંચી ગયો હતો. ચાંદીનો ભાવ પણ 23.77 ડોલરની સપાટી સુધી નીચે આવી ગયો હતો.  આવતા વર્ષમાં અમેરિકા દ્વારા વ્યાજના દરમાં વધારો કરવામાં આવશે અને બોન્ડ ટેપરીંગ પણ શરૂ થશે એ ગણતરીએ સોનામાં ભારેખમ વેચવાલી નીકળી હતી.  સોનાની ખરીદી સામાન્ય રીતે ફુગાવા સામે હેજરુપે કરવામાં આવતી હોય છે. વ્યાજદરમાં વધારો થાય તો ડોલરમાં તેજી આવે અને બોન્ડ પણ વધે એ ગણતરીએ સોનામાં ભારે વેચવાલી નીકળી હતી. ફંડોએ સોનું દિવાળી આસપાસથી ખૂબ ઉંચકી નાંખ્યું હતુ આમ તેજીના ફુગ્ગામાંથી હવા નીકળી ગઇ છે. 
જાણકારો કહે છે, સોનામાં મંદીમાં આવી જવા જેવું નથી. ફુગાવો હજુ ઉંચો છએ. કોરોનાને કારણે યુરોપમાં લોકડાઉન જેવા અંકુશો આવ્યા છે. વળી, વ્યાજદરમાં સમયસર વધારો ન થાય અને વિલંબ કરવામાં આવે તો પણ બજારમાં ફરીથી ખરીદી નીકળી શકે છે.  રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ.880ના ઘટાડામાં રૂ.49450 અને મુંબઇમાં રૂ. 1008 તૂટી જતા રૂ. 47826 હતો. ચાંદીનો ભાવ રાજકોટમાં એક કિલોએ રૂ. 1700 ઘટીને રૂ. 64800 તથા મુંબઇમાં રૂ. 2048 તૂટીને રૂ. 63781 હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer