ગુજરાતમાં મસાલા પાર્ક બનાવવાની જરૂર

ગુજરાતમાં મસાલા પાર્ક બનાવવાની જરૂર
ફેડરેશન અૉફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર્સની મિટીંગમાં પ્રસ્તાવ રજૂ થયો 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 23 નવે. 
ગુજરાતમાં જે રીતે ટેક્સટાઇલ પાર્ક બનાવવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે તે રીતે રાજ્યમાં સ્પાઇસ પાર્ક પણ બનાવવો જોઈએ, કારણ કે ગુજરાતમાંથી જ દેશ દુનિયામાં જીરું, ઇસબગુલ, તલ, ધાણા અને વરિયારીની નિકાસ થાય છે અને છતાં ગુજરાતમાં આનો વિશેષ પાર્ક નથી. પાર્ક બનાવવામાં આવે તો ગુજરાતમાં ખુબ મોટા પ્રમાણમાં રોજગારીનું પણ નિર્માણ થાય અને ગુજરાતના વેપારીઓને પણ મોટો ફાયદો થાય તેમ ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર સંગઠને જણાવ્યું હતું. 
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આગેવાનીમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઈસીસ સ્ટેક હોલ્ડરની બેઠક મળી હતી. બેઠકમાં અશ્વિનભાઈ, મિતેશભાઈ, હિરેનભાઈ સહિતના આગેવાનો મળ્યા હતા. એમાં થયેલી ચર્ચા પ્રમાણે ગુજરાતમાં મસાલાની નિકાસ ઊંઝાથી થાય છે અને ઊંઝામાં આખા ગુજરાતમાંથી જીરું, ઇસબગુલ, તલ, ધાણા સહિતના મસાલા આવે છે. અહીંથી દેશ વિદેશમાં જાય છે. મસાલાની સાફ સફાઈ, પ્રોસેસ, 
પેકેજીંગ, ટ્રાન્સપોર્ટેશન એક જ જગ્યાએથી થાય એ જરૂરી છે અને આના માટે એક પાર્ક બનાવવો જરૂરી છે જે એક જ જગ્યાએ બધી પ્રોસેસ કરી શકે અને વિવિધ વિભાગોમાં તેની સપ્લાય પણ કરવામાં સરળતા રહે. 
બેઠકમાં એવી પણ ચર્ચા થઇ કે ગુજરાતમાં એર અને પોર્ટ કનેક્ટિવિટી સારી છે અને દેશ દુનિયાના વિવિધ ભાગોમાં મસાલા પહોંચાડવા આસાની રહે છે માટે સ્પાઇસ પાર્ક કરવો અતિ આવશ્યક છે. 
કોમોડિટીઝ બજારના જાણકાર બિરેનભાઈ વકીલ પણ જણાવે છે કે 'ગુજરાતમાં પાર્ક કરવો આવશ્યક છે અને જો પાર્ક થઇ જાય તો દેશ દુનિયામાંથી ખરીદદારો એક જ જગ્યા ઉપર ભેગા થઇ શકે અને મસાલા માર્કેટને વેગ મળી શકે તેમ છે. ગુજરાતમાંથી અબજો રૂપિયાના મસાલા નિકાસ થાય છે, જો પાર્ક બનાવવામાં આવે તો સ્પાઈસની મેડ ઈન ગુજરાત બ્રાન્ડ પણ બની શકે અને આંતરરાષ્ટ્રીય બજારમાં મોટો હિસ્સો ગુજરાતના મસાલાનો થઇ શકે તેમ છે અને સારા ભાવ પણ મળે તેવી પુરી સંભાવના છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer