મુકેશ અંબાણીએ સોડિયમ આયન બેટરી બનાવવા માટે કર્યું મોટું રોકાણ

મુકેશ અંબાણીએ સોડિયમ આયન બેટરી બનાવવા માટે કર્યું મોટું રોકાણ
સોડિયમની વિશાળ ઉપલબ્ધિ રિલાયન્સનો હાથ ઉપર રાખશે
મુંબઈ, તા. 24 જાન્યુ.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ ઇંગ્લૅન્ડમાં સોડિયમ આયન બેટરી ક્ષેત્રે 10 કરોડ પાઉન્ડ (13.6 કરોડ ડૉલર)નું રોકાણ કર્યું છે. 
મુકેશ અંબાણી તેમની જામનગરમાં ગીગા ફેક્ટરી શરૂ કરવા જઈ રહ્યાં છે ત્યારે સોડિયમ-આયનમાં થનારા આ રોકાણનું વ્યૂહાત્મક મહત્વ ઘણું છે. અહીં મહત્વનો એક મુદ્દો એ છે કે પૃથ્વી ઉપર લિથિયમની સરખામણીએ સોડિયમનો જથ્થો 300 ગણો છે. આટલું જ નહીં, પણ વૈશ્વિક સ્તરે ઇલેક્ટ્રિક વાહનની સંખ્યા ઝડપથી વધી રહી છે તેથી ઇલેક્ટ્રિક વાહનમાં જેનો ઉપયોગ થાય છે તે માત્ર લિથિયમ જ નહીં, ઊંચા ગ્રેડનું નિકલ, કોબાલ્ટ જેવી  તમામ ચીજોનો પુરવઠો ઘટી રહ્યો છે. એક અહેવાલ પ્રમાણે વર્ષ 2030 સુધીમાં લિથિયમ-આયન સેલ બનાવવા માટેની ધાતુની માંગમાં પાંચ ગણો ઉછાળો આવશે. વર્ષ 2022માં બેટરી પેક્સ પહેલાના કરતાં વધુ ખર્ચાળ બન્યાં છે. 
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 76 અબજ ડૉલરના સ્વચ્છ ઊર્જા પ્રોજેક્ટ સ્થાપી રહી છે ત્યારે પરંપરાગત લિડ-એસિડ બેટરી જેવી સસ્તી ટેક્નૉલૉજીને સમર્થન આપવામાં અને સરળતાથી ઉપલબ્ધ થાય તેવી સામગ્રીમાં રોકાણ એ તેની દૂરંદેશી દર્શાવે છે. કિંમત સંવેદશીલ ગ્રાહકો પણ જે ઇલેક્ટ્રિક વાહનોમાં આ બેટરી હોય તે ખરીદવા તરફ તેઓ વધુ વળશે. 
અંબાણીનું માનવું છે કે વજનના પ્રતિ એકમે જે ઇલેક્ટ્રિકલ પાવરનો સંગ્રહ થશે તેની ઘટ લિથિયમ-આયનથી ઘટાડી શકાશે અને આ રોકાણ તે ઘટને સરભર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કંપનીએ શેફિલ્ડ ઍન્ડ ઓક્સફોર્ડની ફેરેડિઅન લિ.માં 10 કરોડ પાઉન્ડનું રોકાણ કર્યું જ છે, અને વધારાના 2.5 કરોડ પાઉન્ડનું રોકાણ કંપનીએ કર્યું છે. શેફિલ્ડ પાસે 31 પેટન્ટ છે અને 16 કર્મચારીઓ કામ કરે છે. આ ટેક્નૉલૉજી રિલાયન્સની જામનગરની બેટરી ગીગા ફેક્ટરીમાં ઉપયોગમાં લેવાશે. 
યુકેની વેન્ચર કેપિટાલિસ્ટ મર્સિયા એસેટ મેનેજમેન્ટ પીએલસી અને ફેરેડિયનની સહ-સ્થાપક કંપનીના અશ્વિન કુમારસ્વામીએ કહ્યું કે, લિથિયમ અત્યારે મુખ્ય ધારામાં છે ત્યારે કોબાલ્ટનો જથ્થો જૂજ છે. સોડિયમનો જથ્થો વિપુલ છે. એક દાયકાથી સોડિયમ-આયન ઉપર કામ કરતી સ્ટાર્ટઅપ કંપનીનો દાવો છે કે તે પ્રતિ કિલોએ 160-170 વોટ-કલાકો ડિલિવર કરી રહી છે અને ટૂંકસમયમાં 200 વોટ-કલાકો સુધી પહોંચશે. જે ટેસ્લાની ચીનમાં બનેલી કારમાંની સ્ટાન્ડર્ડ રેન્જ લિથિયમ -આયન ફોસ્ફેટ સેલની ડેન્સિટી કરતાં વધુ અથવા ઓછી છે. 
સોડિયમમાં રોકાણ અંબાણી માટે ઇવી ક્ષેત્રે રોકાણની શરૂઆત છે ત્યારે આ ટેક્નૉલૉજી કંપની અને દેશ બંને માટે લાભદાયી પુરવાર થશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer