ટેક્સ્ટાઈલ્સમાં ઉત્પાદનને વેગ આપવા રૂા. 16,600 કરોડની સ્કીમનો અમલ શરૂ

ટેક્સ્ટાઈલ્સમાં ઉત્પાદનને વેગ આપવા રૂા. 16,600 કરોડની સ્કીમનો અમલ શરૂ
એજન્સીસ
નવી દિલ્હી, તા. 24 જાન્યુ.
કેન્દ્ર સરકારે આગામી પાંચ વર્ષ માટે રૂા. 16,600 કરોડની જોગવાઈ ધરાવતી ટેક્સ્ટાઈલ માટેની નવી સ્કીમ પર કામ શરૂ કર્યું છે. આનો હેતુ સ્પિનિંગ, વિવિંગ, નિટિંગ સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં નવી ઇન્ટિગ્રેટેડ મેન્યુફેકચરિંગ સવલતોને વેગ આપવાનો તેમ જ વર્તમાન કલસ્ટરો અને એમએસએમઈમાં ટેક્નૉલૉજી અપગ્રેડેશનને ટેકો આપવાનો રહેશે.
એમેન્ડેડ ટેક્નૉલૉજી અપગ્રેડેશન સ્કીમ (એટફ) સ્કીમ તા. 31 માર્ચ, 2022ના પૂરી થાય છે. આથી તેની જગ્યાએ ટેક્સ્ટાઈલ ટેક્નૉલૉજી ડેવલપમેન્ટ સ્કીમ આવી રહી છે.
પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમના જે લાભાર્થીઓ હશે તેઓ નવી સ્કીમ હેઠળના પ્રોત્સાહનો માટે પાત્ર ગણાશે નહીં.
સૂચિત સ્કીમ હજી કન્સેપ્ટયુઅલ તબક્કે છે અને વિવિધ મંજૂરીઓ તેને મળવી બાકી છે. સ્કીમ માટે નવું નામ પણ આવી શકે છે.
ટેક્સ્ટાઈલ મશીનરીના ઉત્પાદન પર ધ્યાન વધારવું જરૂરી છે આજે સટલલેસ લૂમ્સ, સીવવાના મશીનો, નિટિંગ મશીનો ઉપરાંત એસેસરીઝ જેવી કે સ્પિન્ડલ્સ અને નીડલ્સની ભારત આયાત કરે છે. છેલ્લાં પાંચ વર્ષમાં આની રૂા. 72,000 કરોડની આયાત કરાઈ છે અને મોટા ભાગની આયાત ચીનથી થઈ છે.
એટફ અને તેની આગલી સ્કીમની વચનબદ્ધતા પૂરી કરવા રૂા. 4600 કરોડની જોગવાઈ સૂચવાઈ છે.
ટેક્સ્ટાઈલ મંત્રાલયે નવી યોજના હેઠળ રોકાણ અને વેલ્યુએડિશન લિન્કડ ઈન્સેન્ટિવ સૂચવ્યા હતા. વિદેશી ઉત્પાદકો જોડેના સંયુક્ત સાહસના કેસમાં ટેક્નૉલૉજી ટ્રાન્સફર માટે ઈન્સેન્ટિવ સૂચવ્યા હતા. સંશોધન-વિકાસકાર્ય અને કમર્શિયલાઈઝેશનને ટેકો પૂરો પાડવા સૂચવ્યું હતું. આયાત ઘટાડવાનું, સ્થાનિક મશીનરી ઉદ્યોગને પ્રોત્સાહનો આપવાનું અને ગાર્મેન્ટ ક્ષેત્ર પર વધુ ધ્યાન આપવાનું સૂચવ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer