ભારતી ઍરટેલનો માર્ચ, ''22 ત્રિમાસિક ચોખ્ખો નફો 164 ટકા વધીને રૂ.2008 કરોડ

શૅરદીઠ રૂ.ત્રણનું ડિવિડન્ડ જાહેર
વર્ષ 2022માં કંપની ખોટમાંથી બહાર આવી
મુંબઈ, તા. 17 મે 
ટેલિકોમ અગ્રણી ભારતી એરટેલનો ચોખ્ખો નફો માર્ચ, 2022માં પૂરાં થયેલા ત્રિમાસિકમાં 164 ટકા વધીને રૂ. 2,008 કરોડનો  થયો છે. નફામાં બમણાં કરતાં વધુ વૃદ્ધિ થઈ છે. ગયા વર્ષના સમાનગાળામાં નફો રૂ. 759 કરોડનો હતો. 
જાન્યુઆરી-માર્ચના સમયગાળા દરમિયાન કામગીરીમાંથી આવક બાવીસ ટકા વધીને રૂ. 31,500 (રૂ. 25,747 ) કરોડની થઈ હતી. કંપની પ્રવક્તાએ કહ્યું કે, સમગ્ર પોર્ટફૉલિયોમાં મજબૂત અને સાતત્યપૂર્ણ કામગીરીને કારણે વૃદ્ધિને ટેકો મળ્યો હતો. 
કંપનીના બોર્ડે વર્ષ 2021-22 માટે રૂ. 5ની મૂળ કિંમતના સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શૅરદીઠ રૂ. 3 અને રૂ. 0.75ની મૂળ કિંમતના પાર્ટલી પેઈડ-અપ ઇક્વિટી શૅરદીઠ રૂ. 3ના ડિવિડન્ડની પણ ભલામણ કરી છે.  
એરટેલના મૅનાજિંગ ડિરેક્ટર અને સીઈઓ ગોપાલ વિટ્ટલે કહ્યું કે, માર્ચ ત્રિમાસિકમાં કંપનીના સમગ્ર પોર્ટફૉલિયોમાં સાતત્યપૂર્ણ અને સ્પર્ધાત્મક પ્રદર્શન નોંધાયું છે. ત્રિમાસિક ગાળાની કોન્સોલિડેટેડ આવક 5.5 ટકા વધી છે અને ઈબીટીડા માર્જિન 50.8 ટકા સુધી વિસ્તર્યું છે, જે કંપનીની દરેક સ્તરે સાતત્ય કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. ટેરિફ વધારાનો સંપૂર્ણ પ્રવાહ હોવાથી મોબાઇલ બિઝનેસની આવકમાં 9.5 ટકાની વૃદ્ધિ જોવાઈ છે.   
વિટ્ટલે કહ્યું કે, આવનારા વર્ષોમાં મળનારી તકો માટે કંપની આશાવાદી છે. એક કંપની તરીકે  અમે ત્રણ કારણોસર સારી રીતે તૈયાર છીએ. પહેલું, ગુણવત્તાયુક્ત ગ્રાહકોને યોગ્ય અને સરળ વ્યૂહરચના સાથે તેમને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાની અને તેના ઉપર અમલ કરવાની અમારી ક્ષમતા. બીજું, માળખાકીય અને ડિજિટલ બન્ને ક્ષમતાઓમાં મોટા રોકાણો સાથેની કંપનીની ભવિષ્ય માટેનું સજ્જ બિઝનેસ મોડલ અને ગવર્નન્સ ઉપર ધ્યાન કેન્દ્રિતતા સાથેની નાણાકીય સજ્જતા કંપનીને આશાવાદી બનાવે છે.  
કંપનીના ભારતના બિઝનેસમાં  ચોથા ત્રિમાસિક દરમિયાન આવકમાં 23 ટકાની  વૃદ્ધિ નોંધાઈ છે. વર્ષ દરમિયાન ટેરિફમાં વધારો અને ફોરજી ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિને કારણે એઆરપીયુમાં વૃદ્ધિ થવાથી મોબાઈલની આવકમાં 21 ટકાની વૃદ્ધિ નોંધાઈ  હતી. 
ત્રિમાસિક દરમિયાન એરટેલે ભારતીય બિઝનેસ માટે રૂ. 4277 કરોડ અને આફ્રિકાના બિઝનેસ માટે રૂ. 1682 કરોડનો મૂડી ખર્ચ કર્યો હતો.  
વિટ્ટલે કહ્યું કે, ટેલિકોમ ક્ષેત્ર દ્વારા બે ત્રિમાસિક દરમિયાન ટેરિફ વૃદ્ધિ કરવામાં આવી હોવાથી કોન્સોલિડેટેડ વેચાણમાં સારી વૃદ્ધિ થઈ હોવાથી નફામાં બેગણાં કરતાં વધુ વધ્યો છે. ટેરિફ વૃદ્ધિનું સંપૂર્ણ પરિણામ માર્ચ ત્રિમાસિકમાં જોવા મળ્યું છે.  
માર્ચ, 2022માં પૂરાં થયેલા વર્ષમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 4255 કરોડનો થયો છે. ગયા વર્ષે કંપનીએ રૂ. 15,053 કરોડની ખોટ કરી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer