ખેતરોમાં ભૂંડના ત્રાસથી શેરડી અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન

જંગલ ખાતા સાથે બેઠક યોજી કાયમી ઉકેલ શોધવો આવશ્યક
ખ્યાતિ જોશી  
સુરત, તા. 21 જૂન
દક્ષિણ ગુજરાતમાં પાણીની છત છે એટલે ખેડૂતો રોકડિયા, સીઝનલ અને બાગાયતી પાક મોટી સંખ્યામાં લે છે. શેરડી અને ડાંગરનો મુખ્યત્વે પાક લેતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને છેલ્લા કેટલાક સમયથી જંગલી ભૂંડ અને ડુક્કરના ત્રાસનો સામનો કરવો પડી રહ્યો. ભૂંડ અને ડુક્કરના ટોળા રાત્રીના અંધકારમાં ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકશાન પહોંચાડી રહ્યા છે. જેને લઇને ખેડૂતોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. ખેડૂત આગેવાનો આ મામલે સરકાર તરફથી ઝટકા મશીન અને કાંટાળી તાર માટે 50 ટકા સબસીડીની માગ કરી રહ્યા છે.  
ડુક્કર અને ભૂંડનો ત્રાસ પાછલા કેટલાક વર્ષોથી સુરત અને આજુબાજુના વિસ્તારના ખેડૂતોને થઇ રહ્યો છે. દર વર્ષે જ્યારે પણ ખેતરમાં પાક ઉગી નીકળે તે સમયે જંગલી ભૂંડ અને ડુક્કરની સંખ્યા વધી જાય છે. સુરતના ઓલપાડ તાલુકાના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી જંગલી ભૂંડના ઝુંડના ઝુંડ ખેતરોમાં ફરી વળ્યા છે. જેના કારણે શાકભાજીનો રોકડિયો પાક લેતા અનેક ખેડૂતો ભારે નુકશાન પહોંચ્યું છે. પરવળ, તુરિયા, ગલકાના માંડવામાં ભારે નુકશાન ભૂંડના સમૂહે પહોંચાડ્યું છે. આમ તો ભૂંડનું જૂથ ઉપરથી પાકને ઓછુ નુકશાન પહોંચાડે છે પરંતુ જમીનની અંદર નીચેની ભાગે પાયાથી પાકને મોટું નુકશાન પહોંચાડે છે. જેના કારણે ખેડૂતો પાક હાથમાં આવતો નથી.  
સહકારી આગેવાન દર્શન નાયક કહે છે કે, સરકારે બજેટમાં આ મામલે સ્પેશ્યલ જોગવાઇ કરવાની જરૂર છે. જંગલી ભૂંડના ત્રાસને લઇને અમે સરકારમાં અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. અત્યારે સુરતના ઓલપાડના ગામોમાં જંગલી ભૂંડનો ભારે ત્રાસ વર્તાયો છે. અનેક શાકભાજી અને શેરડી પકવતા ખેડૂતોના ખેતરમાં પાકને ભારે નુકશાન પહોંચ્યું છે.  
તેમણે ઉમેર્યું હતું કે, એક બાજુ મોંઘવારી ફાટી છે અને બીજી તરફ ખેડૂતોને તેના પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી. એવામાં આ પ્રકારે ખેતરોમાં ઉભા પાકને સતત નુકશાન થાય છે. અમે સરકાર પાસે કાંટાળી તાર અને ઝટકા મશીન બેસાડવાની યોજનામાં 50 ટકા સબસીડીની માગ કરીએ છીએ. તેમજ જંગલ ખાતા સાથે બેઠક યોજી શું ઉપાય કરી શકાય તે મામલે સરકાર આગળ આવે. તલાટી, ગામ સેવક કે ખેતીવાડી અધિકારીઓ પાસે સર્વે કરાવી નુકશાનનું વળતર ખેડૂતોને મળે તેવી અમારી માગ છે.  
ખેડૂત સમાજ ગુજરાતના રમેશભાઇ પટેલ કહે છે કેસરકાર મોટા પાયે કાંટાળી તાર બાંધવાનો કાર્યક્રમ હાથ ધરે તો નુકશાન અટકી શકે તેમ છે. ફોરેસ્ટ વિભાગે પણ મામલે આગળ આવવાની જરૂર છે. અમે સરકાર પાસે મહત્તમ સબસીડી અને આર્થિક સહાયની માગ કરીએ છીએ. વાવણીને ધ્યાને રાખીને ઘણાખરા ખેડૂતોએ ખેતરમાં ડાંગરનું ધરુ તૈયાર કર્યું છે. તેઓના ધરુને મોટુ નુકશાન પહોંચાડ્યું છે. શેરડીમાં પણ વ્યાપક નુકશાનની ફરિયાદ ખેડૂતોકરી રહ્યા છે. જંગલી ભૂંડ આક્રમણ કરતા હોવાથી સાંજે છ પછી એકલા ખેતરે જવામાં પણ જોખમ છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer