અનબ્રાન્ડેડ ખાદ્ય પદાર્થો પર પાંચ ટકા જીએસટી : વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ

અનબ્રાન્ડેડ ખાદ્ય પદાર્થો પર પાંચ ટકા જીએસટી : વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ
મણિલાલ ગાલા
મુંબઈ, તા. 21 જૂન
અનરજિસ્ટર્ડ બ્રાન્ડ હેઠળ વેચાતાં પેકેજ્ડ અનાજ-કઠોળ ઉપર પાંચ ટકા જીએસટી લાદવાની સરકારની હિલચાલ સામે વેપારીઓમાં જોરદાર વિરોધ ઊઠયો છે અને આ સંબંધમાં વિવિધ વેપારી સંગઠનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ નાણાપ્રધાન નિર્માલા સીતારામન સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં જીએસટીના દરોની સમીક્ષા કરતા પ્રધાનોનાં જૂથની બેઠકમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈની આગેવાની હેઠળની બેઠકે આ ટેક્સ નાખવાનું સૂચવ્યું છે અને આગામી 28-29 જૂને શ્રીનગરમાં મળનારી જીએસટીની કાઉન્સિલમાં આ સૂચન અંગે આખરી નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ બ્રાન્ડેડ ફૂડ આઇટમો ઉપર પાંચ ટકા જીએસટી વસૂલવામાં આવે છે પરંતુ અનબ્રાન્ડેડ પેકેજ્ડ ફૂડ આઇટમોને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. જે હવે રદ કરવાનો પ્રસ્તાવ છે.
આ પ્રસ્તાવનો ઉગ્ર વિરોધ કરતાં દાણાબંદરના વેપારીઓની પ્રતિષ્ઠિત સંસ્થા `ગ્રેન રાઇસ ઍન્ડ અૉઇલ સીડસ મરચન્ટ્સ ઍસોસિયેશન' `ગ્રોમા'ના પ્રમુખ શરદકુમાર દેવરાજ મારૂએ જણાવ્યું હતું કે હાલ ફુગાવો અને મોંઘવારી ચરમસીમાએ છે ત્યારે સરકારનો આ પ્રસ્તાવ બિનજરૂરી છે. આનાથી ફુગાવો વધશે અને ભાવવધારાનો બોજો આખર ગ્રાહક પર જ આવશે. અમે આ પ્રસ્તાવનો જોરદાર વિરોધ કરીએ છીએ અને જરૂર પડશે તો બંધ પણ પાડીશું.
`ગ્રોમા'ના મંત્રી ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે કૉર્પોરેટ કંપનીઓને ફાયદો કરવાના ઉદ્દેશથી ઓચિંતું આ પગલું ભરવામાં આવી રહ્યું છે. એક બાજુ સરકાર મફતમાં ઘઉં-ચોખા અને ઘી અને બીજી બાજુ ગ્રાહકો પર આવો નવો બોજો નાખવા ધારે છે. અમે આ પ્રસ્તાવના વિરોધમાં વડા પ્રધાન અને નાણાપ્રધાનને પત્ર લખીશું. તેમણે કહ્યું હતું કે વિવિધ ધાન્યોના લઘુતમ ટેકાના ભાવ વધ્યા બાદ હવે આ જીએસટી નાખવામાં આવશે તો જીવનાવશ્યક ચીજોના ભાવમાં વધુ ઉછાળો આવશે. ફુગાવો ઓર વકરશે.
નવી મુંબઈ મરચન્ટ્સ ચેમ્બર અને બૉમ્બે મૂડી બજાર કરિયાણા મરચન્ટ્સ ઍસોસિયેશનના ચેરમેન કીર્તિભાઈ રાણાએ કહ્યું હતું કે કૃષિ પેદાશો ખેડૂતો દ્વારા ઉત્પન્ન થાય છે. તેમના પર કોઈ પણ પ્રકારના કર હોવા જોઈએ નહીં. પરંતુ સરકારી અધિકારીઓ વાસ્તવિકતા સમજતા નથી અને ખેડૂતોની કૃષિ પેદાશો પર પાંચ ટકા જીએસટી લાદવાનો પ્રસ્તાવ લઈ આવ્યા છે તે તદ્દન ગેરવ્યાજબી છે. અમે તેનો જોરદાર વિરોધ કરીએ છીએ અને જરૂર પડતાં કોર્ટના દ્વાર ખખડાવીશું. અગાઉ સરકારે જ અનબ્રાન્ડેડ ફૂડ આઇટમોને જીએસટીમાંથી મુક્તિ આપી છે. હવે ફરી ટૅક્સ નાખીને જનતા પર બોજો નાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સરાસર અન્યાયકારક છે. અમે તીવ્ર આંદોલન કરીશું.
દાણાબંદરના એનાલિસ્ટ દેવેન્દ્ર વોરાએ કહ્યું હતું કે અનબ્રાન્ડેડ આઇટમો પર પાંચ ટકા જીએસટી નાખવાના પ્રસ્તાવથી મોંઘવારી બેકાબૂ બનશે. મલ્ટીનેશનલ કંપનીઓના કહેવાતા  ઇશારે અને નોકરશાહીએ આપેલા ભ્રામક આંકડાના આધારે જો સરકાર આ પગલું ભરશે તો તેનો જોરદાર વિરોધ થશે એટલું જ નહીં ખેડૂતોના વિવાદિત ખરડા જેમ પાછા ખેંચવા પડયા હતા તેવું ફરીથી થશે. નાના મધ્યમ વેપારીઓનો એકઠો કાઢી નાખવા આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય એવી શંકા જાય છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer