ચોમાસું મંદ પડી જતાં વાવેતરને ફટકો

ચોમાસું મંદ પડી જતાં વાવેતરને ફટકો
ખરીફ વાવણી 33 ટકા ઘટી ગઇ, 10 જુલાઇ સુધીમાં સાર્વત્રિક વરસાદ આવશ્યક 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા.28 જૂન 
ચોમાસાની પ્રગતિ ખૂબ ધીમી પડી જવાને લીધે ખરીફ વાવેતર ઉપર માઠી અસર પડી છે. 10 જૂન આસપાસ સારો વરસાદ થઇ જતા ખેડૂતોએ વાવણી આરંભી દીધી હતી પરંતુ સમય કરતા થોડાં વહેલા વરસાદે જાણે હાથતાળી આપી હોય એમ હવે સાર્વત્રિક નહીં પણ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો હોવાથી નવું વાવણીકાર્ય ખોરંભે પડતું જાય છે. પાછલા એક સપ્તાહમાં વાવેતર વિસ્તારને મોટો ફટકો પડ્યો છે. ખેડૂતો 
અત્યાર સુધી કોરામાં અર્થાત ઓરવીને વાવેતર કરતા હતા પણ હવે જોખમ દેખાતા વરસાદ પછી જ વાવેતર કરવા તૈયાર થઇ રહ્યા છે. 
ગુજરાતમાં 16.68 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર 28 જૂન સુધીમાં થયું છે. જે પાછલા વર્ષના 25.02 લાખ હેક્ટર કરતા 33 ટકા જેટલું ઓછું છે. ખેડૂતોને હવે વરસાદ ખેંચાવાનો ડર લાગી રહ્યો હોવાથી નવા વાવેતરમાં સાવધાની છે. બીજી તરફ જે વાવેતર થયું છે એમાં ય પિયત આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અઠવાડિયામાં વરસાદ પડી જાય તો કપાસ અને મગફળી જેવા પાકોમાં જોખમ નહીં રહે અન્યથા ખેડૂતો બીજા રોકડિયા પાક તરફ વળે તેમ 
દેખાય છે. 
ગયા વર્ષે 15 જૂન આસપાસ શરૂ થયેલા ચોમાસામાં પંદર દિવસમાં વાવણીલાયક સારો વરસાદ પડી ગયો હતો. આ વખતે ખેંચ દેખાય છે. કપાસનું વાવેતર 28 જૂન સુધીમાં 10.85 લાખ હેક્ટર થયું છે. જે અગાઉના વર્ષમાં 11.46 લાખ હેક્ટર હતુ. 
મગફળીનો વિસ્તાર ખાસ્સો ઘટી ગયો છે. પાછલા વર્ષે આ સમયે 10 લાખ હેક્ટર વાવેતર હતુ. તેના સ્થાને 6.87 લાખ હેક્ટરના આંકડા આવી રહ્યા છે. તલમાં તેજી થઇ હોવા છતાં માત્ર 2515 હેક્ટરમાં વાવેતર થયું છે. જે પાછલા વર્ષમાં 15 હજાર હેક્ટર કરતા વધારે હતુ. 
અનાજમાં ડાંગરનું 24,566થી ઘટીને 957 હેક્ટર, બાજરીનું 15 હજાર હેક્ટરથી ઘટીને 6886 હેક્ટર અને મકાઇનું 32,188 હેક્ટરથી ઘટીને 4,414 હેક્ટરમાં વાવેતર થયું છે. 
કઠોળનું વાવેતર અત્યાર સુધી અર્ધુ ઓછું દેખાય છે. રાજ્યમાં ગયા વર્ષે ખરીફ કઠોળનું વાવેતર 44,226 હેક્ટર હતુ તેમાંથી 17,578 હેક્ટર સુધી આવી ગયું છે. તુવેરનું 33,980 સામે 14,479 હેક્ટર, મગનું 4,622 હેક્ટર સામે 1,988 હેક્ટર, મઠનું 222 હેક્ટર અને અડદનું 5210 સામે 889 હેક્ટરમાં વાવેતર છે.  
ખેડૂતો કહે છે, વરસાદ સમયસર નહીં આવે તો વાવેતરની પેટર્નમાં પણ બદલાવ લાવવા પડશે. 10 જુલાઇ સુધીમાં વરસાદ થાય તો કપાસ અને મગફળી જેવા પરંપરાગત પાકોના વાવેતર સારાં થશે. એ પછી સ્થિતિ બદલાશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer