ચીનનાં પ્રોત્સાહક પગલાં તથા યુક્રેન યુદ્ધના કારણે નિકલના ભાવ વધશે

ચીનનાં પ્રોત્સાહક પગલાં તથા યુક્રેન યુદ્ધના કારણે નિકલના ભાવ વધશે
નવી દિલ્હી, તા. 28 જૂન
અમેરિકાની ફેડરલ રિઝર્વ બૅન્કના અધ્યક્ષ જેરોમ પોવેલે વ્યાજદર વધારવા બાબત આક્રમક વલણ જાહેર કર્યા બાદ છેલ્લા એકાદ મહિનામાં નિકલના ભાવ 10 ટકાથી વધુ અને છેલ્લા સપ્તાહમાં 6 ટકા જેટલા ઘટી ગયા છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે જુલાઈથી શરૂ થતાં ત્રીજા ત્રિમાસિકમાં નિકલના ભાવ પાછા ઊછળશે.
2022માં નિકલના સરેરાશ ભાવ ગયા વર્ષ કરતાં 50 ટકાથી વધુ હશે, તેમ વિશ્વ બૅન્કે તેના એક અહેવાલમાં જણાવ્યું હતું. ગયા વર્ષે નિકલના સરેરાશ ભાવ 18,465 ડૉલર હતા. આ વર્ષે રશિયા-યુક્રેનના યુદ્ધને કારણે નિકલના ભાવમાં તેજી આવી છે.
રશિયા વિશ્વના નિકલનો 6 ટકા પુરવઠો પૂરો પાડે છે. પરંતુ બેટરીમાં વપરાતાં ઉચ્ચ કક્ષાના નિકલનો 20 ટકા ઉચ્ચ પુરવઠો રશિયાથી  આવે છે. પ્રતિબંધો ને કારણે રશિયાની મોટી ખાણકામ કંપનીનો નિકલનો પુરવઠો ખોરવાઈ ગયો છે. તેના કારણે નિકલના ભાવ વધ્યા છે, એમ વિશ્વ બૅન્કે જણાવ્યું છે.
ચીનના એક સટ્ટોડિયાનું નિકલમાં વેચાણ પકડાયા બાદ લંડન મેટલ એક્સ્ચેંજે નિકલમાં સોદા થંભાવી દીધા.
પહેલા 8 માર્ચના રોજ નિકલના ભાવ 1,00,000 ડૉલર પ્રતિ ટનને આંબી ગયા હતા. આ ઘટના બાદ લંડન મેટલ એક્સ્ચેંજે થોડા સપ્તાહ માટે નિકલની લેવેચ અટકાવી દીધી હતી.
 હાલમાં લંડન મેટલ એક્સ્ચેંજ પર નિકલના ત્રિમાસિક કોન્ટ્રાક્ટ 24,950 ડૉલર પ્રતિ ટન બોલાય છે. નિકલની કેશ ડિલિવરી માટે પણ આ જ ભાવ ચાલે છે. આ વર્ષે નિકલના સરેરાશ ભાવ અત્યાર સુધીમાં 27,912 ડૉલર રહ્યાં છે. વાર્ષિક ધોરણે નિકલના ભાવ 35 ટકા વધ્યા છે. ગત સપ્તાહમાં શાંધાઈ ફ્યૂચર એક્સ્ચેંજ પર નિકલના ભાવ 5 ટકા ઘટી ગયા હતા.
 ફિચ સોલ્યુશન્સે એવી આગાહી કરી છે કે 2022માં નિકલના ભાવ 27,500 ડૉલર સુધી જઈ શકે અને ત્યારબાદ તે 2023માં તેના ભાવ ઘટીને 24,000 ડૉલર સુધી જઈ શકે. જોકે, વર્લ્ડ બૅન્કના અંદાજ મુજબ 2023માં નિકલના ભાવ 20 ટકા ઘટી શકે.
યુક્રેનના યુદ્ધને કારણે વિક્રમી ઊંચાઈ પર પહોંચેલા નિકલના ભાવ ત્યાર બાદ ચીનના લૉકડાઉનને કારણે તેની માગ ઘટી જતાં તુટી ગયા હતા.
આગામી સમયમાં નિકલનો પુરવઠો વધશે તેની સામે તેની માગ ઓછી છે તેથી ભાવ ઘટશે, એમ ફિચે કહ્યું હતું.
ઈન્ડોનેશિયા કદાચ 70 ટકાથી ઓછા નિકલવાળી કાચી ધાતુની નિકાસ પર કરવેરા લગાડે એવા અટકળોથી નિકલના ભાવ વધી શકે. તેવું તેના એક અધિકારીએ જણાવ્યું 
હતું, જોકે, આ બાબતની હજી સુધી સત્તાવાર જાહેરાત નથી થઈ, એમ આઈએનજી થિન્ક ટેન્કે જણાવ્યું હતું.
મુખ્યત્વે ચીનમાં સ્ટીલનું ઉત્પાદન ધીમું પડયું છે કે જેમાં 70 ટકા નિકલ વપરાય છે. જોકે, નિકલ વાળી બેટરીનું ઉત્પાદન વધતું જાય છે, એમ વિશ્વ બૅન્કે જણાવ્યું છે. સ્ટેનલેસ સ્ટીલ પછી નિકલનો સૌથી વધુ વપરાશ નિકલવાળી બેટરીમાં થાય છે. 2019માં તેમાં નિકલનો વપરાશ ફક્ત 4 ટકા હતો તે 2021માં વધીને 13 ટકા જેટલો થઈ ગયો હતો.
31 મે ના રોજ ચીનની સરકારે નવાં પ્રોત્સાહક પગલાં જાહેર કર્યાં ત્યારબાદ હવે ત્રીજા ત્રિમાસિકમાં નિકલના ભાવ અત્યાર કરતાં વધશે. ચીનના કેટલાંક પ્રોત્સાહક પગલાં જેવા કે કારમાલિકોની સંખ્યા વધારવી, કેટલાંક વાહનોની ખરીદી પર વેરા ઘટાડવા તેમ જ માળખાગત બાંધકામ વધારવા માટેનું પ્રોત્સાહન વગેરેને કારણે નિકલની માગ વધશે તેવી આશા છે, એમ ફિચે કહ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer