મહારાષ્ટ્રમાં સપ્તાહ અંતે સત્તા પરિવર્તન? બળવાખોર વિધાયકોની સંખ્યા 51 થઈ

મહારાષ્ટ્રમાં સપ્તાહ અંતે સત્તા પરિવર્તન? બળવાખોર વિધાયકોની સંખ્યા 51 થઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 જૂન
આવતા રવિવાર સુધી મહારાષ્ટ્રના રાજકારણમાં સત્તા પરિવર્તન થવાના અહેવાલો વચ્ચે શિવસેના, એનસીપી, કૉંગ્રેસની મહાવિકાસ આઘાડી સરકાર સત્તા બચાવવા માટે હજી ચોક્કસ રણનીતિને ઘડી શકી નથી અને બીજી તરફ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરનાર એકનાથ શિંદેના સમર્થક વિધાયકોની સંખ્યા 51 સુધી પહોંચી ગઈ છે.  શિવસેનાના 20 વિધાયકો ઠાકરે સાથે સંપર્કમાં હોવાના દાવાને એકનાથ શિંદેએ પડકારી જણાવ્યું છે કે તે વીસ વિધાયકોની યાદી તમે જાહેર કરો કારણ કે 51માંથી એક પણ વિધાયક સરકારને ટેકો આપવા તૈયાર નથી અને તેઓ સ્વખુશીથી ગૌહાટીમાં રોકાયા છે અને તેઓ ખુદ મુંબઈ ટૂંક સમયમાં પાછા ફરશે.
દરમિયાન, ભાજપ સમગ્ર ઘટનાક્રમ ઉપર બારીકાઈથી નજર રાખી રહ્યો છે અને પક્ષના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જવા રવાના થયા છે. શિવસેનાના 16 વિધાયકોને ગેરલાયક ઠેરવવા સામે સુપ્રીમ કોર્ટે રાજ્ય વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને નોટિસ ફટકારી કેસની સુનાવણી 12 જુલાઈ ઉપર મુલતવી રાખી છે. 
દરમિયાન રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના વિજાપુર બેઠકના શિવસેનાના બળવાખોર વિધાયક રમેશ બોરનરેએ આજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને જણાવ્યું કે, એકનાથ શિંદે તેમના નેતા છે અને તેઓ અમને કોઈ નુકસાન થવા દેશે નહીં.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer