ગૅસ મોંઘો થતાં કાર અને રિક્ષાવાળાઓની સમસ્યામાં વધારો

અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 5 ઓગસ્ટ
શહેરમાં સીએનજી ગેસની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. અદાણી ગ્રૃપ દ્વારા સીએનજી ગેસના ભાવ પ્રતિકિલોએ રૂપિયા 1.99નો વધારો કરાયા બાદ ગુજરાત ગેસ પણ સીએનજીના ભાવમાં ગમે ત્યારે વધારે ઝીંકશે તેવી દહેશત છે. એવામાં કાર અને રીક્ષાચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. એક સમય એવો હતો જ્યારે પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા હતા ત્યારે વાહનચાલકોએ પોતાની કારમાં સીએનજી કીટ ફીટ કરાવતા હતા આજે પેટ્રોલ અને સીએનજીનો ભાવ લગભગ એકસરખો થયો હોવાથી વાહનચાલકો સીએનજી કીટ ફીટ કરાવવાનો વિચાર માંડી વાળતા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.  
અગાઉ સીએનજી ભાવ રૂપિયા 83.90 પ્રતિકિલો હતો. જે વધીને પ્રતિકિલો રૂપિયા 85.89 ઉપર પહોંચ્યો છે. આ પ્રકારના ભાવ વધારાના કારણે ગાડીમાં સીએનજી કીટ ફીટ કરાવનારા સંખ્યામાં ઘટાડો થયો છે. તો બીજી તરફ પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના કારણે વાહન ચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા જીવન જરૂરિયાત તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે. પેટ્રોલ, ડિઝલ, એલપીજીમાં ભાવ વધારાને કારણે મોંઘવારી વધી છે. સીએનજીના ભાવ વધારાને લીધે પણ આગામી દિવસોમાં ફરી એક વખત રીક્ષાચાલકો ભાવવધારો કરે તેવી સંભાવના છે તો સીએનજીથી ચાલતા ગુડ્સ ટેમ્પો પણ તેના માલવાહક ભાડામાં વધારો કરે તેમ છે. જેના કારણે ચીજવસ્તુઓ મોંઘી થઇ શકે છે. સીએનજીથી ચાલતી સ્કૂલ વેનના ભાડામાં પણ વધારાના સંકેત વાહનચાલકોએ આપ્યા છે.  
ગુજરાત મોટર્સના ઓર્નર શૈલેષભાઇ પટેલ જણાવે છે કે, મોંઘવારી સામાન્ય જનતા પર ચારે બાજુથી વાર કરી રહી છે. પેટ્રોલ, ડિઝલ, રાંધણ ગેસ, સિંગતેલ, શાકભાજી, ફળો વગેરેના ભાવ સતત વધી રહ્યા છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારા બાદ સીએનજીના ભાવમાં પણ થોડા થોડા દિવસે ભાવ વધારો થઇ રહ્યો છે. સીએનજીના ભાવ પેટ્રોલ નજીક પહોંચી રહ્યા છે. જેના કારણે હવે કારમાં સીએનજી કીટ ફિટ કરાવનારની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.  
અગાઉ વાહનચાલકો સીએનજી પેટ્રોલ અને ડિઝલ કરતા સસ્તુ પડતું હોવાથી પોતાની કારમાં સીએનજી કીટ ફીટ કરાવતા હતા. પરંતુ પાછલા કેટલાક સમયમાં આ ટ્રેન્ડ બદલાયો છે. જ્યારથી બીએસ6 એન્જિનવાળી ગાડીઓ આવી છે ત્યારથી અનેક લોકોએ કંપની ફીટેડ સીએનજી કીટવાળી કાર ખરીદી રહ્યા છે તો જૂની કારમાં સીએનજી કીટ ફીટ કરાવવાનું કેટલાકે ઘટાડ્યું છે. જેના કારણે અમારા કામને અસર પહોંચી છે. ગત વર્ષથી અત્યાર સુધીમાં સીએનજીના ભાવમાં અનેક વખત વધારો થયો છે. કંપની ફિટેડ સીએનજી કાર ગ્રાહકો ખરીદી કરે તો એક લાખ રૂપિયા વધારે આપવા પડે છે. જ્યારે બહારથી સીએનજી કારમાં ફિટ કરાવો તો રૂપિયા 55 થી 70 હજાર સુધીનો ખર્ચ થાય છે. 
ગાડી ચલાવનાર કૃણાલભાઇ પટેલ જણાવે છે કે, દરરોજ 40 કિલો મીટરનું અવરજવર થાય છે. જેથી સીએનજી કાર ખરીદી હતી. પરંતુ છેલ્લા 1 વર્ષથી પેટ્રોલ અને સીએનજીના ભાવમાં થોડો જ ફરક પડે છે. અને છેલ્લા ચાર મહિનાથી સીએનજીના ભાવમાં થોડા થોડા દિવસે ભાવ વધારો થવાને કારણે સીએનજીના ભાવ પેટ્રોલ નજીક પહોંચી ગયા છે. જેને લઇ નાના માણસોની હાલત કફોડી બની છે.   
ઓમ મોર્ટસના દિવ્યકાંત પટેલ જણાવે છે કે, દરેક ચીજ વસ્તુઓ તથા માલસામાન પર ફુગાવાની અસર વર્તાઇ રહી છે. સીએનજીના ભાવ અને પેટ્રોલના ભાવમાં કોઇ ખાસ ફરક નથી. પેટ્રોલ ગાડી ચલાવી ગ્રાહકોને સરળ પડે એમ છે. પેટ્રોલ ગાડીમાં સ્પીડ અને એન્જિન ખરાબ ઓછું થતું હોવાથી ગ્રાહકો એવું વિચારીને પણ જુની પેટ્રોલ ગાડી સીએનજી કરાવી રહ્યા નથી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer