ઈડીએ વઝીર એકસની રૂા.64 કરોડની બૅન્ક ડિપૉઝિટ્સ સ્થગિત કરી

એજન્સીસ
નવી દિલ્હી, તા. 5 અૉગસ્ટ
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ ક્રિપ્ટો કરન્સી એક્સ્ચેન્જ વઝીર એકસની સામેની મની લોન્ડરિંગ (નાણાકીય ગેરરીતિ)ની તપાસ દરમિયાન તેની રૂા. 64.67 કરોડની બૅન્ક ડિપોઝિટ સ્થગિત કરી છે.
ઈડીએ વઝીર એકસના માલિક અને ઝાન્માઈ લેબ પ્રા. લિ.ના ડિરેકટર વિરુદ્ધ 3 અૉગસ્ટના રોજ હૈદરાબાદમાં દરોડા પાડયા ત્યારે તેમણે કથિત રીતે સહકાર આપ્યો ન હતો. ભારતમાં ચાઈનીઝ કનેકશનવાળા સંખ્યાબંધ મોબાઈલ લોન એપ્લિકેશન ચાલે છે. તેમની વિરુદ્ધ ઈડીની તપાસ ચાલી રહી છે અને તેના અનુસંધાનમાં ક્રિપ્ટો કરન્સી એક્સ્ચેન્જ વઝીર એકસની તપાસ ચાલુ છે. ઈડીએ આરોપ મૂક્યો હતો કે વઝીર એકસે ગત વર્ષે ફોરેન એક્સ્ચેન્જ મૅનેજમેન્ટ એકટ (ફેમા)નો ભંગ કર્યો હતો.
વઝીર એકસના ડિરેકટર સમીર મ્હાત્રે પાસે વઝીર એકસના ડેટાબેઝનો સંપૂર્ણ કંટ્રોલ હતો. આમ છતાં ઈન્સ્ટન્ટ લોન એપના કૌભાંડના નાણાંથી તેણે જે ક્રિપ્ટો એસેટે ખરીદી તેની કોઈ વિગત આપી ન હતી. તેમની પાસે ગ્રાહકોની જાણકારી (કેવાયસી) કે મિસિંગ ક્રિપ્ટો એસેટની જાણકારી ન હતી. કંપનીએ ક્રિપ્ટો એસેટની જાણકારી મેળવવાની કોઈ દરકાર કરી ન હતી, એમ ઈડીએ જણાવ્યું છે.
ગ્રાહકોની સંદિગ્ધ વિગતો અને એન્ટિ મની લોન્ડરિંગના કાયદાના ઉલ્લંઘન દ્વારા તેમને લગભગ 16 જેટલી નાણાં કંપનીઓને તેમના ગુનાહિત કાર્ય વડે મેળવેલા નાણાંનું ક્રિપ્ટોમાં રોકાણ કરાવીને નાણાકીય ગેરરીતિ આચરી હોવાનો આરોપ છે.
આ કારણોસર ઈડીએ વઝીર એકસની રૂા. 64.67 કરોડની સ્થાયી સંપત્તિ પ્રિવેન્શન અૉફ મની લોન્ડરિંગ એકટ અંતર્ગત સ્થગિત કરી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer