વેપારીઓની પકડથી ઘઉંના ભાવમાં તીવ્ર ઉછાળો

વેપારીઓની પકડથી ઘઉંના ભાવમાં તીવ્ર ઉછાળો
નવી દિલ્હી, તા. 5 ઓગસ્ટ
બજારોમાં ઘઉંની મજબૂત માગ તથા ધીમા પુરવઠાને કારણે તેના ભાવમાં વધારો થયો છે. અત્યારે ઘઉંના ભાવ રૂા. 2300 પ્રતિ ક્વિન્ટલ છે જે તેના ટેકાના ભાવ (એમએસપી) કરતાં લગભગ 14 ટકા ઊંચા છે.
ઘઉંની નિકાસની પ્રબળ શક્યતા જોઈને વેપારીઓએ ખેડૂતોને ટેકાના ભાવ કરતાં પણ વધુ ભાવ આપીને ઘઉં ખરીદ્યા હતા. હવે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ આવી જવા છતાં વેપારીઓએ ઊંચા ભાવની રાહ જોઈને માલ રાખી મૂકયો છે એટલે દેશની બજારોમાં ઘઉંનો પુરવઠો ઓછો આવે છે.
14 મે, 2022ના રોજ સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકયો ત્યારબાદ ઘઉંના ભાવ રૂા. 2150થી રૂા. 2175 પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યા છે. મોટાભાગના વેપારીઓએ નિકાસની શક્યતાને ધ્યાનમાં રાખીને એપ્રિલમાં, ઘઉંની પ્રાપ્તિની સિઝનમાં, ઘઉંના ટેકાના ભાવ રૂા. 2015 ઉપર લગભગ રૂા. 150થી રૂા. 200નું પ્રિમિયમ આપીને ઘઉં ખરીદ્યા હતા, તેમ રાજસ્થાનના એક વેપારીએ જણાવ્યું હતું.
સરકારે મે મહિનામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકયો ત્યારબાદ વેપારીઓ માલ વેચતા પહેલાં ઘઉંના ભાવ વધે એની રાહ જોઈ રહ્યા છે.
રોઈટરના અહેવાલ મુજબ ઘઉંના ભાવ ગત સપ્તાહે રૂા. 2,354 પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયા હતા, જે એક વિક્રમ છે.
મધ્યપ્રદેશના શિહોરના એક વેપારીએ જણાવ્યું હતું કે બજારમાં ઘઉંની ઓછી આવકને કારણે તેના બજાર ભાવ ટેકાના ભાવ કરતાં ક્વિન્ટલ દીઠ રૂા. 150થી રૂા. 165 વદુ ચાલે છે, હવે વેપારીઓએ નિકાસ માટે ખરીદેલા ઘઉં ધીરે ધીરે બજારમાં આવશે એટલે અૉગસ્ટની શરૂઆતમાં ઘઉંનો પુરવઠો વધશે. ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતે 35 લાખ ટન ઘઉંની નિકાસ કરી છે. 2021-22માં ભારતે 2 અબજ ડૉલરના 70 લાખ ટન ઘઉંની વિક્રમ નિકાસ કરી હતી, જ્યારે 2020-21માં ફક્ત 55 લાખ ડૉલરના 21 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી.
હાલમાં ભારત સાથે રાજદ્વારી સંબંધ ધરાવતા કોઈ દેશમાં ઘઉંની વાસ્તવિક જરૂરિયાત હોય તો રાજકીય ધોરણે ઘઉંની નિકાસ થાય છે.
માર્ચ મહિનામાં ઘઉંનો પાક પાકવાની તૈયારીમાં હતો ત્યારે ગરમીનું મોજું ફરી વળતાં ઘઉંનો પાક ઓછો આવ્યો હતો. આ ઉપરાંત ચાલુ વર્ષે ઘઉંની ઓછી પ્રાપ્તિને કારણે ફૂડ કોર્પોરેશન અૉફ ઈન્ડિયા (એફસીઆઈ)એ ખુલ્લા બજારમાં ઘઉં વેચ્યા ન હતા.
2022-23ના એપ્રિલથી જૂન સુધીના રવિ પાક વર્ષમાં એફસીઆઈની ઘઉંની પ્રાપ્તિ 56.6 ટકા ઘટીને 187 લાખ ટન થઈ હતી, જે ગત વર્ષે 433 લાખ ટન હતી. ઘઉંના ઓછા પાકને કારણે તેની પ્રાપ્તિ ઘટી ગઈ હતી.
1 જુલાઈના રોજ દેશના કેન્દ્રીય સંગ્રહમાં 285 લાખ ટન ઘઉંનો જથ્થો હતો. સામાન્ય રીતે 275 લાખ ટન ઘઉંનો જથ્થો અનામત રાખવામાં આવે છે તેના કરતાં આ થોડો વધુ છે. જોકે દેશમાં 2008 પછી ઘઉંનો આ સૌથી ઓછો જથ્થો છે.
અન્ન મંત્રાલયના અહેવાલ મુજબ 2021-22 (જુલાઈથી જૂન)ના પાક વર્ષમાં ઘઉંનો પાક લગભગ 3 ટકા ઘટીને 10.6 કરોડ ટન થયો હતો, જે ગત વર્ષે 10.9 કરોડ ટન હતો.
વેપારીઓના અંદાજ મુજબ ચાલુ વર્ષે ઘઉનો પાક લગભગ 9.8થી 9.9 કરોડ ટન થશે.
તેની સામે ઘઉંનો સ્થાનિક વપરાશ 8.6થી 8.8 કરોડ ટન હોવાથી ઘઉંની બજાર ગરમ છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer