રાજ્યની નવી ઔદ્યોગિક નીતિ ચૂંટણી પછી આવવાની શક્યતા

સરકાર ઉદ્યોગકારોની નારાજગીની અસર ચૂંટણીમાં જોવા ઈચ્છતી નથી  
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 20 સપ્ટે. 
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે બહુ ઓછા દિવસો રહ્યા છે ત્યારે ગુજરાતમાં શાસક ભારતીય જનતા પાર્ટીએ ઔદ્યોગિક નીતિમાં નોંધપાત્ર ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. નવી નીતિમાં જીએસટી વળતર તથા અન્ય નાણાંકીય ઇન્સેન્ટિવ પણ આપવામાં આવે તેવું ચર્ચાઇ રહ્યંy છે.
ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ, નાના અને મધ્યમ ઉદ્યોગ (એસએમઈ) તરફ પૂરતું ધ્યાન નહી આપવામાં આવે તો અસંતોષ સર્જાઈ શકે છે, જેની સીધી અસર ચૂંટણી પર પડી શકે છે. તેથી સરકાર આ મુદ્દે ચૂંટણી પછી વિચારણા કરી શકે.   
ઉદ્યોગ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્યોગોમાં મોટા પાયે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. જીઆઇડીસીમાં હાલમાં પ્લોટની ટ્રાન્સફર ફી તેમ જ પેનલ્ટી ખૂબ જ વધારે છે. ઉપરાંત કોઇ ઉદ્યોગકારને જરૂર પડ્યે તેના એકમની બાજુનો પ્લોટ જોઇતો હોય તો તે તેને હરાજી મારફતે મેળવવો પડે છે ત્યારે સવાલ થાય કે જીઆઇડીસીની રચના નફાકારક યુનિટ તરીકે નહી પરંતુ ઉદ્યોગને મદદ કરવા માટે થયેલી છે તો આવા પ્લોટ લેવા માટે હરાજી કરવાની જરૂર શું છે. વાસ્તવમાં આવા પ્લોટ ભાવોભાવ આપવા જોઇએ.  
એ ઉપરાંત ઉદ્યોગોમાં ફેલાતા પ્રદૂષણને રોકવા માટે ડીપ સી લાઇનની સરકાર મંજૂરી આપતી નથી. આ મંજૂરી નહી મળે તો ઉદ્યોગો પડી ભાંગશે, એવો ભય સૂત્રોએ વ્યક્ત કર્યો હતો. 
સૂત્રો જણાવે છે કે ઔદ્યોગિક કમિશનર પાસે કોઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ નથી. તેથી કોઇ પ્રોજેક્ટ પાસ થતા નથી. આ બધું સ્થગિત થઇ ગયું છે. 
નવી નીતિમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું ભંડોળ ઉપલબ્ધ અને ઝડપી બનાવવું જોઇએ. નહી તો ઇન્ફ્રાસ્ટ્રક્ટર વિકસશે નહી. તેમાં કેમિકલ માટે સીઇટીપી, સોલિડ વેસ્ટનો પણ ઉમેરો કરવો જોઇએ.  
ઉદ્યોગકારોનો એક વર્ગ એવું પણ માની રહ્યો છે કે સૌથી વધુ અગત્ય વાત એ છે કે જીઆઇડીસી તેમ જ જીપીસીબીની કમિટીમાં ઉદ્યોગપતિઓનો સમાવેશ કરવો જોઇએ. બંધબારણે નીતિ ઘડવાથી કોઇ અર્થ સરશે નહી.  
નવી ઔદ્યોગિક નીતિમાં એમએસએમઇ કે એસએમઇની માગ સંતોષાશે નહી તો તેનાથી મોટી સંખ્યામાં ઔદ્યોગિક લોબી નારાજ થઇ શકે છે. તેનું જોખમ સરકાર લે તેમ લાગતું નથી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer