તેલ પરના વિન્ડફોલ ટૅક્સની પુન:વિચારણા જરૂરી : તેલ મંત્રાલય

પીટીઆઈ
નવી દિલ્હી, તા. 20 સપ્ટે.
તેલ મંત્રાલયે આશરે અઢી મહિના પહેલાં સ્થાનિક ક્રૂડતેલના ઉત્પાદન પર કેન્દ્ર સરકારે નાખેલા વિન્ડફોલ પ્રોફિટ ટૅક્સની  પુન:વિચારણા કરવાની માગણી કરી છે. તેનું કહેવું છે કે આ ટૅક્સ દેશમાં ક્રૂડ તેલનું સંશોધન અને ઉત્પાદન કરવા માટેના કરારોમાં કરવેરાની સ્થિરતા વિશે જે ખાતરીઓ આપવામાં આવી છે તેની વિરુદ્ધમાં છે.
તેલ મંત્રાલયે 12 અૉગસ્ટે લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે જે તેલ કંપનીઓ સાથે પ્રોડક્શન શેરિંગ કૉન્ટ્રાક્ટ્સ (પીએસસી) અને રેવન્યુ શેરિંગ કૉન્ટ્રાક્ટસ (આરએસસી) કરવામાં આવ્યા હોય તેનાં તેલક્ષેત્રો અને બ્લોકને વિન્ડફોલ પ્રોફિટ ટૅક્સમાંથી બાકાત રાખવા જોઈએ.
તેલ મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં વિવિધ ક્ષેત્રોમાં ક્રૂડતેલ અને ગૅસનું સંશોધન અને ઉત્પાદન કરવા માટે સરકારે 1990થી જુદાજુદા કૉન્ટ્રાક્ટ આપ્યા છે. જેમાં સરકારને રોયલ્ટી અને સેસ મળે છે અને અગાઉથી નક્કી કર્યું હોય તેટલા પ્રમાણમાં નફામાં ભાગ પણ મળે છે. જે કંપનીઓ દેશમાં ક્રૂડતેલ અને ગૅસનું સંશોધન અને ઉત્પાદન કરે છે તેમની સાથે સરકારે કરાર કર્યા છે કે જેમ તેલ અને ગૅસના ઉત્પાદનમાં નફો વધતો જાય તેમ કેન્દ્ર સરકારનો નફો પણ વધતો જાય.
ભારતે 1 જુલાઈથી વિન્ડફોલ પ્રોફિટ ટૅક્સ નાખ્યો છે. વિશ્વમાં તેલ કંપનીઓ પર ખાસ વેરો નાખતા દેશોની સંખ્યા વધતી જાય છે. પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ (એટીએફ)ની નિકાસ પર સરકારે વેરા નાખ્યા છે ઉપરાંત દેશમાં ઉત્પન્ન થતાં ક્રૂડ રેલ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડયૂટી (એસએઈડી) નાખવામાં આવી છે.
શરૂઆતમાં સ્થાનિક ક્રૂડતેલના ઉત્પાદન પર પ્રતિ ટન રૂા. 23,250 એસએઈડી (પ્રતિ બેરલ 40 ડૉલર) નાખવામાં આવી હતી. ત્યાર બાદ પખવાડિક પુનરાવલોકનમાં એસએઈડી ઘટાડીને પ્રતિ ટન રૂા. 10,500 કરવામાં આવી હતી.
સરકારની માલિકીના અૉઇલ ઍન્ડ નેચરલ ગૅસ કૉર્પોરેશન (ઓએનજીસી) અને અૉઇલ ઇન્ડિયા લિમિટેડ (અૉઇલ)એ તેલવાયુના ઉત્પાદન પર સરકારને 10થી 20 ટકા રોયલ્ટી અને 20 ટકા અૉઇલ સેસ ચૂકવવો પડે છે.
આ ઉપરાંત સરકારને પીએસસી અંતર્ગત તેલવાયુનો ઉત્પાદન ખર્ચ બાદ કર્યા પછીના ચોખ્ખા નફામાં 50થી 60 ટકાનો ભાગ મળે છે. આરએસસી અંતર્ગત પણ સરકારને તેનો નક્કી કરેલો ભાગ મળે છે.
અગાઉ કેન્દ્ર સરકારે, તેલવાયુ ઉત્પાદન કરતી કંપનીઓ સાથે જે કરાર કર્યા તેમાં નાણાકીય સ્થિરતાની ખાતરી આપવામાં આવી છે. એટલે કે કોઈપણ નવા કાયદાને કારણે કંપનીના નફાને વિપરીત અસર થાય તો કરારની શરતોનું પુનર્ગઠન કરવામાં આવી શકે. તેલવાયુ ઉત્પાદન કરતી કંપનીઓએ સરકારને કરારનું પુનરાવલોકન કરવાની વિનંતી 
કરી છે.
તેલમંત્રાલય એવું સ્પષ્ટપણે માને છે કે દેશમાં તેલવાયુના ક્ષેત્રોના સંશોધન માટે આક્રમક મૂડીરોકાણની તાત્કાલિક જરૂર છે.
જે કંપનીઓ સાથે અગાઉ પીએસસી અને આરએસસી કૉન્ટ્રાક્ટ થઈ ગયા છે તેવી કંપનીઓના તેલવાયુ ક્ષેત્રોને નવો વિન્ડફોલ પ્રોફિટ ટૅક્સ ભરવામાંથી મુક્તિ આપવી જોઈએ.
સરકારી કંપની ઓએનજીસી અને અૉઇલ, તેમ જ ખાનગી ક્ષેત્રની કંપની વેદાંતે સરકારને જણાવ્યું છે કે નવો ટૅક્સ તેમના નફાને અને રોકાણને ખરાબ અસર કરે છે માટે તેની પુન:વિચારણા કરવી જરૂરી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer