ટેક્નિકલ ટેક્સ્ટાઈલ્સ ક્ષેત્ર માટે 23 યોજનાને મંજૂરી

એજન્સીસ
નવી દિલ્હી, તા. 20 સપ્ટે.
`નેશનલ ટેક્નિકલ ટેક્સ્ટાઈલ્સ મિશન' પ્રોગ્રામ હેઠળ કેન્દ્રીય ટેક્સ્ટાઈલ્સ પ્રધાન પીયૂષ ગોયલની અધ્યક્ષતાપદ હેઠળ રૂા. 60 કરોડના 23 સ્ટ્રેટેજિક રિસર્ચ પ્રોજેક્ટસને મંજૂરી આપવામાં આવી છે. આમાં સ્પેશિયાલિટી ફાઈબર, સસ્ટેઈનેબલ ટેક્સ્ટાઈલ્સ, જીઓ ટેક્સ્ટાઈલ્સ, મોબીલટેક અને સ્પોર્ટસ ટેક્સ્ટાઈલ્સ જેવાં ક્ષેત્રોના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.
આ 23 રિસર્ચ પ્રોજેક્ટોમાંથી 12 પ્રોજેક્ટો સ્પેશિયાલિટી ફાઈબરના છે, જેનો ઉપયોગ કૃષિ, સ્માર્ટ ટેક્સ્ટાઈલ્સ, હેલ્થકેર, સ્ટ્રેટેજીક એપ્લિકેશન, પ્રોટેક્ટિવ ગીઅર્સ ક્ષેત્રે થઈ શકે છે. ચાર પ્રોજેક્ટો સસ્ટેઈનેબલ ટેક્સ્ટાઈલ્સના છે, જેનો ઉપયોગ કૃષિ અને હેલ્થકેર ક્ષેત્રે થાય છે. વધારાના પાંચ પ્રોજેક્ટસ જીઓ ટેક્સ્ટાઈલ્સ, એક મોબીલટેક અને એક સ્પોર્ટસટેકને લગતા છે.
કેન્દ્રીય ટેક્સ્ટાઈલ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારતમાં જે ક્ષેત્રોમાં ટેક્નિકલ ટેક્સ્ટાઈલ્સ લાગુ થઈ શકે ત્યાં સંશોધન અને વિકાસ ક્ષેત્રની વૃદ્ધિ માટે ઉદ્યોગ, બૌદ્ધિકો, વૈજ્ઞાનિકો, સંશોધકોનો સહયોગ અતિ આવશ્યક છે. ટેક્નિકલ ટેક્સ્ટાઈલ ક્ષેત્રે ટેક્નૉલૉજી વિકસાવવામાં રહેલા ગાળાને પૂરવા જરૂરી છે.
ભારતની ટેક્સટાઈલ અને એપરલની નિકાસ 2021-22માં (હેન્ડી ક્રાફટ્સ સહિત) 41 ટકા વધીને 44.4 અબજ ડૉલરની થઈ છે. કોટન એસેસરીઝ સહિત રેડીમેઈડ ગાર્મેન્ટસની નિકાસ 2021-22માં 6.19 અબજ ડૉલરની થઈ હોવાની ઇન્ડિયન બ્રાન્ડ ઈક્વિટી ફાઉન્ડેશને જણાવ્યું છે.
2022-23ના કેન્દ્રીય અંદાજપત્રમાં ટેક્સ્ટાઈલ ક્ષેત્ર માટે કુલ ફાળવણી રૂા. 12,382 કરોડની કરાઈ હતી. આનો હેતુ વિશ્વની ટેક્નિકલ ટેક્સ્ટાઈલ માર્કેટમાં ભારતને એક અગ્રણી હરોળના રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરવાનો છે.
 ભારત સરકારે ટેક્નિકલ ટેક્સ્ટાઈલ ક્ષેત્રના સંશોધન અને વિકાસ માટે જ રૂા. 1000 કરોડ ફાળવ્યા હતા.
સરકારે પ્રોડકશન-લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ ટેક્સ્ટાઈલ પ્રોડકટસ જેવા મેન-મેઈડ ફાઈબર એપરલ, મેન મેઈડ ફાઈબર ફેબ્રિક્સ, ટેક્નિકલ ટેક્સ્ટાઈલ્સ માટે મંજૂર કરી છે. તેનો હેતુ ભારતની ઉત્પાદનક્ષમતા અને નિકાસ વધારવાનો છે. આમાં પાંચ વર્ષના ગાળા માટે રૂા. 10,683 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer