પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાની સરકારી હિલચાલ પ્રત્યે કંપનીઓ સાશંક

પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાની સરકારી હિલચાલ પ્રત્યે કંપનીઓ સાશંક
નવી દિલ્હી, તા. 2 એપ્રિલ
એક જ વાર વપરાશમાં લેવાતા (સિંગલ-યુઝ) પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાની કેન્દ્ર સરકારની યોજના પ્રત્યે વપરાશકાર કંપનીઓ શંકા અને અવિશ્વાસ સેવે છે. કેટલીક ગ્રાહકોન્મુખ કંપનીઓ તેમ જ પૅકેજિંગ ઉદ્યોગના અધિકારીઓ આ વિશે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવાના છે. તેઓ વિવિધ રાજ્યોના નિયમો વચ્ચેની વિસંગતિ તેમ જ વૈકલ્પિક સાધનોના ઊંચા ખર્ચ પર ભાર મૂકવાના છે.
`કેટલાક પ્રસ્તાવિત સુધારાઓ નાના અને મધ્યમ એકમો સહિત સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્રો માટે ભારે પ્રતિકૂળ છે અને કોરોના મહામારીમાંથી બેઠા રહેલા અર્થતંત્રની સુધારણાને પાટા પરથી ઉતારી દે તેવા છે,' એમ પરફેટ્ટી વાન મેલે ઇન્ડિયાના મૅનેજિંગ ડિરેક્ટર રાજેશ રામકૃષ્ણને કહ્યું હતું.
ઉદ્યોગજગતને વિશ્વાસ છે કે તેણે વ્યક્ત કરેલી ચિંતાઓ વિશે સરકાર સહાનુભૂતિપૂર્વક વિચાર કરશે, એમ તેમણે ઉમેર્યું હતું.
પૅકેજિંગ ઉદ્યોગના પ્રતિનિધિઓએ કહ્યું કે, દેશભરમાં કેન્દ્ર સરકારના એક જ કાયદાનો અમલ થવો જોઈએ જેથી પ્રતિબંધના અમલમાં અવરોધો આવતા નિવારી શકાય.
`િસંગલ-યુઝ પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ પાંચ વર્ષથી અમલમાં છે, પરંતુ પ્રત્યેક રાજ્ય પ્રતિબંધિત વસ્તુઓની અલગ યાદી બનાવે છે અને પોતાના આગવા નિયમો ઘડે છે. પરિણામે ઉદ્યોગો માટે વિવિધ રાજ્યોમાં ભારે સમસ્યાઓ સર્જાય છે અને તેમણે વિવિધ સરકારી વિભાગો, પોલીસ અને મ્યુનિસિપલ કૉર્પોરેશનની દયા પર જીવવાનો વારો આવે છે.' એમ પૅકેજિંગ કંપની મંજુશ્રી ટેક્નોપૅકના મૅનેજિંગ ડિરેક્ટર વિમલ કેડિયાએ કહ્યું હતું.
જ્યારે બિસ્કિટ-ચોકલેટ જેવા આવેગમય ખરીદી પર આધારિત ઉદ્યોગો ગયે વર્ષે શહેરી વિસ્તારોમાં ધંધો અડધો થઈ જવાના પ્રહારમાંથી બહાર આવવા મથામણ કરી રહ્યા છે તેવે વખતે પ્લાસ્ટિક પ્રતિબંધના નિયમો આવી પડયા છે.
પર્યાવરણ મંત્રાલયે ગતસપ્તાહે જાહેર કરેલા ડ્રાફ્ટ નિયમનો અનુસાર પ્લાસ્ટિકની સિંગલ-યુઝ કેન્ડિસ્ટિક્સ તથા આઈક્રીમ સ્ટિક્સ પર 1 જાન્યુઆરી 2022થી પ્રતિબંધ આવશે અને આવતા વર્ષની 1 જુલાઈથી પ્લાસ્ટિકની સિંગલ-યુઝ પ્લેટ્સ, કપ, ગ્લાસ, કટલરી તેમ જ મીઠાઈના બોક્સ અને સિગારેટના પાકિટ ફરતે વીંટાળાતાં આવરણોનો ઉપયોગ પ્રતિબંધિત બની જશે. 
આઈક્રીમ ઉત્પાદકોમાં આ નિયમો પાતળા નફે કામ કરી રહેલા નાના ઉત્પાદકોને અસર કરશે કેમ કે સંગઠિત ક્ષેત્રની મોટી કંપનીઓ હવે લાકડાની સળીઓ/ચમચીઓ વાપરે છે.
તે ઉપરાંત સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરનારી છ ચીજો-પ્લાસ્ટિક સ્ટીકવાળાં ઈયરબડ્ઝ, ફુગ્ગા, પ્લાસ્ટિકના ઝંડા અને ડેકોરેશનમાં વપરાતો થર્મોકૉલ- ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. સપ્ટેમ્બરથી પૉલિથિન બૅગની જાડાઈ 50 માઈક્રોનથી વધારીને 120 માઈક્રોન કરવાનો પણ પ્રસ્તાવ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer