બૅન્કોના ખાનગીકરણ મુદ્દે કર્મચારીઓ દ્વારા જલદ પગલાંની શક્યતા

અૉલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયીઝ ઍસોસિયેશનની બેઠકમાં ચર્ચા
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 6 એપ્રિલ
 કેટલીક બૅન્કોના ખાનગીકરણ સામે બૅન્ક કર્મચારીઓ છેલ્લાં લાંબા સમયથી સરકારની સામે વિરોધ કરી રહ્યા છે. કર્મચારીઓ હવે આ આંદોલનને વધુ તીવ્ર બનાવવા જઇ રહ્યા છે. ગત રવિવારે અૉલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયીઝ ઍસોસિયેશન (એઆઇબીઇએ)ના આશરે 235 જેટલા સભ્યોની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી, જેમાં આ મુદ્દે લાંબી હડતાળ પાડવાનો વધુ જલદ નિર્ણય લેવાયો હતો. માર્ચમાં તા. 15 અને 16 તારીખે પાડવામાં આવેલી બૅન્ક હડતાળમાં આશરે દશ લાખ જેટલા કર્ચારીઓ જોડાયા હતા.  
એઆઇબીઇએના ગુજરાતના ચૅરમૅન રાગેશ સરૈયા જણાવ્યું હતુ કે અમે દેશભરના રાષ્ટ્રીય સંગઠનો સાથે બેઠક યોજી હતી, જેમાં આગામી સમયમાં આંદોલન તેજ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશના જેટલા પણ બૅન્કોના સંગઠનો છે જે બધાં સાથે મળી કેન્દ્ર સરકાર સામે આંદોલન કરશે. હડતાળની તારીખની કોઇ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.  
ઍસોસિયેશનના અનુસાર જાહેર ક્ષેત્રની બૅન્કો શિક્ષિત યુવાનોને કાયમ માટે રોજગારી પૂરી પાડે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે નવી ખાનગી બૅન્કોના કર્મચારીઓની હાલત કેવી છે. બૅન્કોમાં નોકરીની કોઈ ગેરંટી નથી. ખાનગીકરણના કારણે યુવા કામદારો ગુલામ બનશે. નાણાપ્રધાન સીતારામને 2021-22ના અંદાજપત્રની રજૂઆતમાં જણાવ્યું હતુ કે સરકાર આઇડીબીઆઇ તેમ જ અન્ય બે બૅન્કોમાં પોતાનો હિસ્સો વેચશે. જે કર્મચારીઓ માટે મુશ્કેલી સર્જશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer