વાપીના ઉદ્યોગકારો ઇચ્છે છે એક વર્ષનો ટૅક્સ હૉલીડે

અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત તા. 8 જૂન 
કોરોનાની પહેલી લહેર વખતે સર્જાયેલી ખાના-ખરાબી કરતા પણ વધુ મુશ્કેલીઓ બીજી લહેર વખતે ઉદ્યોગોને નડી છે. કેન્દ્ર સરકાર સમગ્ર વર્ષ ટેક્સ-હોલિડે જાહેર કરે તેવી માગ વાપીના ઉદ્યોગકારોએ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સમક્ષ કરી છે.  પિયુષ ગોયલની અધ્યક્ષતામાં અને ગુજરાત ચેમ્બર અને ઇન્ડસ્ટ્રીઝ તથા ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન સાથે મળી એક વિડિયો કોન્ફ્રરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફ્રરન્સમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ કેમિકલ ક્લસ્ટરને રજૂ કર્યું હુતુ. 
તેમણે ટાંક્યું હતું કે, કોવિડની પ્રથમ લહેર દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારે આત્મનિર્ભર પેકેજ પ્રદાન કર્યું હતું જેને લીધે ઉદ્યોગો અને વેપારને ઘણી મદદ મળી હતી, પરંતુ આ વખતે વિનાશ વધુ તીવ્ર છે અને ઉદ્યોગના સભ્યોને પણ ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં  ઉદ્યોગને ટકાવી રાખવા ઓછામાં ઓછા એક વર્ષ માટે સંપૂર્ણ ટેક્સ હોલિડે આપવાની જરૂરિયાત છે.   
ઘણા ઉદ્યોગો ખાસ કરીને ટેક્સટાઇલ, ડાયઝ, ઇન્ટરમિડિએટ્સ ક્ષેત્રે કાર્યરત છે અને તેમાંના ઘણાએ માગના અભાવે તેમની ઉત્પાદન પ્રક્રિયા પણ બંધ કરી દીધી છે. આ ઉદ્યોગોને આ ગંભીર પરિસ્થિતિ દરમિયાન પણ આ યુટિલિટી બીલોના ન્યૂનતમ શુલ્ક ચૂકવવાની ફરજ પાડવામાં આવે છે, જે  ઉદ્યોગો ટકાવી રાખવા માટે મુશ્કેલ બનાવે છે. આવા ઔદ્યોગિક ક્ષેત્રને ખાસ માફી આપવા માટે યોગ્ય નીતિ તૈયાર કરવામાં આવે તેવી માગ ઉદ્યોગકારોએ કરી છે. 
કોરોના રોગચાળાની બીજી લહેર દરમ્યાન મેડિકલ ઓક્સિજનના સ્ટોકમાં અછતને કારણે કેન્દ્ર સરકારે ઉદ્યોગોના વપરાશ માટે ઓકિસજનની સપ્લાય કરવાની રોક લગાવી હતી. હાલ નવા  કેસની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે એટલે હવે ઉદ્યોગોને ઓક્સિજન આપવો જોઇએ. એમ થાય તો જ ઉત્પાદન શક્ય બને તેમ છે  ઓછામાં ઓછા ફાર્માસ્યુટિકલ્સ અને તેનાથી સંબંધિત ઉત્પાદનો જેવી આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદકોને  વપરાશ માટે ઓકિસજનની સપ્લાય કરવાની મંજૂરી વહેલામાં વહેલી આપવી જોઇએ. 
કંપનીઓમાં એન્વાયરમેન્ટ ઓડિટ પણ કરવામાં આવે છે, આ ઓડિટ જીપીસીબી દ્વારા એપ્રુવ કરેલ સિડ્યુલ ઓડિટર પાસે, દર વર્ષે ઉદ્યોગો દ્વારા કરાવવાનું રહેશે. આ કોરોના મહામારી અને લોકડાઉનના કારણે ઘણા બધા ઉદ્યોગો બંધ થઇ ગયા અથવા તો મંદ ગતિએ ચાલુ છે, જેના કારણે ઓડિટ માટેનું કામ આ વર્ષ પૂરતું રદ કરવાની માગ મંત્રી સમક્ષ કરાઇ હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer