હિંગની માગ અને આવક ઘટી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 4 જૂન
હિંગની માગમાં સ્થાનિક તેમ જ ઉત્પાદક મથકે ઘટાડો થયો છે. કોરોનાને લીધે સમગ્ર વિશ્વમાં હિંગની માગ અને આવક 20-25 ટકા જેવી ઘટી હોવાનું વાશીસ્થિત ઓલ ઇન્ડિયા હિંગના દેવેન્દ્ર વાહીનું કહેવું છે.
લૉકડાઉનને લીધે કામદારો વતન ચાલી ગયા હોવાથી ફૅકટરીઓમાં ઉત્પાદન પર અસર થઈ છે. મથકે પણ કામદારોની અછત હોવાથી હિંગરસની આવક ઓછી થઈ રહી છે.
હિંગના અગ્રણી વપરાશકાર કેટરિંગ, રેસ્ટોરાં, હોટેલ અને નાસ્તાગૃહની માગ મંદ છે. આમ હિંગની માગ અને આવક ઘટી હોવાથી મથકે ભાવ વધી શકતા જ નથી. આગામી સમયમાં પણ હિંગની બજાર ટકેલી રહેશે, એમ વાહીનું કહેવું છે.
શુદ્ધ અને ગુણવત્તાયુક્ત હિંગના આંતરરાષ્ટ્રીય સ્તરે કિલોએ જથ્થાબંધ ભાવ 65 ડૉલર અને હલકી ગુણવત્તાના 10થી 60 ડૉલર સુધીના રહ્યા છે. સ્થાનિક બજારમાં શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતી હિંગનો જથ્થાબંધ ભાવ કિલોએ રૂા. 7000-9000, મધ્યમ કવૉલિટીના રૂા. 6000-8000 અને હલકી કવૉલિટીના રૂા. 2500-4000 જેવા રહ્યા છે. હિંગના ભાવ લગભગ છથી સાત મહિનાથી આ સ્તરે જળવાયેલા રહ્યા છે. હાલમાં અથાણાંની સિઝન હોવા છતાં લૉકડાઉનને લીધે માગ મંદ છે. આયાત ઓછી છે. તેથી બજાર આ સ્તરે જળવાઈ રહેશે એમ વેપારીઓનું કહેવું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer