કંડલા બંદરે ટી પાર્ક સ્થાપવાની વડા પ્રધાન સમક્ષ રજૂઆત

ચાની નિકાસને પ્રોત્સાહન આપવા 
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરેન્દ્રનગર, તા. 8 જૂન 
ભારત ચાના ઉત્પાદનમાં વિશ્વમાં બીજું સ્થાન અને નિકાસમાં ચોથું સ્થાન ધરાવતો દેશ છે. દુનિયાભરમાં ભારતીય ચાની ઉચ્ચ છાપ અને નામના છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઈરાન અને તેની આસપાસના અનેક દેશો પણ ઇન્ડિયન ટી ખરીદનાર દેશો બન્યા છે. ઈરાન અને ગલ્ફમાં ભારતની ચાના એક્સપોર્ટનો વધારો થાય તે હેતુથી ગુજરાતમાં દીનદયાળ પોર્ટ કંડલા ખાતે ટી પાર્ક સ્થાપવાની એક દરખાસ્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, ટી ફોરમ ઓફ ઇન્ડિયાના ચૅરમેન અને ટી બોર્ડ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડાયરેક્ટર નિધેષ શાહે ઈમેલથી મોકલેલ છે. આ ઈમેલની નકલો કેન્દ્ર સરકારના રેલ્વે તેમજ વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલ, શાપિંગ, પોર્ટ, વોટર વે પ્રધાન મનસુખ માંડવિયાજને તથા ટી બોર્ડ ઇન્ડિયાને મોકલેલ છે. 
આ દરખાસ્તમાં જણાવાયું છે કે, કંડલા પોર્ટથી ઈરાનના વોટર માઇલેજ 1120 મીટર છે, જે દરિયા માર્ગ 5 દિવસમાં કાપી માલ ઝડપથી પહોંચી શકે છે. હાલમાં કોલકતા પોર્ટથી ઈરાન ચા મોકલવામાં આવે તો 25થી 30 દિવસો લાગે છે. તેનું કારણ એ છે કે, કોલકતાથી ઈરાન દરિયાઈ માર્ગના પરિવહન માટે શ્રીલંકાના પાછળના ભાગમાંથી ફરીને દરિયાઈ પરિવહન કરવું પડે છે, જેથી તેનું અંતર આશરે 3300 વોટર માઇલેજ થાય છે. વળી કોલકતા પોર્ટ ખાતે હેવી ટ્રાફિક, લેબર પ્રોબ્લેમ્સ અને અન્ય કારણોથી અનેક દિવસો સુધી કન્ટેનરો પણ નથી મળતા. 
દેશના ચા ઉતપન્ન કરતા વિભિન્ન ભાગોમાંથી ગુજરાતના દીનદયાળ પોર્ટ કંડલા ખાતે  100 ટકા એકસપોર્ટ માટે લવાતી ચાના રેલ્વે પરિવહનના નૂરમાં 50 ટકા સબસિડીની શક્યતાઓ પર વિચારવાનો અનુરોધ પણ આ દરખાસ્તમાં કરવામાં આવ્યો છે. 
આ પહેલા ટી બોર્ડ ઇન્ડિયાની બોર્ડ મીટીંગમાં પણ બોર્ડ મેમ્બર તરીકે નિધેષ શાહે આ મુદ્દાની ભાર પૂર્વક આ રજૂઆત કરી હતી અને મિનિટ્સમાં નોંધ કરાવેલી હતી . અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલાં ભારત સરકારે કોલકતા પોર્ટ ખાતે ટી પાર્ક સ્થાપવાને વિધિવત મંજૂરી આપી હતી. પરંતુ સ્થાનિક પ્રશાસનના અસહકારથી ટેન્ડર બહાર પડયાથી આગળ કોઈ જ કામગીરી શરૂ થઇ નથી. 
ભારતની આર્થિક પરિસ્થિતિમાં સુધારો કરવા અધિક હૂંડિયામણ એક્સપોર્ટ વધશે તો જ શક્ય બનશે. વળી ચાના નિકાસની ગણતરીએ ભારતનું સ્થાન પાછું પડતું અટકાવવા, આવો ટી પાર્ક કંડલા ખાતે સ્થાપવાની આ દરખાસ્ત સત્વરે મંજૂર કરવા જણાવાયું છે. જો આ શક્ય બનશે તો ઈરાન અને તેની આસપાસના અનેક દેશોમાં ચાની નિકાસ ખૂબ સારી રીતે વધશે, સમય અને નાણાંની બચત સાથે ગુજરાતના અનેક લોકોને રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે, એવો ટી બોર્ડનો દાવો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer