ટેક્સ્ટાઇલ ક્ષેત્ર માટે પીએલઆઈ સ્કીમમાં કાચા માલનો પણ સમાવેશ કરવા ટેક્સ્ટાઇલ મંત્રાલયની વિચારણા

એજન્સીસ
નવી દિલ્હી, તા. 8 જૂન
પ્રોડક્શન - લિન્કડ ઇન્સેન્ટીવ (પીએલઆઈ) સ્કીમ હેઠળની પાત્રતા માટે અત્યાર સુધી નક્કી કરાયેલા ઉત્પાદનો અંગે કેન્દ્રીય ટેક્સ્ટાઇલ મંત્રાલય ફેરવિચારણા કરી રહ્યું છે. દેશમાં વધુ વેલ્યુએડીશનને પ્રોત્સાહિત કરવા મેન મેઇડ ફાઇબર શ્રેણી અને ટેકનિકલ ટેક્સ્ટાઇલ્સની શ્રેણીમાં કાપડ અને ફિલામેન્ટ જેવી કાચી સામગ્રીને સ્કીમમાં આવરી લેવાની વિચારણા છે.
અત્યાર સુધી આ બન્ને શ્રેણીમાં આખરી ઉત્પાદનો જેવા કે ગાર્મેન્ટ્સ, સ્વેટર્સ, ડાઈપર્સ, સેનેટરી નેપ્કિન્સને ધ્યાનમાં લેવામાં આવતાં હતાં. આમ માત્ર આખરી ઉત્પાદનોને જ ધ્યાનમાં લેવાથી ઉદ્યોગમાં મેન્યુફેક્ચરિંગ અને રોકાણને મહત્તમ ઉત્તેજન મળી શકતું નથી.
કેન્દ્ર સરકારે પીએલઆઈ સ્કીમ માટે જે 13 ક્ષેત્રો નક્કી કર્યાં છે તેમાં ટેક્સ્ટાઇલ ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. ટેક્સ્ટાઇલ માટે આ સ્કીમ હેઠળ રૂા. 10,683 કરોડની ફાળવણી થઈ છે. મેન મેઇડ ફાઇબરની 40 માન્ય આઇટમો અને ટેકનિકલ ટેક્સ્ટાઇલ્સના 10 ઉત્પાદનોને પાંચ વર્ષ સુધી ઇક્રીમેન્ટલ ઉત્પાદન પર વિવિધ લાભ અપાશે.
આ ઉપરાંત સ્કીમ હેઠળની પાત્રતા માટેની ટર્નઓવરની ટોચમર્યાદા ઘટાડવાની માગણી ઉદ્યોગ દ્વારા થઈ રહી છે, જેથી નાના એકમો પણ આ સ્કીમનો લાભ લઈ શકે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer