વીજ કંપનીઓના શૅરોમાં તેજીનો કરન્ટ

વ્યાપાર ટીમ 
મુંબઈ, તા. 8 જૂન
સ્મોલ અને મિડકેપ ઈન્ડેક્સમાં તેજી છતાં બેન્ચમાર્ક સૂચકાંકો સાંકડી વધઘટમાં રહ્યાં બાદ ફ્લેટ બંધ થયા હતાં. સેન્સેક્ષ 53 પોઈન્ટ્સ (0.10 ટકા) ઘટીને 52,275 બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી50 સૂચકાંક 11.5 ટકા (0.07 ટકા) ઘટીને 15,740ના સ્તરે બંધ રહ્યો હતો. 
તાતા મોટર્સ, ટેક મહિન્દ્ર, ભારતી એરટેલ, ઇન્ડિયન અૉઈલ કોર્પોરેશન, એચસીએલ ટેક અને ઈન્ફોસિસના શૅર ભાવ સૌથી અધિક વધ્યા હતાં. જ્યારે હિન્દાલકો, તાતા સ્ટીલ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, કોટક બૅન્ક, એચડીએફસી અને એસબીઆઈના શૅર ભાવ સૌથી અધિક ઘટયા હતાં. 
વ્યાપક બજારમાં બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ સતત પાંચમાં દિવસે વધ્યો હતો. આજે ઈન્ડેક્સ 0.36 ટકા વધીને 22,769.5ના સ્તરે બંધ રહ્યો હતો. બીજી બાજુ સ્મોલકેપ ઈન્ડેક્સ 24,868ની ટોચને સ્પર્શીને અંતે 0.9 ટકા વધીને 24,827ના સ્તરે બંધ રહ્યો હતો. 
મોટા પ્રમાણમાં વોલ્યુમ થતાં અદાણી પાવરનો શૅર ઈન્ટ્રા-ડેમાં 19 ટકા વધીને $151ની નવી ટોચને સ્પર્શયો હતો. તેમ જ બીએસઈમાં તાતા પાવર અને ટોરેન્ટ પાવર ચાર ટકાથી પણ વધુ વધ્યા હતા. પરિણામે એસઍન્ડપી બીએસઈ પાવર ઈન્ડેક્સ 10 વર્ષની ઉપલી સપાટી 3,008ને સ્પર્શયો હતો. આ પહેલા જાન્યુઆરી 2011માં આ સ્તરે ઈન્ડેક્સ પહોંચ્યો હતો. 
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની મુંબઈ ખંડપીઠે પિરામલ ગ્રુપની દિવાન હાઉસિંગ ફાઈનાન્સ લિ. (ડીએચએફએલ) સંબંધિત રિઝોલ્યુશન પ્લાનને મંજૂર કરતા પિરામલ એન્ટરપ્રાઈસિસનો શૅર સત્ર દરમિયાન 11 ટકા વધ્યો હતો, છેલ્લા બે દિવસમાં શૅર 17 ટકા વધ્યો છે. ડીએચએફએલના શૅરને પણ સતત બીજા દિવસે 10 ટકાની અપર સર્કિટ લાગી હતી. 
નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં બૅન્ક 1.01 ટકા, ફાઈ. સર્વિસ 0.76 ટકા, મેટલ 1.06 ટકા, પીએસયુ બૅન્ક 1.45 ટકા અને પ્રાઈવેટ બૅન્ક 0.98 ટકા ઘટયા હતા. જ્યારે અૉટો 0.62 ટકા, એફએમસીજી 0.84 ટકા, આઈટી 1.20 ટકા, મીડિયા 0.85 ટકા, ફાર્મા 0.86 ટકા અને રિયલ્ટી સૂચકાંક 0.85 ટકા વધ્યા હતાં. 
વૈશ્વિક બજારો
ટ્રાવેલ અને ટુરિઝમ શૅર્સના ટેકે યુરોપિયન શૅર્સ નવી ટોચને સ્પર્શયા હતા પરંતુ જર્મનીના ઔદ્યોગિક ઉત્પાદનના નબળા આંકડા અને યુકેમાં નિયંત્રણો પાછા ખેંચાશે કે નહીં તે બાબતે ચિંતા સર્જાતા તેજી મર્યાદિત રહી હતી. યુરોપિયન સ્ટોક્સ 600 ઈન્ડેક્સ ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે યુકેનો એફટીએસઈ 100 ઈન્ડેક્સ 0.4 ટકા વધારે ટ્રેડ થઈ રહ્યો હતો. 
એશિયામાં જપાનનો નિક્કી 0.3 ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.13 ટકા અને ચીનનો શાંઘાઈ કોમ્પોસિટ 0.5 ટકા ઘટયા હતા. 
દરમિયાન વોલ સ્ટ્રીટના ત્રણ મુખ્ય સૂચકાંકોમાં વાયદામાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ ફ્યૂચર્સ 0.04 ટકા ઘટાડે અને નાસ્દાક ફ્યૂચર્સ 0.25 ટકા વધારે ટ્રેડ થઈ રહ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer