બોક્સાઇટનું ગેરકાયદે ખાણકામ બંધ થતાં જીએમડીસીને રૂ. 500 કરોડનો ફાયદો

નિયમો વિરુદ્ધ બોક્સાઇટનો ક્વોટા ઉપાડનારાઓ સામે કાર્યવાહીની માગ 
પરાશર દવે  
અમદાવાદ, તા. 8 જૂન
ગુજરાતમાં બોક્સાઇટની ખાણો મુખ્યત્વે કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં આવેલી છે. ગુજરાત માઇન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી) દ્વારા આ ખાણોનું સંચાલન કરવામાં આવે છે. તેમજ આ વિભાગ પર રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા જ સીધી દેખરેખ રાખવામાં આવે છે. તેના કારણે છેલ્લા બેથી ત્રણ વર્ષથી ગેરકાયદે ઉત્ખનન (માઇનીંગ) સદંતર બંધ થઇ ગયું છે અને પરિણામે જીએમડીસીને આશરે રૂ. 500 કરોડનો આર્થિક લાભ થયો છે.  
બીજી બાજુ ગુજરાત સરકારની નીતિ અનુસાર કોઇ પણ ખનિજનું વેચાણ કરવુ હોય તો જીએમડીસીની મંજૂરી હોવી જોઇએ તે પૂર્વશરત છે. તે સિવાય માત્ર કેલ્સાઇન્ડ બોક્સાઇટ બનાવતા યુનિટોને બોક્સાઇટ ફાળવી શકાય નહી તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. બોક્સાઇટમાં પ્લાન્ટ ગ્રેડ અને નોન પ્લાન્ટ ગ્રેડ એ બે ભાગ હોય છે. પ્લાન્ટ ગ્રેડ બોક્સાઇટમાંથી ફાયરબ્રીક્સ અને કાસ્ટેબલ બને છે, જેને વેલ્યુ એડીશન પ્રોડક્ટ કહેવાય છે. આમ બોક્સાઇટની ખાણમાંથી બોક્સાઇટ બહાર કાઢીને રિફ્રેક્ટરીને અપાય તેનું સમગ્ર સંચાલન જીએમડીસી દ્વારા કરવામાં આવે છે.  
આ ક્ષેત્ર સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યા અનુસાર સૂત્રોના અનુસાર હાલમાં આ ધંધાના કેટલાક જુના ગ્રાહકો જીએમડીસીના અધિકારીઓ સાથે સાંઠગાંઠ અને વાટાઘાટો કરી નિયમો વિરૂદ્ધ વેલ્યુ એડીશન પ્રોડક્ટના નામે ગેરકાયદે બોક્સાઇટ ક્વોટા મેળવી માલ ઉપાડી અને વેલ્યુ એડીશનના નામે કેલ્સાઇન્ડ બોક્સાઇટનું વેચાણ કરી રહેલ છે જ્યારે સામે પક્ષે જે ઉદ્યોગકારો પ્રમાણિકતાથી વેલ્યુ એડીશન પ્રોડક્ટ્?સના ઉત્પાદનમાં જ બોક્સાઇટનો વપરાશ કરીને ઉદ્યોગ ચલાવી રહ્યાં છે તેમને તેમના યુનિટોની ઉત્પાદન કેપેસીટીના પ્રમાણમાં બોક્સાઇટ જે માત્રામાં મળવો જાઈએ તે મળતો નથી. હાલમાં ખંભાળિયા, મોરબી, વાંકાનેર અને અન્ય વિસ્તારોના બોક્સાઇટ આધારિત અંદાજે 150 થી 200 ઉદ્યોગકારોની બોક્સાઇટ મેળવવા માટે જીએમડીસીમાં લાઈન લાગી છે. 
ફાળવણીની પ્રક્રિયા જોઇએ તો જીએમડીસી પોતાની પાસે રહેલી અનામત જાહેર કરે છે તેમાંથી જે રસ ધરાવતી પાર્ટી પાસેથી ક્ષમતા અનુસારના બીડ મંગાવે છે. પરંતુ જેની ક્ષમતા ન હોય તે છતાં અધિકારીઓ સાંઠગાંઠ કરીને બોક્સાઇટની ફાળવણી કરવામાં આવી રહી છે. બોક્સાઇટ આધારિત મુલ્યવર્ધિત ઉત્પાદનો - વેલ્યુ એડીશન પ્રોડક્ટ્સનું ઉત્પાદનો જે માત્રામાં કરવામાં આવતા હોય તેવા યુનિટોને જ ફક્ત બોક્સાઇટની ફાળવણી દર મહીને કરી રહ્યાં છે. 
આમ જોઇએ તો જીએમડીસીને ઘણા ફાયદાઓ થયા છે જેમ કે ગેરકાયદે માઇનીંગ બંધ થઇ ગયું છે. વધુમાં પહેલા ચીન તેમજ અન્ય દેશોમાંથી બોક્સાઇટની આયાત કરવામાં આવતી હતી. પરંતુ સાતત્યતા, કોરોનાને કારણ ખાણ બંધ રહી હતી તેમજ કાર્ગોના ભાડામાં પણ ઘણો વધારો થઇ ગયો, તેથી જે બોક્સાઇટની આયાત મોંઘી બની ગઇ હતી. આમ ગેરકાયદે માઇનીંગ, આયાત બંધ થઇ જતા પરિણામે જીએમડીસીનો બોક્સાઇટ પર ઇજારો વધી ગયો છે. આમ દશ વર્ષ જૂનો માલ જે કોઇ લેવા તૈયાર ન હતું અને જે રૂ. 1600 પ્રતિ ટન વેચાતો હતો તે હાલમાં રૂ. 2700 પ્રતિ ટન વેચાઇ રહ્યો છે. આમ જીએમડીસીએ રાજ્યને ખાસ્સો એવો લાભ કરાવી આપ્યો છે.  
જીએમડીસી બોક્સાઇટની નિયમનકાર છે. તેથી બોક્સાઇટ મેળવીને જે તે પાર્ટીની વેલ્યુએડિશન કરીને પ્રોડક્ટ બનાવી શકવાની ક્ષમતા પર બોક્સાઇટની ફાળવણી થાય છે. તેમજ વેલ્યુએડિશન પ્રોડક્ટ વેચાવાથી રાજ્ય સરકારને જીએસટી સ્વરૂપે પણ આવક મળી રહે છે. વેલ્યુ એડીશન પ્રોડક્ટ્સ ધરાવતા યુનિટોને બોક્સાઇટ પૂરતી માત્રામાં મળી રહે તે સમસ્યાનો ત્વરીત ઉકેલ લાવવાની માગ કરવામાં આવી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer