બે મહિનામાં 7.50 લાખ નવાં ડિમેટ એકાઉન્ટ ખુલ્યાંનો અંદાજ

શૅરબજારની વધઘટમાં રોકાણકારોને સારું વળતર મળવાની આશઆ બંધાઇ
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 8 જૂન 
શેરબજાર ઘટ્યા પછી ફરી વધીને 52 હજારની સપાટીએ પહોંચી ગયું છે. તેજી જે ગતિએ આગળ વધે છે તે જોતા રોકાણકારોનો વિશ્વાસ વધતો જાય છે અને એ કારણે નવા ડિમેટ ખાતા વધુ સંખ્યામાં ખૂલી રહ્યા છે.  ગુજરાતમાં  એપ્રિલ - મેં મહિનામાં અંદાજે 7.50 લાખ નવા ડિમેટ એકાઉન્ટ ખુલ્યા છે અને હજુ પણ આવનારા બે મહિના સુધી આ ગતિ ચાલુ રહેશે તેવું જાણકારો કહે છે.  
લક્ષ્મીશ્રી બ્રાકિંગના ગુજરાત હેડ વિરલ મેહતા જણાવે છે કે 'રોકાણકારોનો વિશ્વાસ હવે વધતો જાય છે. ફિક્સ ડિપોઝિટ અને અન્ય રોકાણમાં લાબું વળતર ન મળતું હોવાથી લોકો શેરબજાર તરફ વળ્યાં છે. ખાસ કરીને માર્ચ 2020 ના અંતમાં શેરબજારમાં જે કડાકો બોલ્યો અને અમુક મહિનાઓમાં જ બજાર જે રીતે ઊંચાઈએ પહોંચ્યું તે જોતા રોકાણકારોને બે ચાર વર્ષમાં સારું વળતર મળે છે તેવો વિશ્વાસ બેઠો છે. તેમણે ઉમેર્યું કે,ગુજરાતમાં દર મહિને ત્રણેક લાખ નવા ડિમેટ એકાઉન્ટ ખુલે છે.' 
શાહ ઇન્વેસ્ટર્સના ડાયરેક્ટર તન્મય શાહ જણાવે છે કે 'રોકાણકારોનો વિશ્વાસ ખરેખર વધ્યો છે. આ એવા રોકાણકારો છે જે માત્ર ઈંઙઘ પૂરતા નથી પરંતુ લાબું રોકાણ કરવા સાથે બજારમાં આવ્યા છે. હવે મ્યુચ્યુલ ફંડમાં દર મહિને એસઆઇપી હોય છે તેમ સ્ટોક ખરીદવા એસઆઇએસ એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ સ્ટોકની પણ શરુઆથ થઇ છે.  દર મહિને 10 હજાર અને 25 હજાર રોકાણ કરવાનો વિકલ્પ મળે છે.  
છેલ્લા બે મહિનામાં જ દેશમાં સરેરાશ દર મહિને 13 લાખ ડિમેટ એકાઉન્ટ ખુલ્યા છે. આમ પણ જાણકારો કહે છે કે 2020 નું આખું વર્ષ મિડકેપ સ્ટોકમાં કોઈ ખાસ વળતર નથી મળ્યું ત્યારે હવે મિડકેપ સ્ટોક આ વર્ષે સારું વળતર આપી શકે છે અને એટલા માટે જ રોકાણકારો હવે વધુ સંખ્યામાં રોકાણ તરફ વળ્યાં છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer