બાંગ્લાદેશમાં ફરીથી કાંદાની નિકાસ શરૂ થઈ

બાંગ્લાદેશમાં ફરીથી કાંદાની નિકાસ શરૂ થઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 જૂન
બાંગ્લાદેશમાં કાંદાની નિકાસ ફરીથી શરૂ થઈ છે.
બાંગ્લાદેશમાં કોરોનાના વ્યાપને લીધે લૉકડાઉન હોવાથી નિકાસ ગયા મહિને બંધ હતી તે ફરી શરૂ થઈ છે.
નાશિકની કાંદાની જથ્થાબંધ બજાર આ મહિનાથી ફરી કાર્યરત થઈ છે. નાશિકની મંડીઓમાં કાંદાની દૈનિક સરેરાશ આવક 1500-2000 ટેકટર (પ્રત્યેકમાં 2.5થી 3 ટન)ની થઈ રહી છે.
મધ્યપ્રદેશની બજાર ફરી શરૂ થવાની શક્યતાને લીધે બજાર હળવી થવાની સંભાવના હતી. પરંતુ અત્યારે ત્યાંની બજાર સહિત માર્કેટ કમિટી પણ સંપૂર્ણપણે બંધ છે. તેથી દેશમાં નાશિકના કાંદાની માગ ખૂબ સારી છે એમ નાશિક સ્થિત ગૌરવ ટ્રેડિંગના સંતોષભાઈ ઠકકરનું કહેવું છે.
બાંગ્લાદેશમાં સામાન્ય રીતે દૈનિક એક હજાર ટન કાંદાની નિકાસ થતી હોય છે. એપ્રિલ 2020થી ફેબ્રુઆરી 2021 દરમિયાન દેશમાંથી 14 લાખ 4 હજાર મેટ્રિક ટન કાંદાની નિકાસ થઈ હતી.
તૌકતે વાવાઝોડાને લીધે નાશિકમાં કાંદાનો માલ પલળી ગયો હતો તે માલ વાશી સ્થિત જથ્થાબંધ બજારમાં આવી રહ્યો છે. પલળેલો માલ હજી એકાદ મહિના જેવો રહેશે. કલકત્તા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પટના જેવી દેશાવરોની મંડીઓમાં સારો માલ જઈ રહ્યો છે.
નાશિકની જથ્થાબંધ બજારમાં કાંદાની વિવિધ વેરાયટી મુજબ કિલોના ભાવ રૂા. 15-25 જેવા છે. તેમાં એવરેજના રૂા. 15-18, સારા માલના રૂા. 18-20 અને સ્ટોક માટે તથા નિકાસ ક્વૉલિટીના ભાવ રૂા. 20-25 જેવા છે. હાલમાં ભાવમાં મોટી વધઘટ થવાની સંભાવના નથી અને બજાર આ સ્તરે જળવાઈ રહેશે એમ સંતોષભાઈનું કહેવું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer