રશિયન ખાણ કંપનીએ 40 ટકા ઉત્પાદન શરૂ કર્યાની જાહેરાત સાથે નિકલમાં મજબૂતાઈ

રશિયન ખાણ કંપનીએ 40 ટકા ઉત્પાદન શરૂ કર્યાની જાહેરાત સાથે નિકલમાં મજબૂતાઈ
ઈન્ડોનેશિયાના બજાર ઉપર વર્ચસ્વ મેળવવાના પ્રયાસો
ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 8 જૂન
વિશ્વની બીજા નંબરની સૌથી મોટી નિકલની રશિયન કંપની નોરીલસક નિકલએ તેની ખાણમાં 40 ટકા ઉત્પાદન ફરી શરૂ કર્યાની જાહેરાત કરી એટલે આ વર્ષે લગભગ 10 હજાર ટન કાર્બન નેચરલ નિકલનું ઉત્પાદન થશે એવો અંદાજ છે. નોરીલસક નિકલે આ વર્ષે બે લાખ ટન ઉત્પાદનનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો, જે મુશ્કેલ લાગે છે. આ સમાચાર આવતા જ શુક્રવારે એલએમઈ ત્રિમાસિક નિકલ વાયદો વધીને 18,000 ડોલરની સપાટી કૂદાવી આખરે 17,995 ડોલર બંધ રહ્યો હતો. 
ટાઇમિરસ્ક ખાણમાં ભરાયેલા પાણીને પમ્પિગ દ્વારા બહાર કાઢવામાં આવ્યું હતું. ઉત્પાદનની નવી ડિઝાઈન મુજબ જૂન અંત સુધીમાં દૈનિક ઉત્પાદન 12,100 ટન થવાની શક્યતા છે. જે દિવસે નોરીલસકનું ઉત્પાદન શરૂ થઈ એ જ દિવસે વિશ્વની સૌથી મોટી નિકલ ઉત્પાદક, બ્રાઝિલની વલે કંપની તેની સૌથી એક મોટી ખાણમાં ઉત્પાદન બંધ પડ્યાની જાહેરાત કરી. અને કેનેડાની સુદબરી ખાણમાં હડતાલ પાડવાની હોવાની જાહેરાત થઈ છે. 
ગત મહિનાના આખરમાં અન્ય બેઝ મેટલના ભાવ વધવા લાગ્યા તે સાથે જ નિકલમાં પણ કરન્ટ આવી ગયો હતો. પણ ત્યાર પછી એલએમઈ એક્સચેન્જમાં માલ ભરાવો થયાનું અને સ્ટોક વધુ હોવાના કારણો છે. આમ બજારના આંતરપ્રવાહમાં વારેવારે બદલાવ આવી રહ્યા છે, એ જોતાં ભાવ ફેબ્રુઆરીની આગલી ઊંચાઈને સ્પર્શવાના ગમે ત્યારે પ્રયાસ આદરશે. સ્ટેનલેસ-સ્ટીલ બજારનાં તમામ પરિવર્તનોમાં ઈન્ડોનેશિયા અને ચીનના હાથમાં નિયંત્રણ છે, એ ભૂલવું ના જોઈએ. આ બન્ને દેશોએ મળીને સ્ટેનલેસ-સ્ટીલ ઉત્પાદનનો જાગતિક હિસ્સો, 2015માં બાવન ટકા હતો તે ગત વર્ષે 64 ટકાએ પહોંચાડ્યો છે. 
સ્ટેનલેસ-સ્ટીલ ઉત્પાદનમાં રિફાઈન્ડ નિકલ વપરાશની નિર્ભરતા સતત વધી રહી હોવાથી જાગતિક સ્ટીલ ઉત્પાદનમાં ક્રેપ મેટલ વપરાશનો રેશિયો પાંચ વર્ષ અગાઉ 42 ટકા હતો તે 2020માં ઘટીને 37 ટકા થયો હતો. ઈન્ડોનેશિયા હવે વિશ્વના નિકલ કેપિટલ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા અગ્રેસર થઈ ગયું છે. આગામી એક દાયકામાં ઈન્ડોનેશિયા અગત્યના સ્ટેનલેસ-સ્ટીલ અને ઇવી કાર-બેટરીમાં મેટલના કાચામાલનો હિસ્સો 60 ટકાની ઊંચાઈએ લઈ જવાનો ઇરાદો ધરાવે છે. 
મેક્યુરી બૅન્ક કહે છે કે નિકલની નવી ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવાની વૃત્તિ સ્થગિત અવસ્થામાં આવી ગઈ છે. તાજા અભ્યાસ અહેવાલો કહે છે કે ગતવર્ષના 6 લાખ ટન નિકલ ઉત્પાદન સામે નિકલ ઉત્પાદનની સ્થાપિત વાર્ષિક ક્ષમતા આ વર્ષે 17.88 લાખ ટને પહોંચી ગઈ છે. 
ઇન્ટરનેશનલ નિકલ સ્ટડી ગ્રુપ કહે છે કે આ વર્ષે માગમાં ધરખમ વધારો થવા છતાં, નિકલબજાર સારી એવી પુરાંતમાં રહેશે. સમાચાર એજન્સી રોઇટરનો તાજો અનુમાનિત સર્વે સૂચવે છે કે આ વર્ષે નિકલ પુરાંત 31,000 ટન અને ત્યાર બાદ આગામી વર્ષે 66,500 ટન રહેશે. ગતવર્ષે રિફાઈન્ડ નિકલ ઉત્પાદન પાંચ ટકા અને આ વર્ષે 9 ટકા વધશે. 
અમેરિકામાં નિકલ લમ્પ (ગઠ્ઠા)નું પ્રીમિયમ 1 જૂન સુધીના સપ્તાહમાં વધીને 9 ટકા થયું હતું, ત્યાર પછી પણ વધી રહ્યું છે. જ્યારે નિકલ કટ કેથોડનું પ્રીમિયમ પણ પ્રતિ પાઉન્ડ (454 ગ્રામ) 1 સેન્ટ થયું છે. 2020 પછીની કોરોના મહામારી હળવી થયા બાદ હવે એરોસ્પેસ (વિમાન) સેક્ટર પણ ઉત્પાદન ક્ષેત્ર જીવંત થવા લાગ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer