કપાસની નિકાસ મે મહિનામાં ઘટી

કપાસની નિકાસ મે મહિનામાં ઘટી
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઇ, તા. 8 જૂન 
અમેરિકન ડોલરની તુલનાએ ભારતીય રૂપિયો મજબૂત થવાથી અને ઘરેલુ બજારમાં કોટનની કિંમતો વધવાથી તેની નિકાસ પ્રભાવિત થઇ છે. વેપારીઓનું કહેવુ છે કે દેશમાંથી માર્ચ અને એપ્રિલ બંને મહિનામાં લગભગ આઠ – આઠ  લાખ ગાંસડી (પ્રત્યેક ગાંસડી 170 કિગ્રા)ની નિકાસ થઇ જે મે મહિનામાં ઘટીને 6-7 લાખ ગાંસડી રહેવાનો અનુમાન છે. પરંતુ હવે પાછલા 15 દિવસથી નિકાસ મોરચે નવા સોદા સુસ્ત છે. 
ડીપી કોટન અમદાવાદના ડિરેક્ટર ધર્મેન્દ્ર જૈનનું કહેવુ છે કે ચાલુ માર્કાટિંગ વર્ષ 2020-21 (ઓક્ટોબર - સપ્ટેમ્બર) માં કોટનની નિકાસ અત્યાર સુધી લગભગ 58 લાખ ગાંસડી થઇ ચૂકી છે. ભારતમાંથી થયેલ નિકાસનો મોટો હિસ્સો બાંગ્લાદેશ, ચીન અને વિયેતનામને ગયો છે. નિકાસકારોના મતે અન્ય એક કન્સાઇન્મેન્ટ 3-4 લાખ ગાંસડીનો ટ્રાન્ઝિટમાં છે જે આ સપ્તાહે શિપમેન્ટ થશે. ભારતીય કોટનના ભાવ વર્તમાનમાં 92-93 સેન્ટ્સ પ્રતિ પાઉન્ડ કોસ્ટ અને ફ્રેઇટ આધાર પર છે જે પશ્ચિમ આફ્રિકા અને અમેરિકાની સુપીરિયર ક્વોલિટી કોટનની સમાન છે. 
ડીડી કોટન મુંબઇના એમડી અરુણ સેક્સરિયાનું કહેવુ છે કે, વૈશ્વિક બજારમાં ભારતીય કોટન સામાન્ય રીતે 5-6 સેન્ટ્સ સસ્તી હોય છે. બજારમા આવક એકદમ નબળી પડી જવાથી મેની શરૂઆતથી ભારતીય કોટનના ઘરેલુ ભાવ વધી રહ્યા છે. કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ ખાતે મેની શરૂઆતથી કોટનના ભાવ લગભગ 10 ટકા વધી ગયા છે જે મંગળવારે ત્રણ વર્ષની ઉંચાઇ પર 23770 રૂપિયા પ્રતિ ગાંસડી પહોંચી ગયા છે. આ દરમિયાન અમેરિકન કોટન વાયદો  6 ટકા ઘટીને 81-83 સેટ્સ પ્રતિ પાઉન્ડ આવી ગયા. 
અમેરિકન ડોલરની તુલનાએ ભારતીય રૂપિયો મજબૂત થવાથી આયાતકાર તેનાથી થોડા દૂર થયા છે. ભારતીય રૂપિયો 28 મેના નવ સપ્તાહની ઉંચાઇ પર 72.32 રૂપિયા પ્રતિ ડોલરે પહોંચી ગયા છે. ઉદ્યોગ જગતનું માનવુ છે કે સપ્ટેમ્બર અંત સુધી દેશમાંથી કોટનની નિકાસ 65-70 લાખ ગાંસડી રહી શકે છે જ્યારે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા એ આ અનુમાન ચાલુ સીઝનની માટે 65 લાખ ગાંસડી મૂક્યો છે. કેટલાક નિકાસકારોનું કહેવુ છે કે આ નિકાસ સરળતાથી 70 લાખ ગાંસડીના આંકડાને સ્પર્શી જશે કારણ કે બાંગ્લાદેશની માંગ ઘણી સારી છે. બાંગ્લાદેશ દર મહિને ભારતમાંથી 2.50-3 લાખ ગાંસડીની આયાત કરી રહ્યુ છે. નોંધનિય છે કે, બાંગ્લાદેશની વાર્ષિક કોટન વપરાશ 85-90 લાખ ગાંસડી છે તેમજ ભારતમાંથી તે પોતાની જરૂરિયાતના લગભગ 50 ટકા જથ્થાની આયાત કરે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer