સુરતની ડાઇંગ મિલોનું છ હજાર કરોડનું પેમેન્ટ ફસાયું

સુરતની ડાઇંગ મિલોનું છ હજાર કરોડનું પેમેન્ટ ફસાયું
બહારગામના જથ્થાબંધ ઓર્ડરો અટકી જતાં મિલોમાં ઉત્પાદન તળિયે પહોંચ્યું  
ખ્યાતિ જોશી  
સુરત, તા. 8 જૂન 
કોરોનાની બીજી લહેર ઉદ્યોગ-ધંધાના લગભગ તમામ ક્ષેત્રે ઘાતક પૂરવાર થઇ છે. કાપડ મીલ ચલાવનારાઓ પણ કોરાનાની બીજી લહેરનો શિકાર બન્યા છે. પાછલા ત્રણ માસથી મીલ માલિકો પાસે કાપડમાર્કેટમાંથી કોઇ પ્રકારનું પેમેન્ટ નહિ આવતાં ડાઇંગ અને પ્રોસેસીંગ હાઉસોનું અંદાજે રૂા. 6 હજાર કરોડનું પેમેન્ટ વેપારીઓ પાસે ફસાયું હોવાનું જાણવા મળ્યું છે.  
ગત માર્ચથી કાપડના વ્યવસાયની ચેનલમાં યાર્ન ઉત્પાદકોથી લઇને તૈયાર માલ વેચનારાઓ સુધી તમામની આર્થિક સ્થિતિ કફોડી બની છે. કોરોનાની બીજી લહેરે વેગ પકડતા તબક્કાવાર દેશના મોટા રાજ્યોમાં સંપૂર્ણ અથવા મીની લોકડાઉન લાગુ થયું હતું. લોકડાઉનના કારણે દેશભરની મંડીઓ બંધ રહેતા સુરતમાંથી કાપડનો વેપાર સાવ ઠપ થઇ ગયો હતો. પરિણામે કામકાજ ઘટ્યા અને સાથો-સાથ જૂનુ પેમેન્ટ પણ બહારગામના રાજ્યોમાંથી આવવું જોઇએ તે પ્રમાણમાં આવ્યું નથી. જેના કારણે કાપડમાર્કેટની સમગ્ર ચેનલ અસરગ્રસ્ત બની છે.  
જોબવર્ક કરનારાઓની હાલત અત્યંત દયનીય બની છે, વિવર્સને મશીનોના હપ્તાથી લઇને કારીગરોના પગાર કાઢવાના પ્રશ્નો ઉભા થયા છે. તો મોટી સંખ્યામાં મહિલાઓની રોજગારીને પણ અસર પહોંચી છે. મીલ માલિકો પણ ના છૂટકે ઉત્પાદન પર કાપ મૂકીને ખર્ચાઓ કાઢી રહ્યા છે.  
દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન(એજીટીપીએ)ના પ્રમુખ જીતેન્દ્ર વખારિયા કહે છે કે, ગત વર્ષથી કાપડઉદ્યોગની માઠી દશા બેઠી છે. ઓક્ટો-નવેમ્બરમાં કામકાજ સુધર્યા બાદ વેપાર સારો રહ્યો હતો. પરંતુ માર્ચથી કોરોનાની બીજી લહેરે મીલ માલિકોની ચિંતા વધારી દીધી છે.  નવા પેમેન્ટ આવ્યા નથી. અંદાજે રૂા. 6 હજાર કરોડનું પેમેન્ટ ફસાયું છે.  
અમારું માનવું છે કે એકાદ મહિના બાદ સ્થિતિમાં સુધારો જણાશે. હા, આ મામલે શરત એટલી કે કોરોનાની ત્રીજી લહેરનું જોખમ ટળશે તો બજાર સારી રીતે ચાલશે. કોરોનાને કારણે માર્કેટ સતત અનિશ્ચિત રહેતા મીલ માલિકોને ઉત્પાદન પર કાપ મૂકવાની ફરજ પડી છે. હાલ શહેરના ડાઇંગ અને પ્રોસેસીંગ હાઉસોમાં 30 થી 35 ટકા આસપાસ ઉત્પાદન થઇ રહ્યું છે. કારીગરો પણ આટલી જ સંખ્યામાં ઉપસ્થિત હોવાથી કારીગરોની અછત મીલોમાં નથી. સુરત સ્થાનિક કાપડમાર્કેટના વેપારીઓ સમયસર બહારગામના પેમેન્ટની ઉઘરાણી કરી ચૂકવણી શરૂ કરશે તો કાપડની લોક થયેલી ચેનલમાં મૂવમેન્ટ આવશે. અને તો જ કાપડનો અટકી પડેલો વેપાર તેની ગતિથી આગળ વધશે.  
નોંધવું કે, સુરતમાં બનતું મેન-મેડ ફેબ્રીક દેશના કુલ ઉત્પાદનમાં 80 ટકા હિસ્સો ધરાવે છે. બહારગામની માર્કેટો રાબેતામૂજબ થાય તો જ સુરતના કાપડમાર્કેટની ગાડી પૂરપાટ દોડી શકે અન્યથા એક પછી એક મુશ્કેલીઓ આવતી રહેશે. હાલમાં બહારગામના જથ્થાબંધ ઓર્ડરો ઠપ્પ થયા હોવાથી પેમેન્ટ આવી રહ્યું નથી. એકાદ માસમાં સ્થિતિ થાળે પડવાની આશા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer