ઊંધિયાની સીઝન પણ શાકભાજી ખૂબ મોંઘાં

ઓળાના રીંગણાં બજારમાંથી અદૃશ્ય : ટમેટાં-તુવેર વગેરેના ભાવ ઊંચા 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 11 જાન્યુ. 
શિયાળામાં લીલાં શાકભાજીના ભાવ સામાન્ય રીતે લોકોને સરળતાથી અને સસ્તાં મળતા હોય છે. પરંતુ આ વખતે ઉલ્ટી સ્થિતિ છે. શાકભાજીની આવક તો ધૂમ થાય છે પણ ભાવ ખૂબ ઉંચા હોવાથી લોકો છૂટથી ખાઇ શકતા નથી. ટમેટાં અને ગાજર જેવા શાકભાજી શિયાળામાં ખૂબ સસ્તાં હોય છે પણ આ વખતે એવું નથી. લોકોને હિમોગ્લોબિન વધારતા આ શાકભાજી મોંઘા પડી રહ્યા છે. ગુવાર, ભીંડો, તુવેર, વટાણા અને ખાસ કરીને રીંગણા જેવા શાકભાજી મોંઘા છે એટલે લોકો ઉંધિયાની લહેજત છૂટથી માણી શકે તેમ નથી. 
ઉતરાયણ એવું પર્વ છે કે જ્યારે ઘેર ઘેર ઉંધિયા બનતા હોય છે પણ આ વખતે ઉંધિયાનું બજેટ મોંઘું પડે તેમ છે. શાકભાજીના ભાવ જ એટલા ઉંચા છે. ડેરી પ્રોડક્ટ ઉત્પાદકો દ્વારા પણ ઉંધિયું વેચવામાં આવે છે તેના ભાવ પણ આ વખતે રુ. 25-50 જેટલા ઉંચા રાખવામાં આવ્યા છે. 
રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા સૌરાષ્ટ્રનું પ્રિય ખાણું છે. પણ ઓળા માટે ખાસ રીંગણા સૌરાષ્ટ્રની બજારમાં બહુ ઓછાં દેખાય છે. સારાં રીંગણા મળતા નથી એટલે ઓળાની રંગત જામતી નથી. અત્યારે ઓળાના રીંગણા શોધવા જવા પડે તેમ છે. સામાન્ય વર્ષમાં ગમ્ત્યાં મળી રહેતા હોય છે. રીંગણાનો ભા એક કિલોએ રુ.80-90 જેટલો છે. સામાન્ય વર્ષોમાં રીંગણા રુ. 20-30માં મળતા હોય છે. 
ગુવાર પણ મોંઘો છે. તેનો ભાવ એક કિલોએ રુ. 120 અને ભીંડાનો ભાવ રુ. 80-90 ચાલે છે. તુરીયા રુ.70-80માં મળે છે. ટમેટાં રુ. 100-110માં મળે છે જ્યારે કોથમીર રુ. 10ની એક પ્રાપ્ત થાય છે. ચોળી અને વટાણા પણ મોંઘા છે. દેશી ટમેટાં મોંઘા છે તો બીજી તરફ હાઇબ્રીડનો ભાવ રુ. 30-40 ચાલે છે. વટાણા રુ. 40-45માં મળે છે. દૂધ અને તુવેર જેવા શાકભાજી મળે છે પણ તે બેસ્વાદ છે, કુદરતી મીઠાશનો તેમાં અભાવ દેખાય છે. આ વખતે તો ખાદ્યતેલો અને મસાલા ય મોંઘા છે એટલે ઉંધિયું બેસ્વાદ લાગે એમ છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer